રાજસ્થાને ₹ 1.10 કરોડમાં ખરીદેલો વૈભવ સૂર્યવંશી 13 વર્ષનો છે કે 15નો? વિવાદ ચાલ્યો છે…
બિહારી ટીનેજરના પપ્પા શું કહે છે?
નવી દિલ્હી: બિહારના માત્ર 13 વર્ષના બૅટર વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે સોમવારના આઈપીએલ ઑક્શનમાં 1.10 કરોડ રૂપિયામાં ખરીદીને સૌને ચોંકાવી દીધા. વૈભવ આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી યુવાન ખેલાડી બન્યો છે, પરંતુ બે દિવસથી તેની ઉંમર વિશે વિવાદ ચાલી રહ્યો છે. તે 13 નહીં, પણ 15 વર્ષનો હોવાની ચર્ચા છે.
જોકે વૈભવના પપ્પા સંજીવ સૂર્યવંશીએ પુત્રની ઉંમર ઓછી બતાવાઈ હોવાના આક્ષેપ નકારી કાઢ્યા છે.
લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર અને સ્પિનર વૈભવના રેકૉર્ડમાં જન્મ તારીખ 27 માર્ચ, 2011 બતાવાઈ છે. જોકે 2023ની સાલનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ખુદ વૈભવે પોતાનો જન્મદિવસ 27 સપ્ટેમ્બર હોવાનું અને પોતાની વય 14 હોવાનું કહ્યું હતું. એ જોતાં 2024માં તે 15 વર્ષનો થયો કહેવાય.
રાહુલ દ્રવિડ રાજસ્થાનની ટીમ મેનેજમેન્ટનો હેડ છે. તેના માર્ગદર્શનમાં અને તેની ટીમ દ્વારા હરાજીમાં ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા હતા. વૈભવને સિલેક્ટ કરવામાં આવ્યો એ બદલ દ્રવિડ ખુશ છે અને તેના પર્ફોર્મન્સ વિશે ખૂબ આશાવાદી પણ છે.
આપણ વાંચો: અધધધ…આ બે ક્રિકેટર આઈપીએલ-ઑક્શનના ઇતિહાસમાં રેકોર્ડ-બ્રેક કુલ 50 કરોડ રૂપિયા કમાયા છે
બિહારના સમસ્તીપુરમાં રહેતો વૈભવ આઠમા ધોરણમાં ભણે છે અને પોતે સ્થાનિક સ્તરે 40 સેન્ચુરી ફટકારી ચૂક્યો હોવાનું તેણે વીડિયોમાં જણાવ્યું છે.
અગાઉ ભારતની ડોમેસ્ટિક ક્રિકેટમાં ખરી ઉંમર કરતાં ઓછી ઉંમર રેકોર્ડ માટે બતાવાઈ હોવાના બનાવ બની ચૂકયા છે. વૈભવની ઉંમર 13 વર્ષની જ છે એ વાતનો આગ્રહ રાખીને તેના પિતા સંજીવ સૂર્યવંશી એક મુલાકાતમાં કહ્યું છે કે ‘અમે ભારતીય ક્રિકેટ બોર્ડની સૂચના પ્રમાણે વૈભવની બોન-ટેસ્ટ કરાવી છે અને એ મુજબ વૈભવની ઉંમર 13 વર્ષ છે.’
સોશિયલ મીડિયામાં વૈભવની વયને લઈને ખૂબ ટકોર થઈ રહી છે. એક્સ પર એક ક્રિકેટપ્રેમી લખે છે કે ‘2023માં ખુદ વૈભવે પોતાની 14 વર્ષની ઉંમર બતાવી અને 2024માં તે 15ને બદલે 13 વર્ષનો કેવી રીતે થઈ ગયો?
આપણ વાંચો: આઈપીએલ ઑકશનમાં આ બે ગુજરાતી ખેલાડીને મળી તગડી રકમ
અન્ય એક યુઝર લખે છે, ‘વૈભવના પેરેન્ટ્સ સામે કડક પગલાં લેવા જોઈએ.’
વૈભવે બે મહિના પહેલાં ઑસ્ટ્રેલિયા વતી રમતી વખતે સેન્ચુરી ફટકારી એ સાથે ‘ટૉક ઑફ ધ ટાઉન’ થઈ ગયો છે. ચેન્નઈમાં તાજેતરમાં તે યુથ ટેસ્ટમાં સદી ફટકારનાર યંગેસ્ટ બૅટર બન્યો હતો. તેણે 62 બૉલમાં 104 રન બનાવ્યા હતા.