તૃપ્ત – અતૃપ્ત -પ્રકરણ -૭
તમે મારું જે ચિત્ર બનાવો એ કોઈને દેખાડશો નહીં… આપણે બન્ને હવે કાયમ માટે એક થઈ ગયાં છીએ તો શું તમને સારું લાગશે કે મારાં આવાં ઉઘાડાં ચિત્રો પારકા લોકો જુએ?
એચ. એન. ગોલીબાર
‘મેં ક્યાં ઇન્કાર કર્યો છો? તમે જેવા ઇચ્છો એવા મારા ફોટા લઈ શકો છો.’
કજલીએ પોતાના દાડમની કળી જેવા દાંત ચમકાવીને મરક-મરક હસતાં કહ્યું. કજલીની આવી મીઠી મધ જેવી મુસ્કુરાહટ જોઈને જીમી પાણીપાણી થઈ ગયો. એણે તરત જ કજલીને પોતાની છાતી સાથે ભીંસી લીધી.
‘પણ તું કૅમેરામાં તો બિલકુલ દેખાતી નથી?’ પોતાના શરીર સાથે જકડાયેલી કજલીની પીઠ પર હાથ ફેરવતાં-ફેરવતાં જીમીએ કહ્યું.
‘હવે હું તમારા કૅમેરામાં જરૂર દેખાઈશ. હવે મને દેવીની મંજૂરી મળી ગઈ છે.’ કહેતાં કજલીએ જીમીના ખભા પર પોતાનું માથું ઢાળી દીધું.
આ સાંભળીને જીમી એકદમ તાનમાં આવી ગયો. એણે તરત જ કજલીને પોતાનાથી અલગ કરીને થોડીક દૂર ખસકીને પોતાના ખભે લટકતા કૅમેરાને પોતાની આંખે મૂકી દીધો. હવે કજલી એ કૅમેરામાં સાફ દેખાતી હતી. જીમીએ કજલીના અલગ-અલગ જાતના અનેક ઍંગલોથી ફોટા લીધા અને પછી કજલીની નજીક આવતાં એણે કહ્યું :
‘કજલી, તું પહેલી વાર જે રીતે ઝાડ નીચે અડધી ઉઘાડી હાલતમાં સૂતી હતી, અત્યારે એવા જ ફોટા હું લેવા માગું છું. ચલ, તૈયાર થઈ જા.’
‘ના, એ આપણા બંને માટે સારું ન કહેવાય.’ કજલીનું મોઢું એકદમ પડી ગયું.
‘જો કજલી,’ એક નાના બાળકને પ્રેમથી સમજાવતો હોય એ રીતે જીમી એનો હાથ પકડતાં બોલ્યો : ‘હવે આપણે એકબીજાની ખૂબ જ નજીક આવી ગયાં છીએ. આપણે એકબીજાને હવે સાચા દિલથી પ્રેમ કરીએ છીએ. એમાં શરમાવાની કે અચકાવાની કંઈ જરૂર નથી. હું હજી પણ તને કહું છું કે તું તારી છે અને હંમેશાં મારી જ રહીશ.’
‘સાચું કહો છો તમે?’ કજલીની આંખોમાં ખુશી છલકાઈ આવી.
‘હા, હા. હું બિલકુલ સાચું કહું છું.’
‘તો પછી ખાવ દેવીમાના સોગંદ.’
‘તારી દેવીમાના સોગંદ.’ સોગંદ ખાવામાં પોતાને શું નુકસાન જવાનું છે એવું વિચારીને જીમીએ સોગંદ ખાઈ લીધા.
‘હવે તમે મને વચન આપો કે તમે હંમેશાં મારા જ રહેશો.’ કજલી જીમીની વધુ નજીક આવતાં બોલી. એની આંખોમાં હરખ સમાતો નહોતો.
‘હું તને વચન આપું છું કે હું હંમેશાં તારો જ રહીશ અને હંમેશાં તને પ્રેમ કરતો રહીશ.’ જીમીએ કજલીની ખુશીમાં ઉમેરો કરતાં કહ્યું.
‘બસ હવે…’ કજલીએ જીમીને પોતાની વધુ નજીક ખેંચીને એને બાહુપાશમાં જકડતાં બોલી: ‘મને હવે તમારી પર પૂરો ભરોસો બેસી ગયો છે. હું કોણ જાણે કેટલાંય વરસોથી આ પ્રેમનો ઇન્તેજાર કરી રહી હતી. હું આજ દિવસ સુધી તમારી જ શોધમાં હતી.’
‘ખરેખર કજલી! તું સાચું કહી રહી છે?’ જીમી ખુશીથી ઊછળી પડતાં બોલ્યો.
‘હું દેવીમાના સોગંદ ખાઈને કહું છું જીમી.’ જીમીને પહેલી વાર પોતાનું હુલામણું નામ આપતાં કજલીએ કહ્યું: ‘હું કાયમ માટે હવે તમારી થઈ ગઈ છું. મારું જે કાંઈ પણ છે એ હવે બધું તમારું જ છે. હવે આપણાં બંને વચ્ચે કોઈ શરમ કે પડદો નહીં રહે. તમે જેવા ઇચ્છો એવા મારા ફોટા લઈ શકો છો. હવે હું તમારા માટે બધું જ કરી છૂટવા તૈયાર છું.’
અત્યાર સુધી કજલીની ‘હા’ કહેવાની જ વાટ જોતો જીમી તરત જ ફોટા લેવા માટે કુદી પડ્યો. એણે કજલીની લગભગ ઉઘાડા કહી શકાય એવા જુદા જુદા એંગલોથી ફોટા ખેંચ્યા. પોતાને જોઈતા ફોટા મળી ગયા પછી જીમી કૅમેરા બંધ કરીને તરત જ સૂઈ રહેલી કજલીની નજીક આવીને બેસી ગયો. અને પછી બંને એકબીજાની વધુ ને વધુ નજીક આવતાં ગયાં. અને પછી પતિપત્ની જેવો સંબંધ બાંધીને બંને એકબીજામાં ખોવાઈ ગયાં.
થોડીવાર પછી જીમીએ કજલીને પૂછયું: ‘તું રહે છે ક્યાં એ તો તેં મને કહ્યું જ નહીં?’
‘દેવીમાનું મંદિર છે ને, એની પાછળના ભાગમાં માવજીકાકાના ઘરમાં રહું છું. માવજીકાકા એ મારા પિતા સમાન છે.’ કજલીએ પોતાની આંગળીઓથી લાંબા વાળની ભૂંગળીઓ વાળતાં કહ્યું.
‘મેં અત્યારે તારા જે ફોટા પાડ્યા છે એનાં ચિત્રો હું આજે રાતે જ તૈયાર કરી નાંખીશ અને કાલે તને દેખાડવા માટે આ જ જગ્યાએ લઈ આવીશ. તું કાલે અહીં આવીશને?’
‘હા, જરૂર આવીશ. પણ તમે મારું જે ચિત્ર બનાવો એ કોઈને દેખાડશો નહીં.’ કજલી જીમીને વિનંતી કરતી હોય એ રીતે બોલી.
‘પણ એ ચિત્ર શા માટે હું કોઈને ન બતાવું? એની પાછળનું કારણ શું?’
‘આપણે બન્ને હવે કાયમ માટે એક થઈ ગયાં છીએ તો શું તમને સારું લાગશે કે મારાં આવાં ઉઘાડાં ચિત્રો પારકા લોકો જુએ?’ કજલીનો અવાજ હવે સાવ નરમ બની ગયો હતો.
‘પણ આખરે એમાં ખોટું શું છે?’
‘ખોટું કેમ નથી? એ મારા ઉઘાડા શરીરનાં ચિત્રો છે.’
‘પણ એ રીતે તો ઉઘાડા શરીરે અહીંની બધી જ આદિવાસી છોકરીઓ ફરે છે!’ જીમી પોતાની વાત પર મક્કમ રહેતાં બોલ્યો.
‘એમની વાત અલગ છે.’ કજલી એકદમ ગંભીર અને ગળગળી થઈ જતાં બોલી: ‘એ છોકરીઓ તો પોતાનું આ ગામડું છોડીને ક્યાંય જતી નથી. જ્યારે હું તો તમારી સાથે જ આવવાની છું. ત્યાં આપણે સાથે જ રહીને જિંદગી વિતાવવાનાં છીએ. તો શું તમારા માટે આ સારી વાત ગણાશે?’
‘ઓહ, હવે સમજ્યો.’ જીમીએ પોતાની મક્કમ વાતને એકદમ ફેરવી નાંખી અને સાવ નરમ પડતાં બોલ્યો: ‘સારું, જેવી તારી ઇચ્છા, હું કાલે તને દેખાડવા માટે આ ચિત્રો લાવીશ. હવે તો તું ખુશ છે ને?’ કહેતાં જીમીએ કજલીના મુલાયમ ગાલ પર ચૂંટલી ખણી લીધી.
‘હવે આપણે અહીંથી ઊભા થઈને ગામમાં જઈશું?’ જીમીએ ગોઠણ પર ઊભા થતાં કહ્યું.
‘ના, અત્યારે હું તમારી સાથે ગામમાં નહીં આવું. હજી સુધી કોઈને એ ખબર નથી કે તમારો ને મારો આત્મા ભળી ગયો છે. જ્યારે દેવીમાનાં ચરણોમાં આપણે આપણી આશાઓના ફૂલ અર્પણ કરીશું ત્યારે જ બધાને એ વાતની ખબર પડશે.’ કજલીએ છણકો કરતાં જવાબ આપ્યો.
‘પરંતુ હું તો હવે તને દરરોજ મળતો રહીશ. હું તારા વિના હવે એક મિનિટ પણ જીવતો નહીં રહી શકું.’ જીમીએ કજલીનો હાથ ચૂમતાં કહ્યું.
‘સારું, હવે હું જાઉં?’ કજલી જાણે જીમીની પરવાનગી માંગતી હોય એ રીતે બોલી.
‘હા….’ કજલીની સુંદરામાં ખોવાયેલા જીમીથી બોલી જવાયું અને એ સાથે જ કજલી ત્યાંથી પાછળ જોતજોતામાં કોણ જાણે ક્યારે સરકી ગઈ એનીય જીમીને ખબર ન પડી.
કજલી જતી રહી એટલે જીમી પણ હવે ત્યાંથી રવાના થવા માટે ઊભો થઈ ગયો. ચાલતાં ચાલતાં જીમી મનમાં ને મનમાં હરખાતો-હરખાતો વિચારી રહ્યો હતો કે કુદરતની પણ એની પર કેટલી મહેરબાની છે. કેટલી ખૂબસૂરત અને નીડર યુવતી સાથે એની મુલાકાત થઈ છે. એ પોતે હવે કામ એને મળતો રહેશે અને એનાં ચિત્રો બનાવીને લાખ્ખો રૂપિયા મેળવતો રહેશે.
મનમાં આવા લાખ્ખોના લાલચભર્યા વિચારો કરતો જીમી પોતાના રહેઠાણ સુધી પહોંચી ગયો. રાત પડતાં એણે લાઈટો બંધ કરીને કજલીના ફોટા પાડેલી ફિલ્મો ધોવાની શરૂઆત કરી. ચિત્રોનું પરિણામ જોવા માટે એ અધીરો અને ઉતાવળો બની ગયો હતો. એણે ઝટપટ નેગેટિવ ધોઈને જોવા માટે અધ્ધર કરી અને નેગેટિવ જોતાં જ એની છાતીનાં પાટિયાં બેસી ગયાં હોય એવું એને લાગ્યું. એના મગજની નસો જામે ખેંચાઈને તંગ બની ગઈ.
એણે ફરી નેગેટિવ જોઈ. ક્યાંક એની આંખો છેતરાતી તો નથીને! પણ ના, એની આંખોએ જે જોયું હતું એ બિલકુલ સાચું હતું. નેગેટિવ તો બિલકુલ ચોખ્ખી હતી. એમાં ઝાડ-ઝરણાં વગેરેનાં દૃશ્યો ચોખ્ખાં દેખાતાં હતાં. પણ એમાં ક્યાંય કજલીનું નામોનિશાન નહોતું. જે રીતે કૅમેરામાંથી કજલી ગાયબ હતી એ જ રીતે અત્યારે નેગેટિવમાંથી પણ કજલી ગાયબ હતી. જીમી આંખો તાણી-તાણી એ નેગેટિવો જોઈ રહ્યો હતો. આખી જિંદગીમાં ક્યોય આવો બનાવ નહોતો બન્યો. એણે હજારો છોકરીઓના ફોટા લીધા હતા, પરંતુ આવી ઘટના એની જિંદગીમાં પહેલી વાર જ બની હતી.
આશ્ર્ચર્યના કારણે એ હવે સાવ મૂંગો થઈ ગયો. એના આખા શરીરે પરસેવો નીતરી રહ્યો હતો. ન તો એ પોતે જાદુમંતરમાં માનતો હતો કે ન તો એને ભૂત-પ્રેતમાં વિશ્ર્વાસ હતો. તો પછી આ શું ચક્કર હતું?
પણ અત્યારે એની આ મૂંઝવણનો જવાબ આપવા માટે ત્યાં કોઈ હાજર નહોતું.
સવાર સુધી એણે પડખાં ફેરવી-ફેરવીને રાત વિતાવી. વહેલી સવારનો સૂરજ નીકળતાં જ એ પોતાનો કૅમેરો ખભે લટકાવીને ગામ તરફ રવાના થવા ચાલી નીકળ્યો.
શ્યામ પણ ભર્યા-ભર્યા બદનવાળી યુવતીઓ માથે ઘડા રાખીને નદી તરફ જઈ રહી હતી. ફોટોગ્રાફીની નજરે એ દૃશ્યો ખૂબ સારાં હતાં. જીમી જો આવા ફોટો લઈને ચિત્રો બનાવે તો સારા એવા પૈસા કમાઈ શકે એમ હતો. પણ અત્યારે એ એવો મૂંઝાયેલી હાલતમાં હતો કે એને એ યુવતીઓ પરથી પણ રસ ઊઠી ગયો હતો. એટલે એણે એ યુવતીઓને પણ ધ્યાનથી જોઈ નહીં. જીમી કજલીના ધ્યાનમાં ને ધ્યાનમાં ગામ તરફ આગળ વધી રહ્યો હતો.
થોડી જ વારમાં એ દેવીમાના મંદિર પાસે આવીને ઊભો રહી ગયો. એને યાદ આવ્યું કે કજલીએ કહ્યું હતું કે, પોતે દેવીમાના મંદિરની પાછળ માવજીકાકાના ઘરમાં રહે છે. જીમી તરત જ મંદિરના પાછળના ભાગમાં આવેલા ચાર-પાંચ ઘરની નજીક પહોંચ્યો. ત્યાં એક મકાનના દરવાજા પાસે એક બુઢ્ઢો ખાંસતો ખાંસતો બીડી પી રહ્યો હતો.
બુઢ્ઢો પહેલાં તો જીમી સામે ટગર-ટગર જોતો જ રહ્યો. અને પછી માથું ખંજવાળતાં બોલ્યો: ‘માવજીકાકા નામનો તો કોઈ માણસ નહીં રહેતો નથી.’
‘ના કાકા, તમારી કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે. માવજીકાકાનું ઘર આટલામાં જ ક્યાંક છે અને એમાં કજલી નામની એક છોકરી પણ રહે છે.’
‘કજલી?’ બુઢ્ઢાએ ખલાસ થઈ ગયેલી બીડીના ઠૂંઠાને ફેંકતાં ચોંકીને પૂછયું.
‘હા, હા કજલી.’ જીમી પોતાની વાત પર દબાણ આપતાં બોલ્યો.
‘મારી ઉંમર પોણાસો વરસની થઈ છે ભાઈ, પણ મેં આજ દિવસ સુધી આ નામની કોઈ છોકરીને આ વિસ્તારમાં નથી જોઈ.’ બુઢ્ઢાએ જીમી તરફ ધ્યાનથી જોતાં કહ્યું.
‘અને પેલું માવજીકાકાનું મકાન? હું કોઈકને પૂછી જોઉં તો?’
‘હું આ ગામનો મુખી છું ભાઈ, અહીંના એક-એક માણસને હું ખૂબ જ સારી રીતે ઓળખું છું.’ બુઢ્ઢાએ હસતાં-હસતાં ખોંખારો ખાતાં કહ્યું.
‘એવું બને જ કેવી રીતે?! મને ખુદ કજલીએ અહીંનું સરનામું આપ્યું હતુંને?’ જીમીએ હાંફળા-ફાંફળા થતાં છતાં મક્કમતાભર્યા અવાજે કહ્યું.
‘એ તો ઉપરવાળો જાણે.’ કહેતાં બુઢ્ઢો ખોંખારા ખાતો ઘરમાં ઘૂસી ગયો. જીમી હવે ત્યાં સાવ એકલો ઊભો હતો. એણે આજુબાજુ નજર કરી. એને કોઈ દેખાયું નહીં. એને લાગ્યું કે કદાચ બુઢ્ઢા સિવાય આટલા વિસ્તારમાં કોઈ રહેતું હોય એમ લાગતું નહોતું. બુઢ્ઢાની વાતો પરથી જીમીને લાગ્યું કે બુઢ્ઢો ખરેખર કજલી નામની કોઈ છોકરીને નથી ઓળખતો. તો પછી શું કજલી એને થાપ તો નથી આપી ગઈને? એણે પોતાને પરેશાન કરવા કે મજાક કરવા માટે તો પોતાને ખોટું સરનામું નહીં આપ્યું હોયને?
જે હોય તે પણ પોતે આગળ જઈને કજલી બાબતમાં પૂછપરછ કરવી જોઈએ. એણે ગામમાં ઠેકઠેકાણે કજલી બાબતમાં પૂછપરછ કરી જોઈ, પણ બધેથી એને નિરાશા જ સાંપડી. છેવટે કંટાળીને તે ગઈકાલે જ્યાં કજલીની મુલાકાત થઈ હતી એ ઝાડ નીચે આવીને બેસી ગયો.
સવારે વહેલો ઊઠીને ચાલીચાલીને હવે એ ખૂબ થાકી ગયો હતો. જાતજાતના વિચારો કરતો એ ક્યારે સૂઈ ગયો એનું પણ એને ભાન ન રહ્યું. જ્યારે એની આંખ ખુલી ત્યારે એના આશ્ર્ચર્યનો પાર ન રહ્યો. જે કજલી માટે પોતે સવારથી આટલો રખડતો હતો એ જ કજલી અત્યારે એની બગલમાં સૂતી હતી. એનો સુંદર હાથ જીમીની છાતી પર મુકાયેલો હતો.
જીમી તરત જ ઝાટકા સાથે ઊભો થઈ ગયો. અચાનક ઝાટકો વાગતાં કજલી પણ બેઠી થઈ ગઈ. જીમી જાણે એને મીઠો ઠપકો આપતો હોય એ રીતે બોલ્યો: ‘આજે ખબર પડી કે તું જાદુગર પણ છો.’
‘કેવી રીતે ખબર પડી?’ કજલી લાડભર્યા અવાજમાં બોલી અને તરત જ જીમીનો હાથ પકડીને એને પોતાની નજીક બેસાડી દીધો.
‘તારો એક પણ ફોટો ન આવ્યો. કોણ જાણે તેં એમાં કેવી ફૂંક મારી હતી! એક પણ ફોટામાં તું દેખાતી નથી.’
Also Read – રમુજી સવાલના મનમોજી જવાબ
‘એ તો જેવી દેવીમાની ઇચ્છા’ કજલીએ બિલકુલ બેફિકરાઈથી કહ્યું: ‘સમય પહેલાં આવું કંઈક થાય એવું એને મંજૂર નહીં હોય.’
‘સમયનો મતલબ? એટલે તું કહેવા શું માંગે છે?’ જીમી પોતાનો રોષ ઠાલવતાં બોલ્યો.
‘આપણે બન્ને હજી એક નથી થયાં એટલે.’
‘તું માવજીકાકાના મકાનમાં રહે છે, એવું કહીને પણ તેં મને બેવકૂફ બનાવ્યો છે. ત્યાં માવજીકાકા નામનો કોઈ બુઢ્ઢો રહેતો જ નથી!’
(ક્રમશ:)