એકનાથ શિંદેનો નવો દાવઃ દીકરા માટે માગ્યું આ પદ, મામલો વધારે ગૂંચવાયો
મુંબઈઃ મુખ્ય પ્રધાનપદેથી એકનાથ શિંદએ ગઈકાલે રાજીનામું આપી દીધા બાદ મુખ્ય પ્રધાનનું નામ જાહેર થઈ જશે, તેવી અટકળો હતી અને મુખ્ય પ્રધાન ભાજપના જ નેતાને બનાવાશે તેમ પણ માનવામાં આવતું હતું, પરંતુ 132 બેઠક જીત્યા બાદ પણ ભાજપ માટે આ મામલો ગૂંચવાયેલો જ છે અને રસ્તો દેખાતો નથી.
ક્યાં ગૂંચવાયેલો છે મામલો?
એકનાથ શિંદે મહાયુતીના ભવ્ય વિજય બાદ મુખ્ય પ્રદાનપદ પર ફરી બેસવા ઉત્સુક હતા. તેમના પક્ષના જણાવ્યા અનુસાર આ મરાઠા નેતાની આગેવાનીમાં ભાજપ અને એનસીપીએ આટલી બેઠકો જીતી છે અને શિંદેનો સ્કોર પણ સારો છે ત્યારે તેમને જ ફરી મુખ્ય પ્રધાનપદ આપવું જોઈએ, પરંતુ ભાજપને આ મંજૂર નથી. ભાજપ દેવેન્દ્ર ફડણવીસ અથવા કોઈ ઓબીસી ચહેરાને આગળ કરવા માગે છે. ગઈકાલે શિંદેએ રાજીનામું આપ્યા બાદ અને પહેલા સતત બેઠકો ચાલી રહી છે, પરંતુ માર્ગ મળતો નથી.
અજિત પવારે બગાડ્યો શિંદેનો દાવ
એકનાથ શિંદેએ મુખ્ય પ્રદાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ તેમણે અઢી અઢી વર્ષ માટે ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યપ્રધાનપદ વહેંચવામાં આવે તેવી માગણી પણ કરી હતી. અજિત પવાર પણ વર્ષોથી મુખ્ય પ્રધાન બનવાનું સપનું સેવીને બેઠા છે, આથી તેમની પણ મહત્વાકાંક્ષાઓ હશે જ, જોકે તેમણે ભાજપના મુખ્ય પ્રધાન પોતાને મંજૂર હોવાનુ કહી શિંદેનો રસ્તો સાંકડો કરી નાખ્યો. ભાજપ સૌથી મોટો પક્ષ અને અજિત પવારે પણ 41 બેઠક પર વિજય મેળવ્યો છે, આથી શિંદે માટે મુખ્ય પ્રધાનપદની જીદ જોખમી સાબિત થઈ રહી હોવાનું કહેવાઈ છે.
એકનાથ શિંદેએ ભાજપ સામે નવી માગણી મૂકી
ભાજપે એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાનપદ અથવા રાષ્ટ્રીય રાજકારણમાં સીધી એન્ટ્રીનો વિકલ્પ આપ્યો હતો. શિંદેના પક્ષને કેબિનેટમાં એક પ્રધાનપદ ઓફર કરવામાં આવ્યું હતું. જોકે શિંદેએ કેબિનેટના પ્રધાનપદની માગણી ઠુકરાવી દીધી અને પોતાના સાંસદ દીકરાને પણ મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થાન મળે તે માટે તેને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની માગણી કરી છે. એકનાથ શિંદેની આ ગૂગલી ભાજપ માટે અણધારી આફતસમાન છે. નાયબ મુખ્ય પ્રધાનપદ પણ મટો હોદ્દો હોય છે અને તે શ્રીકાંત શિંદેને કઈ રીતે આપવો તે ભાજપ માટે મોટો સવાલ છે.
Also Read – શિવસેનાએ સાધ્યો એનસીપીનો સંપર્ક; પડદા પાછળ ઝડપી હિલચાલ, કલાકો સુધી ચાલી વાતો
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે કરતા પણ વધારે સિનિયર અને અનુભવી નેતા અજિત પવાર છે અને કાકાથી છૂટા પડી તેણે મહાયુતી સાથે ચૂંટણી લડી છે અને જીત મેળવી છે. જો શ્રીકાંતને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તો તેનુ અને અજિત પવારનુ કદ એકસરખું કહેવાય. પવાર ત્રણેય નેતાઓમાં વધારે મંજાયેલા છે અને શ્રીકાંત સાથે તેમણે મનમેળ બેસાડવો પડે તે તેમને મંજૂર ન પણ હોય.