રિપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર અને અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસને જબરદસ્ત શિકસ્ત આપીને ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. વીસ જાન્યુઆરી સુધી સંક્રમણ કાળ છે.નવા રાષ્ટ્રપ્રમુખ પોતાનો હોદ્દો સંભાળે એ દરમિયાન અમેરિકાના હાલના પ્રમુખ જો બાઈડેન આ કાળનો ફાયદો ઉઠાવીને ટ્રમ્પને માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે.
યુક્રેન લાંબા સમયથી માગણી કરતું હતું કે અમેરિકા અને નાટોના દેશો જે હથિયારો આપે છે એને ફક્ત આત્મસંરક્ષણ માટે જ ઉપયોગમાં લેવાની શરત કાઢી નાખે, પરંતુ બાઈડેન અને યુરોપના દેશોએ રશિયા નારાજ ન થાય એ માટે આ પરવાનગી ન આપી,જ્યારે અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પે જાહેર કર્યું છે કે હું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ એક દિવસમાં રોકી દઈશ. ટ્રમ્પના માર્ગમાં અડચણ ઊભી કરવા બાઈડેને પોતાની રાજકીય પાનખરમાં યુક્રેનને હથિયારોનો રશિયાના ક્ષેત્રમાં પ્રહાર કરવાની છૂટ આપી. આને લીધે વિશ્ર્વભરમાં ગમે ત્યારે અણુયુદ્ધ શરૂ થઈ જાય એવા ભયનાં વાદળાં ઘેરાયાં છે. રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને તો અમેરિકા પર ભડકીને અણુહથિયારોનો ઉપયોગ કરવાની ધમકી- ચીમકી આપી દીધી છે. રશિયાએ હાલમાં જે વિનાશકારી મિસાઈલનો ઉપયોગ કર્યો છે એનાથી યુક્રેનમાં જ નહીં, પરંતુ અમેરિકાના યુરોપિયન સાથી દેશોમાં ખળભળાટ મચી ગયો છે.
રશિયાના આ પ્રાયોગિક મિસાઈલની રેન્જ ૫,૫૦૦ કિલોમીટર છે. આનો અર્થ એ થયો કે રશિયા તેના ક્ષેત્રમાંથી યુરોપના કોઈ પણ શહેરને લક્ષ્ય બનાવી શકે છે. આ મિસાઈલના ઉપયોગને લીધે યુદ્ધ વધુ ભીષણ બનશે.
યુક્રેનના હવાઈ દળે શરૂઆતમાં કહ્યું હતું કે આ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ હતી. મોસ્કોએ આ મિસાઈલ લોન્ચ કરતાં પહેલાં અમેરિકાને જાણ કરી હતી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી કહે છે કે આ નવી મિસાઈલનો ઉપયોગ હાલના યુદ્ધને વધુ ભડકાવાનો પ્રયાસ છે અને આખા વિશ્ર્વે આની આલોચના કરવી જોઈએ. ઝેલેન્સ્કી કહે છે કે રશિયન ધરતી પર ઉત્તર કોરિયાના સૈનિકોને બોલાવીને રશિયાએ જંગને ભીષણ બનાવાની કોશિશ કરી છે. આ હુમલો બતાડે છે કે રશિયાને શાંતિમાં કોઈ રસ નથી. યુક્રેનને રશિયા પર હુમલો કરવાની છૂટ આપી ત્યારે એના કારણ તરીકે બાઈડેને ઉત્તર કોરિયાના જવાનોની રશિયામાં હાજરીનું કારણ આપ્યું હતું. અમેરિકાએ કીવ-યુક્રેનને આ રશિયન મિસાઈલના હુમલાની આગોતરી જાણ કરી હતી.
રશિયાના આ મિસાઈલે યુક્રેનમાં કાળો કેર વરસાવ્યો હતો. આ મિસાઈલ અણુબોમ્બનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. રશિયાના પ્રમુખે કબૂલાત કરી છે કે મોસ્કોએ નવા બેલિસ્ટિક મિસાઈલ હુમલા વડે યુક્રેનના લશ્કરી મથક પર હુમલો કર્યો હતો. પુતિન કહે છે કે અમે નવી બેલિસ્ટિક મિસાઈલ જેનું નામ ‘ઓરેશિન્ક’ છે જેના વડે હુમલો કર્યો હતો. અમેરિકાએ ઈન્ટરમિડિયેટ અને ટૂંકા ગાળાની મિસાઈલનું ઉત્પાદન કરવાની અને એને યુરોપ અને એશિયામાં ગોઠવવાની યોજના કરી છે એનો આ જવાબ છે. રશિયા અમેરિકાના આક્રમક પગલાંનો નિર્ણાયક રીતે અને પદ્ધતિસર રીતે જવાબ આપશે.
ટ્રમ્પના અગાઉના શાસનકાળ વખતે ઈન્ટરમિડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સિસ (આઈએનએફ) સંધીને રદ કરવાના પગલાંને તંગદિલી માટે દોષ દેતાં રશિયાના પ્રમુખે કહ્યું હતું કે અમેરિકાએ ૨૦૧૯માં આ સંધી એકપક્ષી રીતે રદ કરીને મોટી ભૂલ કરી છે. ટ્રમ્પે ત્યારે સંધી રદ કરવા માટે એવું કારણ આપ્યું હતું કે મોસ્કો આ સંધીનો ભંગ કરી રહ્યું છે. મોસ્કોએ આ આક્ષેપને બેબુનિયાદ ગણાવ્યા હતા.
અમેરિકાના પેન્ટાગોન પણ કહે છે કે આ લાંબા રેન્જની ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (આઈસીબીએમ) નહોતી. આ મિસાઈલ ઈન્ટરમિડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ (આઈઆરબીએમ) હતી. અમેરિકાએ આ સાથે કહ્યું હતું કે રશિયાએ આ મિસાઈલ તેની આઈઆરબીએમ બેઝના આધારે બનાવી છે. અહીં એ જાણવું રસપ્રદ છે કે આઈસીબીએમની રેન્જ ૫,૫૦૦ કિલોમીટર અને એનાથી વધારે હોય છે, જ્યારે આઈઆરબીએમની રેન્જ ૩,૫૦૦થી ૫,૫૦૦ કિલોમીટરની છે.
પેન્ટાગોને નવી પ્રયોગિક મિસાઈલ વિશે જે ટેક્નિકલ માહિતી આપી છે એ વિશ્ર્વને અણુયુદ્ધના ઉંબરે લાવે છે. પેન્ટાગોન કહે છે કે આ અતિશય વેધક મિસાઈલ છે જે અણુહથિયારોનું વહન કરી શકે છે. રશિયા પાસે હાલમાં તો આ પ્રકારની જૂજ મિસાઈલ છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે આ મિસાઈલ સ્વતંત્ર રીતે અનેક લક્ષ્યો ભેદવા સમર્થ વેહિકલ ધરાવે છે. આમાં એટમિક પેલોડનું પણ વહન થઈ શકે છે.
અમેરિકાએ યુક્રેનને મિસાઈલ વડે રશિયા પર હુમલો કરવાની આપેલી છૂટ ‘બાર વર્ષે બાવો બોલ્યો’ જેવી છે. આ છૂટ એક વર્ષ પહેલાં જ આપવી જોઈતી હતી. ઈઝરાયલના હિજબુલ્લા અને હમાસ સામેના જંગમાં ઈરાનના સાથીદારો ઈઝરાયલને વિવિધ મિસાઈલ અને રોકેટ હુમલા વડે હંફાવી રહ્યા છે. ઈઝરાયલ આનાથી એટલું પરેશાન થઈ ગયું છે કે તેનું ભૂદળ લેબેનોનમાં આગેકૂચ કરી શક્યું નથી અને તે હવે અમેરિકાની મદદથી લેબેનોન પર યુદ્ધવિરામની સંધી લાદવા માગે છે. જો યુક્રેનને રશિયા પર મિસાઈલ વડે હુમલો કરવાની છૂટ અપાઈ હોત તો રશિયા યુક્રેનમાં આટલું બધું આગળ ન વધી શક્યું હોત. યુક્રેને હવે મિસાઈલ વડે રશિયા પર હુમલા કરવાનું ચાલુ કર્યું છે. તેને ડરાવવા રશિયાએ તેની નવી શક્તિશાળી મિસાઈલ છોડી હતી. રશિયાએ યુક્રેનનાં બંદરોની ૩૨૧ ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટીને અને ૨૦ વિદેશી મર્ચન્ટ શિપ ખતમ કરી છે. હવે કુર્સ્કના ૪૦ ટકા પ્રદેશ પર રશિયાનો કબજો છે. ‘નાટો’ કહે છે કે રશિયા નાગરિકો અને યુક્રેનના સાથી દેશોને ડરાવવા માગે છે. રશિયાના મિસાઈલ છોડવાના પગલાંથી યુદ્ધનું પરિણામ નહીં બદલાય તથા ‘નાટો’ યુક્રેનને ટેકો આપવાનું માંડી નહીં વાળે.
રશિયાના ઉત્તેજિત અને આક્રમક થવાના બીજાં પણ કેટલાંક કારણ છે. અમેરિકાએ ઉત્તર પોલેન્ડમાં નવો બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ બેઝ ઊભો કર્યો છે. આ મથક ‘નાટો’ ની મિસાઈલ હુમલા સામેની ઢાલ છે. બીજું અમેરિકા અને જર્મનીએ એવી સંમતિ સાધી છે કે ૨૦૨૬માં જર્મનીમાં અમેરિકા લાંબા રેન્જની મિસાઈલ ગોઠવશે. આનાથી પણ રશિયા ધુંઆફુંઆ થઈ ગયું છે. ઉત્તર કોરિયાના કિમ જોન્ગ ઉન અને રશિયાના પ્રમુખ પુતિન બન્ને સરમુખત્યાર છે. આ બન્ને સત્તાધીશ કોઈનું સાંભળતા નથી અને અણુયુદ્ધની ધમકી આપ્યા કરે છે. આટલું અધૂરું હોય તેમ, અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પની વિચારસરણી સરમુખત્યારની છે. એ તો બેધડક પુતિન અને કિમના વખાણ કરે છે. આ નેતાઓ અકળ અને તરંગી છે.
બીજી બાજુ ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધમાં પણ તંગદિલી વધી છે. ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ ચોમેરથી ભીંસમાં છે. ઈઝરાયલ પાસે ૪૦ જેટલા અણુબોમ્બ છે. ટ્રમ્પે એમની પહેલી મુદતમાં જ જાહેર કર્યું હતું કે ઈરાન પાસે અણુહથિયારો બનાવવાની ક્ષમતા છે. ઈરાને ઈઝરાયલ પર વળતો હુમલો કરવાની ચીમકી દોહરાવી છે. એટોમિક પાવર ધરાવતા દેશો આખી પૃથ્વીનો અનેક વાર વિનાશ કરી શકે એટલાં હથિયારો ધરાવે છે. યુરોપના દેશોએ તો પોતાના નાગરિકોને અણુહુમલો થાય તો શું કરવું એનું પ્રશિક્ષણ આપવાનું ચાલુ કર્યું છે.
Also Read – વીમા ક્ષેત્રે ધરખમ પરિવર્તનના પડઘમ
મહાભારતના યુદ્ધ વખતે અશ્ર્વત્થામા અને અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યા હતા. ત્યારે નારદ અને વ્યાસ ઋષિએ બન્ને બ્રહ્માસ્ત્રને પોતાની યોગશક્તિ વડે અટકાવી દીધા હતા. અર્જુને તો બ્રહ્માસ્ત્ર પાછું લીધું, પરંતુ અશ્ર્વત્થામાએ તેને ઉત્તરાના ગર્ભ તરફ વાળ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણે ગર્ભમાં રહેલા પરિક્ષિતનું રક્ષણ કર્યું હતું. વિધિની વક્રતા એ છે કે આજે ૨૧મી સદીમાં ન તો નારદ કે વ્યાસ જેવા ઋષિ છે કે નથી સમજદાર યોદ્ધા… અહીં તો મહાવિનાશ કરવા તત્પર અશ્ર્વત્થામા જેવા શાસકોનો રાફડો ફાટ્યો છે.