વિરાટે સેન્ચુરીના કયા રોમાંચક રેકૉર્ડમાં પુજારાને ઓળંગી લીધો?
પર્થઃ ઑસ્ટ્રેલિયા સામેની પર્થ ખાતેની પ્રથમ ટેસ્ટના વિજયમાં ખાસ કરીને જસપ્રીત બુમરાહ (કુલ આઠ વિકેટ), મોહમ્મદ સિરાજ (પાંચ વિકેટ), હર્ષિત રાણા (ચાર વિકેટ) ઉપરાંત બૅટર્સનું પણ મોટું યોગદાન હતું અને એમાં યશસ્વી જયસ્વાલ (બીજા દાવમાં 161 રન) તથા કેએલ રાહુલ (બીજા દાવમાં 77 રન)ની સાથે વિરાટ કોહલી (બીજા દાવમાં અણનમ 100)નો પણ મોટો ફાળો હતો. 30મી ટેસ્ટ સદી ફટકારીને કોહલીએ મહાન ઑસ્ટ્રેલિયન બૅટર ડૉન બૅ્રડમૅનની 29 સદીના જાદુઈ આંકડાને પાર કરી જ લીધો હતો, કોહલીએ એક રીતે ભારતના જ ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારાને ઓળંગી લીધો.
ભારત જીત્યું હોય એવી ટેસ્ટ મૅચોમાં કોહલીની આ 14મી સેન્ચુરી હતી. તે હવે ભારતની વિજયી મૅચોમાં 13 સેન્ચુરી ધરાવનાર પુજારાથી આગળ થઈ ગયો છે. ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ (20) મૅચ-વિનિંગ સેન્ચુરી સચિન તેન્ડુલકરના નામે છે, જ્યારે દ્રવિડ (15 સદી) બીજા નંબરે છે.
આ પણ વાંચો: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, પર્થમાં સદી ફટકારતાં જ તોડ્યો ડૉન બ્રેડમેનનો રેકોર્ડ
આ લિસ્ટમાં રોહિત શર્મા 12 મૅચ-વિનિંગ સેન્ચુરી સાથે પુજારા પછી પાંચમા ક્રમે છે.
કોહલીએ પર્થમાં અણનમ 100 રન 221 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 143 બૉલમાં બે સિક્સર તથા આઠ ફોરની મદદથી બનાવ્યા હતા.
ભારતે ઑસ્ટ્રેલિયાને જીતવા 534 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો, પણ કાંગારૂઓ 238 રને ઑલઆઉટ થઈ ગયા હતા.