ઈન્ટરવલ

લીડરે હંમેશાં પોતાની ટીમને ‘વી કેન’નો ભરોસો અપાવવો જોઈએ લીડરશિપ કરનારે ગણપતિ બાપાના ગુણ અપનાવવા જેવા છે

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

લીડરશીપના ગુણ કેળવવા માટે માણસે પોતાની જાતને બદલવી પડે છે. બીજા માટે વિચારવું પડે છે. બીજા માટે વિચારે, કામ કરે અને કટોકટીના સમયે પોતાનું ધૈર્ય ન ગુમાવે તે વ્યક્તિ સાચો લીડર બની શકે છે. લીડરશીપના ગુણ માટે ગણપતિ બાપાના ગુણોનું અનુકરણ કરવા જેવું છે.

શિવના જુદા જુદા ગણના એક એક સેનાપતિ હોય,પણ બધા ગણના અધિપતિ અર્થાત લીડર એવા ગણપતિના આ સ્વરૂપને સમજવા જેવું છે.

એ ગજકર્ણક છે. એમના કાન મોટા છે, જે બતાવે છે કે લીડરે બોલવા કરતાં વધુ સાંભળવું જોઈએ.સાથે સાથે તેઓ લંબોદર અર્થાત મોટાં પેટવાળા છે. એમનું મોટું પેટ સમજાવે છે કે, જે કંઈ સાંભળવામાં આવે કે પછી જીવનમાં ઉદ્ભવતી મુસીબતને પચાવી શકવાની ક્ષમતા લીડરમાં હોવી જોઈએ. ગણપતિની ઝીણી ઝીણી આંખો એકાગ્રતા અને ફોકસનું પ્રતીક છે.

ગણપતિનું મોટું માથું એમની બુદ્ધિપ્રતિભા દર્શાવે છે.વક્રતુંડ અર્થાત ગણપતિની સૂંઢ નાનામાં નાની વાતથી લઈને મોટી વાત બાબતે સૂત્રધારનો પ્રભાવ અને વિસ્તાર કેવો હોય તે બતાવે છે. ગણપતિના એક હાથમાં શસ્ત્ર છે અને બીજા હાથમાં કમળનું ફૂલ છે, જે ગણનાયકની કોમળતા અને કઠોરતા સૂચવે છે. એકદંત એ તો આગેવાનમાં હોવી જોઈએ એ આક્રમકતાનું પ્રતીક છે.

એ કપિલ વર્ણ છે. એમના હાથમાં લાડુનો થાળ એ સાત્ત્વિક પૌષ્ટિક આહાર છે, જે આયુ, બળ, બુદ્ધિ, સુખ અને પ્રેમ વધારનાર રસયુક્ત, સ્નિગ્ધ, મનને ગમે એવો આહાર છે.

આમ ગણપતિ નાયકોના નાયક એવા વિનાયક છે. જેમ કોઈપણ સમૂહનું શુભ કામ એના લીડર વિના પાર ન પડે તેમ આગેવાન આગળ હોય તો બધા માર્ગ આસાન થતાં જાય છે.

રતન ટાટાએ એવું નોધ્યું છે કે, બાળપણમાં હું મારા પિતાથી ખૂબ જ પ્રભાવિત અને એમની અત્યંત નજીક હતો. એ પોતે ટાટા કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર હતા. મારા એ શ્રેષ્ઠ માર્ગદર્શક હતા. એમણે મને એક વાર કહ્યું હતું, જેને મેં મારા જીવનમાં પચાવી લીધું હતું. એમણે કહ્યું હતું કે, ‘બેટા,જો વિશ્ર્વમાં જે દસ માણસ જન્મે છે, તેમાંથી નવ માણસ દસમી વ્યક્તિ માટે કામ કરે છે તો તારી જાતને દસમી વ્યક્તિ બનાવવા માટે તૈયાર કર.’ એમના આ પ્રેરણાદાયક શબ્દોના આધારે મેં ભવિષ્યમાં નેતૃત્વ લેવા માટેના ગુણો કેળવ્યા.એમની આ સલાહે મને અન્ય નવથી શ્રેષ્ઠ કઈ રીતે બનવું તે વિચારવા પ્રેરણા આપી.

‘તાતા સન્સ’ના ડાયરેક્ટર જમશેદજી ટાટાનું કહેવું છે કે, તમારે એક ટીમ બનાવવી જોઈએ અને હંમેશાં તે ટીમની સાથે રહેવું જોઈએ. જો તમે તમારા લશ્કરથી ઘણા આગળ નીકળી જશો તો તમારાં સંપર્કસૂત્રો કપાઈ જશે. આ તો ટીમ છે, જેણે તમને સફળતા અપાવી છે. એક સફળ નેતા થવા માટે એક ટીમ તમારી પાછળ જ હોવી જરૂરી છે અને આ મારા જીવનનો મંત્ર રહ્યો છે.

એક નેતા તરીકે હંમેશાં તમને તમારી જવાબદારીનું ભાન હોવું જરૂરી છે. તમારી અણઆવડત તથા નિર્ણય ન લેવાની નબળાઈ ક્યારેય છતી ન થવી જોઈએ. જો આમ બનશે તો એ તમારા માટે ઘાતક પુરવાર થશે. ટીમનો કેપ્ટન જ ટીમના સભ્યોને કહેશે કે જો તમે સારા રન ન કરી શક્યા તો પછી આપણે વિજયથી ઘણા દૂર રહી જઈશું. આમ કેપ્ટન કહે તો ટીમ ક્યાંથી જીતવાની છે?


Also read: સાવરકુંડલાનું મનોરોગી બહેનોની અનોખી સેવા કરતું ‘માનવ મંદિર’


કેપ્ટન ભલે અંદરથી જાણતો હોય કે વર્તમાન પરિસ્થિતિમાં રન કરવા અઘરા છે, તેમ છતાં એણે તો કહેવું જ પડશે કે : ‘જુઓ, સાથીઓ… આપણા માટે જે લક્ષ્યાંક છે તે પાર કરવાની તમારામાં ક્ષમતા છે જ, માટે આપણે વિજયના લક્ષ્યાંકને પાર કરવાનો જ છે. તૂટી પડો…..’

નેતૃત્વ કરવું એ કોઈ નાની માના ખેલ નથી. નેતૃત્વ કરનારી વ્યક્તિનો સૌથી મોટો ગુણ એનું ધૈર્ય છે. એ ધૈર્યની કસોટીમાંથી જ્યારે લીડર પસાર થાય અને પાર ઊતરે ત્યારે એને સો ટચનું સોનું કહી શકાય.

હાલમાં આપણે એક શબ્દ વારંવાર સાંભળીએ છીએ અને એ છે કે ‘કેપ્ટન કૂલ’. આ શબ્દ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોની માટે વપરાતો હતો. અનેક કપરા સમયે એણે જરાય વિચલિત થયા વિના ધૈર્યથી ટીમની નૌકાને પાર ઉતારી હતી.

મેદાન ઉપર ક્યારેય અત્યંત કટોકટીના સમયે પણ એના મોં ઉપરની રેખાઓ ક્યારેય તંગ થતી જોવા મળતી નહોતી. એનો અર્થ એવો નથી કે એમને ચિંતા નહોતી, પણ બરોબર મનોમંથન કરીને ધૈર્ય જાળવીને કટોકટીના સમયે ખોટો નિર્ણય ન લેવાય એનું ધ્યાન રાખીને પાસા પોબારા પડે તેવી રણનીતિ એ ઘડતો.

જો તમે વિશ્ર્વ ઉપર તમારી છાપ છોડવા માગતા હો તો તમારી પાછળ એક ટીમ-આર્મી હોવી જરૂરી છે..લીડરને ટીમના સભ્યો ઉપર વિશ્ર્વાસ હોવો જોઈએ કે એના શબ્દો ઉપર કોઈ પણ લક્ષ્યાંક પાર પાડવા માટે એની ટીમ આકાશ પાતાળ એક કરશે. તમારે તમામ સમયે નેતૃત્વ કરવાનું છે. એવા કોઈ પણ પ્રસંગે પાછી પાની પોષાય તેમ નથી.

લીડરે હંમેશાં લીડરની જેમ વર્તવું. નાની નાની મુશ્કેલીમાં હતાશ થવું નહીં. કપરા સંજોગોમાં હતોત્સાહ થયેલા ટીમના સભ્યોને ઉત્સાહમાં લાવવા. અવિરત પ્રયત્નો કરતાં રહેવું જોઈએ. સારા લીડરે અત્યંત દબાણવશ સ્થિતિમાં પણ એવું દર્શાવવું નહીં કે એ કશું કરી શકે તેવી સ્થિતિમાં નથી. લીડરે હંમેશાં નિર્ણય લેવાની પોતાની ક્ષમતામાં જરાપણ ઘટાડો થવા દેવો જોઈએ નહીં.

સારા લીડરે ક્યારેય લાચારીની અવસ્થા બતાવવી નહીં. પોતાની ટીમને હંમેશાં એવો સધિયારો આપવો જોઈએ કે આપણે ગમે તેવી કપરી પરિસ્થિતિમાંથી પણ બહાર આવીશું. લીડરે હંમેશાં પોતાની ટીમને ‘વી કેન’નો ભરોસો અપાવવો. જે દિવસે એના ટીમ મેમ્બર્સને પાકો ભરોસો બેસશે કે ‘યસ,વિ કેન, ટુગેધર’ એ દિવસે લીડર અને ટીમની સફળતાને ચાર ચાંદ લાગી જશે.

નેપોલિયન બોનાપાર્ટને એક વખત સૈનિકો સાથે આલ્પ્સના પહાડો ઓળંગવાના હતા. સૈનિકોને જ્યારે સમાચાર મળ્યા કે આલ્પ્સના પર્વતો બરફ આચ્છાદિત હોવાથી ઓળંગવામાં ખૂબ જ મુશ્કેલી પડશે. આથી સૈનિકોમાં અંદરો અંદર ચણભણ થવા લાગી. નેપોલિયનને આ વાતની ખબર પડી. સૈનિકોનું મનોબળ વધારવા માટે નેપોલિયને સૈનિકોને પર્વતો ઓળંગવાની હિંમત પ્રેરી.


Also read: પોલીસ અફસરની સજ્જતાએ એક મહિલાને છેતરાતાં બચાવી


આત્મ વિશ્ર્વાસ જગાવ્યો. ‘હું પણ તમારી સાથે જ છું ને !’ અને સૈનિકો સાથે આલ્પ્સના પર્વતો ઓળંગવાની શરૂઆત કરી. જોતજોતામાં આલ્પ્સના પર્વતો ઓળંગાઈ ગયા. કોઈને ખબર પણ ન રહી. આગળ વધતા ગયા તો સૈનિકોમાં પ્રશ્ર્ન ઉદભવ્યો કે આપણે આલ્પ્સના પર્વતો ઓળંગવાના છે, એ ક્યારે આવશે? ત્યારે નેપોલિયને કહ્યું કે આલ્પ્સના પર્વતો તો આપણે ક્યારના ઓળંગી ગયા છીએ….!

બીજા શબ્દોમાં કહીએ તો મનોબળ મજબૂત કરવામાં આવે, આત્મવિશ્ર્વાસ જગાવવામાં આવે તે કોઈ પણ અઘરાં કાર્ય સહેલાઈથી ઉકેલી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button