ઈન્ટરવલ

હમાસનું ઘમાસાણ વિચલિત આખલો અડીખમ રહેશે?

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે ઘમાસાણ શરૂ થયું છે તેને કારણે ત્યાં સ્થિત અને તેની આસાપાસના પ્રદેશોના જળ, સ્થળ, પર્યાવરણ અને જીવ જગતને તો પારાવાર હાનિ થવાની જ છે, પરંતુ એ જ સાથે વૈશ્ર્વિક સ્તરે જોઇએ તો સમગ્ર વિશ્ર્વના પર્યાવરણ તેમ જ ખાસ આપણે જેને માટે આ ચર્ચા આદરી છે તે અર્થજગતને પણ ભારે નુકસાન થવાની સંભાવના છે.

મધ્યપૂર્વના દેશોમાં યુદ્ધના મંડાણ થવાથી વિશ્ર્વભરના શેરબજારના સેન્ટિમેન્ટને ખલેલ પહોંચી છે. સૌથી પહેલું અને દેખીતું કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઉછાળો જ રહ્યો છે. બીજી બધી વાતો બાજુએ મૂકીને માત્ર એક જ પરિબળને ધ્યાનમાં લઇએ તો આ યુદ્ધને કારણે ખનિજ તેલના ભાવમાં જે ઝડપી ઉછાળો આવ્યો તે આખા જગતના અર્થતંત્રને આંચકો આપ્યો હતો. એ જ સાથે અમેરિકાના મજબૂત જોબ રિપોર્ટને જોતા ઊંચા વ્યાજ દરની ચિંતાને કારણે વૈશ્ર્વિક ઇક્વિટી બજારો ગબડ્યા હતા.

સ્વાભાવિક છે કે, મધ્યપૂર્વમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે અચાનક ફાટી નીકળેલી લશ્કરી અથડામણની વિશ્ર્વભરના શેરબજારોની સાથે વિદેશી હુંડિયામણ બજારના સેન્ટિમેન્ટ પર પણ ગંભીર અસર જોવા મળશે. મિડલ-ઇસ્ટમાં વધતી તંગદિલીને કારણે સેફ હેવન ગણાતાં ડોલરમાં રોકાણ ફંટાઇ રહ્યું હોવાથી રૂપિયામાં મૂલ્ય ઘસારો જોવા મળી શકે છે, જ્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળશે.

શેરબજારના રસિયાઓનો સવાલ એ છે કે મંગળવારે આ બધા કારણો વચ્ચે પણ શેરબજારમાં તેજીનો ઉછાળો કેમ જોવા મળ્યો? શેરબજારને આ હમાસના ઘમાસાણ જેવી અચાનક આવી પડેલી આપત્તિ પહેલા જે ભય ડારી રહ્યો હતો તે યુએસ ફેડરલની વ્યાજદરની વૃદ્ધિનો હતો. જોકે આ સંદર્ભે ફેડરલ તરફથી સાનુકૂળ સંકેત મળવા સાથે ક્રૂડ ઓઇલના ભાવ પણ ગબડ્યા હોવાથી વોલસ્ટ્રીટ અને તેની પાછળ એશિયા અને વૈશ્ર્વિક શેરબજારોમાં સુધારાનો ચમકારો જોવા મળ્યો.

મંગળવારે શેરબજાર અને વિદેશી હૂંડિયામણ બજારે જાણે યુદ્ધની ચિંતા પડતી મૂકી હોય એ રીતે બંને માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યોે. મુખ્ય બેન્ચમાર્ક સેન્સેકસ ૫૬૭ પોઇન્ટ ઊછળ્યો છે, જ્યારે નિફ્ટી ૧૭૭ પોઇન્ટ ઊછળ્યા બાદ ૧૯,૭૦૦ની નિકટ પહોંચ્યો છે. નિફ્ટી માટે આ સપાટી ખૂબ મહત્વની છે.

આર્થિક મોરચે કેટલાક સકારાત્મક વિકાસ જોવા મળી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સમાં ૧૦૫.૯૫ સુધીનો ઘટાડો અને યુએસ ૧૦-વર્ષના બોન્ડ યીલ્ડ ૪.૮૮ના તાજેતરના ઉચ્ચ સ્તરેથી ઘટીને ૪.૬૫ પર આવવું એ ઇક્વિટી બજારો માટે હકારાત્મક વિકાસ છે.

ભારતમાં એફઆઇઆઇની વેચવાલી ચાલુ હોવા છતાં પણ વેચવાલીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ડીઆઈઆઈ તેમની ખરીદી વધારી રહ્યા છે. જોકે, આ તો વન ડે અફેર જેવી વાત થઇ, આવતી કાલનું શું? સવાલ એ જ છે કે યુદ્ધના અણસારથી વિચલિત થયેલો આખલો, યુદ્ધ વધુ વકરશે, તો કેટલો અડિખમ રહી શકશે?

આર્થિક અને બજારના વલણોથી વિપરીત, ભૂરાજકીય ઘટનાઓની આગાહી કરી શકાતી નથી. આ અનિશ્ર્ચિતતા બજારોના માનસ પર સતત દબાણ લાવશે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ સાથે સંકળાયેલ અનિશ્ર્ચિતતા ચાલુ છે. આ સંદર્ભે અનેક ભય સંકળાયેલા છે, જેમ કે ઇરાન યુદ્ધમાં સામેલ થાય તો ખનિજ તેલનો પુરવઠો ખોરવાઇ જાય.

અમેરિકાએ યુદ્ધ જહાજ મોકલવાની તૈયારી જાહેર કરી છે. જો એવું થાય તો યુદ્ધ વધુ વકરી શકે છે. ઈઝરાયલ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરે તો પરિસ્થિતિે વધુ વણસી શકે છે. યુદ્ધ નિષ્ણાતો માને છે કે, હમાસ જ્યારે ઇઝરાયલી બંધકો સાથે સોદાબાજી કરશે ત્યારથી તણાવ હળવો થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

શેરબજારના નિષ્ણાતો એવી સલાહ આપી રહ્યાં છે કે, ઇઝરાયલ-હમાસ વચ્ચેના લશ્કરી સંઘર્ષ વચ્ચે રોકાણકારોએ મોટું જોખમ લેવાનું ટાળવું જોઇએ. સૌથી મોટો ભય એ છે કે, જો ઈરાન યુદ્ધમાં ખેંચાય તો તે નિ:શંકપણે ક્રૂડતેલના પુરવઠાને વિક્ષેપિત કરશે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપીં વધારો થશે. આમ તો સમગ્ર વિશ્ર્વના ઇક્વિટી બજાર માટે જોખમ ઊભું થયું છે, પરંતુ ક્રૂડ તેલના ભાવમાં વધારો ખાસ કરીને ભારત જેવા કોમોડિટીના આયાતકાર દેશો માટે નકારાત્મક છે. આપણે ખનિજ તેલ પરનું અવલંબન ઘટડવાનું મિશન પુરુ કરતા હજું ઘણી વાર લાગશે.

ઇઝરાયલ ભારતનું મહત્ત્વનું બિઝનેસ પાર્ટનર

ભારત અને ઈઝરાયેલ વચ્ચે આર્થિક અને વાણિજ્યિક સંબંધો પણ ખુબ મજબુત છે અને બંને દેશો વચ્ચેનો વેપાર પણ ખુલ ફેલાયેલો છે. ભારત એશિયામાં ઇઝરાયલનું બીજા ક્રમનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને વૈશ્ર્વિક ધોરણે સાતમું સૌથી મોટું છે. દેશના દિગ્ગજ બિઝનેસમોનોએ પણ ઈઝરાયલમાં મોટું રોકાણ કરેલું છે. ઈઝરાયેલમાં મોટી સંખ્યમાં ભારતીય નાગરિકો રહે છે. ઉપરાંત આયાત-નિકાસ વેપારમાં પણ ઝડપી વધારો થઇ છે. ઈઝરાયલના રાજદુતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત અને ઈઝરાયલ વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે વેપાર અગાઉ ૫ાંચ અબજ ડોલર હતો, જે વધીને ૭.૫ અબજ ડોલર એટલે કે અંદાજે છ લાખ કરોડ રૂપિયાથી વધુનો થઈ રહ્યો છે. પોર્ટ, શિપિંગ સહિત ઘણા સેક્ટરોમાં બંને દેશો વચ્ચેનો વેપાર ઘણી રીતે મહત્વપૂર્ણ છે.

સૌથી વધુ અસર ડાયમંડ ઉદ્યોગ પર
સૌથી વધુ અસર ડાયમંડ ઉદ્યોગ પર થઇ શકે
ભારત અને ઈઝરાયલ વચ્ચે પોર્ટ શિપિંગ ઉપરાંત હીરાનો પણ વેપાર થાય છે. બંને દેશો વચ્ચેના કુલ વેપારમાં સૌથી વધુ હીરાનો વેપાર થાય છે. બીબીસીના અહેવાલો મુજબ બંને દેશો વચ્ચે વર્ષ ૧૯૯૦ સુધી વાર્ષિક ૨૦ કરોડ ડોલરનો વેપાર થયો હતો, જે વધીને હવે અબજો ડોલર સુધી પહોંચી ગયો છે, જેમાં હીરાનો દ્વિપક્ષીય વેપારનો હિસ્સો લગભગ ૫૦ ટકા છે.

ઉભય દેશો વચ્ચે મુખ્યત્વે હીરા, પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસાયણોની આયાત-નિકાસ સૌથી વધુ થાય છે. જાન્યુઆરી ૨૦૧૮માં ઇઝરાયેલના વડાપ્રધાને ભારતની મુલાકાત દરમિયાન બંને દેશોએ સાયબર સુરક્ષા, તેલ અને ગેસ, સૌર ઉર્જા, અવકાશ વિજ્ઞાન, હવાઈ પરિવહન, દવાઓ અને ફિલ્મ નિર્માણ સહિત વિવિધ ક્ષેત્રોમાં નવ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એ જ સાથે ઈલેક્ટ્રોનિક મશીનરી અને હાઈ-ટેક ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વેપારમાં વધારો જોવા મળ્યો છે.

ભારતમાં ઇઝરાયલેનું રોકાણ
એપ્રિલ ૨૦૦૦થી માર્ચ ૨૦૨૩ દરમિયાન ભારતમાં ઇઝરાયલનું ૨૮૪.૯૬ મિલિયન યુએસ ડોલરનું પ્રત્યક્ષ રોકાણ નોંધાયું હતું. ભારતમાં ઇઝરાયલ તરફથી ૩૦૦થી વધુ રોકાણો મુખ્યત્વે હાઇટેક ડોમેન, કૃષિ સહિતના સેક્ટરોમાં છે. ઇઝરાયલી કંપનીઓની પસંદગી ભારતમાં કૃષિ, રસાયણો સેક્ટરો ઉપરાંત રિન્યુએબલ એનર્જી, વોટર ટેક્નોલોજી, હોમલેન્ડ સિક્યુરિટી અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં પણ વધી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button