ગુજરાતના ઉર્વિલ પટેલે રિષભ પંતનો ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો વિક્રમ તોડ્યો
ત્રિપુરા સામે ગુજરાતનો, કર્ણાટક સામે સૌરાષ્ટ્રનો વિજય
ઇન્દોર: ગુજરાતનો 26 વર્ષીય રાઈટ-હૅન્ડ બૅટર ઉર્વિલ મુકેશભાઈ પટેલ છેલ્લા એક વર્ષથી જબરદસ્ત ફોર્મમાં છે, કારણકે 12 મહિનામાં બે ભારતીય વિક્રમ નોંધાવવાની સાથે તે બીજી ઘણી મૅચ-વિનિંગ ઇનિંગ્સ પણ રમ્યો છે. બુધવારે તે ઇન્દોરમાં ભારતીય ટી-20 ક્રિકેટનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો.
ઉર્વિલે રવિવારે આઈપીએલના સૌથી મોંઘા (₹ 27 કરોડ) ખેલાડી બનેલા વિકેટકીપર-બૅટર રિષભ પંતનો છ વર્ષ જૂનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો છે.
ઉર્વિલે ઇન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામેની મૅચમાં માત્ર 28 બૉલમાં સદી ફટકારી હતી. ટી-20 ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ એસ્ટોનિયાના ભારતીય મૂળના ખેલાડી સાહિલ ચૌહાણના નામે છે. સાહિલે જૂનમાં સાયપ્રસ સામે 27 બૉલમાં 100 રન પૂરા કર્યાં હતા.
આ પણ વાંચો: ICC Rankings: દુનિયાના બેસ્ટ બોલરમાં બુમ બુમ બુમરાહે મારી બાજી, દિગ્ગજોને પાછળ રાખી બન્યો નંબર 1
ઉર્વિલે રિષભ પંતની 32 બૉલની સેન્ચુરીનો ભારતીય રેકોર્ડ તોડી નાખ્યો છે. રિષભે એ સિદ્ધિ 2018માં મુશ્તાક અલી ટ્રોફીમાં દિલ્હી વતી રમીને હિમાચલ પ્રદેશ સામે 32 બૉલમાં સદી ફટકારી હતી. એ દાવમાં રિષભે 38 બૉલમાં બાર સિક્સર અને આઠ ફોરની મદદથી અણનમ 116 રન બનાવ્યા હતા.
બુધવારે ત્રિપુરાએ 155 રન બનાવ્યા બાદ ગુજરાતે 10.2 ઓવરમાં 156 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. એમાં ઉર્વિલ (113 રન, 35 બૉલ, બાર સિક્સર, સાત ફોર)નું સૌથી મોટું યોગદાન હતું.
ઉર્વિલે બારમાંથી ચાર સિક્સર ત્રિપુરાના કેપ્ટન મનદીપ સિંહની બોલિંગમાં ફટકારી હતી. એક તબક્કે તેણે મનદીપના પાંચ બૉલમાં 24 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: ICC Test Rankings: બુમરાહની સાથે યશસ્વી જયસ્વાલે પણ લગાવી છલાંગ
ગયા વર્ષે નવેમ્બરમાં ઉર્વિલ વન-ડે મૅચોની વિજય હઝારે ટ્રોફીમાં અરૂણાચલ પ્રદેશ સામે 41 બૉલમાં સદી ફટકારીને ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનારા ભારતીયોમાં (યુસુફ પઠાણ, 40 બૉલમાં સદી) પછીનો બીજા નંબરનો ભારતીય બન્યો હતો.
ત્યારે ગુજરાત ટાઇટન્સે તેને હરાજીમાં મૂકી દીધો હતો. આ વખતના ઑક્શનમાં ઉર્વિલે નામ નોંધાવ્યું હતું, પરંતુ તેનો હરાજી માટેના પ્લેયર્સના લિસ્ટમાં સમાવેશ નહોતો કરવામાં આવ્યો.
બુધવારે ઇન્દોરની અન્ય એક મૅચમાં સૌરાષ્ટ્રએ ઓપનર હાર્વિક દેસાઈના 60 રનની મદદથી કર્ણાટકને પાંચ વિકેટે હરાવી દીધું હતું.