અજાણ્યાનું ભલું કરતા પહેલા ચેતજો! પાણી પીવાને બહાને ઘરમાં પ્રવેશી મહિલાએ ચલાવી લૂંટ..
21મી સદીમાં હવે માનવતા એ હદે મરી પરવારી છે કે કોઇનું ભલું કરતા પણ સો વાર વિચાર કરવો પડે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક નણંદ-ભાભીને બેભાન કરીને મહિલાઓએ સોનાના દાગીનાની લૂંટ ચલાવી હોવાની ઘટના બની છે. ઘર લૂંટીને પલાયન થઇ જનાર મહિલાઓના સીસીટીવી પરથી રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાલના સહજાનંદ બંગ્લોઝ નામની સોસાયટીમાં રહેતા અસ્મિતાબેન નામના એક મહિલા પોતાના નણંદ સાથે ઘરમાં હતા તે સમયે અજાણી 2 મહિલાઓ બ્યુટી પાર્લરની ઇન્કવાયરી કરવાને બહાને તેમના ઘરમાં પ્રવેશી હતી. થોડીઘણી વાતચીત કર્યા બાદ આ મહિલાઓએ પાણી માગતા અસ્મિતાબેન પાણી લેવા ગયા અને તે પછી આ મહિલાઓએ તેમને અને તેમના નણંદને બેભાન કરીને લૂંટ ચલાવી હતી. બંનેના બેભાન થઇ ગયા બાદ કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ સહિત ઘરમાં પડેલી 2500 રૂપિયાની રોકડ લઇને મહિલાઓ ફરાર થઇ ગઇ હતી.
આ ઘટનાથી સોસાયટીમાં રહેતી મહિલાઓ તેમજ વિસ્તારમાં દહેશત ફેલાઈ છે. રામોલ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ભોગ બનનાર મહિલાઓના નિવેદન લઈને લૂંટ કરનાર મહિલાઓની શોધખોળ શરૂ કરાઈ છે.