સ્પોર્ટસ

અધધધ…આ બે ક્રિકેટર આઈપીએલ-ઑક્શનના ઇતિહાસમાં રેકોર્ડ-બ્રેક કુલ 50 કરોડ રૂપિયા કમાયા છે

નવી દિલ્હી: રિષભ પંત (લખનઊ, 27 કરોડ રૂપિયા) આઇપીએલની હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો અને શ્રેયસ ઐયર (પંજાબ, 26.75 કરોડ રૂપિયા) બીજા નંબરનો સૌથી મોંઘો પ્લેયર બન્યો એ ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે, પરંતુ વિશ્વની આ સૌથી લોકપ્રિય ક્રિકેટ ટૂર્નામેન્ટની હરાજીના ઇતિહાસની જ વાત કરીએ તો બે વિદેશી ખેલાડીએ હરાજીઓમાં સૌથી વધુ કમાણી કરી છે.

નવાઈની વાત એ છે કે આ બન્ને પ્લેયર ઑસ્ટ્રેલિયાના છે. ઝડપી બોલર પૅટ કમિન્સ અત્યાર સુધીની (2025મી સીઝન સુધીની) હરાજીઓમાં કુલ મળીને 54.15 કરોડ રૂપિયા કમાયો છે. એમાંથી 20.50 કરોડ રૂપિયા તેને હૈદરાબાદના ફ્રેન્ચાઈઝીએ 2024ની આઈપીએલ રમવા બદલ આપ્યા હતા. હૈદરાબાદની ટીમનો તે કેપ્ટન છે અને 2025ની સીઝન માટે તેને 18 કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે.

તેના જ દેશનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક ગયા વર્ષે કોલકાતા દ્વારા વિક્રમજનક 24.75 કરોડ રૂપિયામાં ખરીદાયો હતો અને આ વખતે દિલ્હીએ તેને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે સ્ટાર્ક પણ કમિન્સની સાથે હરાજીઓમાં કુલ 50 કરોડ રૂપિયા કમાનાર ખેલાડી બન્યો છે. સ્ટાર્કે આઈપીએલના માત્ર ચાર ઑક્શનમાં કુલ 50.90 કરોડ રૂપિયા બનાવ્યા છે.

તેમના જ દેશનો ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ 50 કરોડ રૂપિયાની ક્લબથી બહુ દૂર નથી. તેણે આઈપીએલની હરાજીઓમાં કુલ 49.50 કરોડ રૂપિયા ઊભા કરી લીધા છે. મેક્સવેલને આ વખતે પંજાબે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

છેક ચોથો નંબર આપણા યુવરાજ સિંહનો છે. તે આઈપીએલની હરાજીઓમાં 48.10 કરોડ રૂપિયા કમાયો હતો. તે મુંબઈ, પંજાબ, હૈદરાબાદ, બેંગ્લૂરુ, પુણે અને દિલ્હી વતી રમ્યો હતો.

Also Read – નીતિશ રાણાને રાજસ્થાને 4.20 કરોડમાં ખરીદ્યા પછી પત્ની સાચીએ કેકેઆરને મીડિયામાં ટોણો માર્યો!

આઈપીએલ-ઓક્શનમાં સૌથી વધુ કમાનાર ખેલાડીઓમાં યુવરાજ બાદ પાંચમા સ્થાને દિનેશ કાર્તિક (44.35 કરોડ રૂપિયા), છઠ્ઠા ક્રમે બેન સ્ટોક્સ (43.25 કરોડ રૂપિયા) અને સાતમે શ્રેયસ ઐયર (41.60 કરોડ રૂપિયા) છે.

આઈપીએલ 17 વર્ષથી રમાય છે અને એમાં એમએસ ધોની, વિરાટ કોહલી, ક્રિસ ગેઇલ, ડવેઈન બ્રાવો વગેરે અનેક ખેલાડીઓ (પોતાની ટીમ દ્વારા રીટેન થવા બદલ) કુલ 100 કરોડથી પણ વધુ રૂપિયા કમાયા હશે, પરંતુ હરાજીઓમાં પેટ કમિન્સે સૌથી વધુ 54.15 કરોડ રૂપિયા બનાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button