આમચી મુંબઈમહારાષ્ટ્ર

જરાંગે ફરી જાગ્યાઃ મરાઠા અનામત માટે ફરી અનશન પર ઊતરવાની આપી ચીમકી

મુંબઈ: મરાઠા અનામત માટે લડત ચલાવનાર કાર્યકર મનોજ જરાંગે પાટીલે ફરી આંદોલન કરવાની રાજ્ય સરકારને ચીમકી આપી છે. રાજ્યમાં નવી સરકાર સત્તારૂઢ થયા બાદ જરાંગે ફરી અનશન પર ઊતરશે, એમ બીડ ખાતે મંગળવારે લીધેલી પત્રકાર પરિષદમાં જરાંગેએ જણાવ્યું હતું.

‘નવી સરકાર બન્યા બાદ હું તારીખ જાહેર કરીશ. તે તારીખથી હું આંતરવાલી સરાટી ખાતે બેમુદત ભૂખ હડતાળ પર ઊતરીશ. હવે અનામત માટેની લડાઇ વધુ તીવ્ર કરવામાં આવશે. સરકાર અનામત આપશે નહીં, ત્યાં સુધી આંદોલન કરીશું’, એમ તેમણે કહ્યું હતું.

મનોજ જરાંગેએ મરાઠા સમાજને આહ્વાન કર્યું હતું કે ‘તમે વિવિધ પક્ષના અલગ અલગ ઉમેદવારોને મતદાન કર્યું. તમે જેને મતદાન કર્યું તે ઉમેદવાર ચૂંટાઇ આવ્યા પણ હશે. તે વિધાનસભ્યો પર અનામત માટે દબાણ આપો. તે ઉમેદવાર ભલે મહાવિકાસ આઘાડીનો હોય કે પછી મહાયુતિનો. તેમને અનામત માટે મદદ કરવાની વિનંતી કરો.

આ પણ વાંચો :મારા પરિવાર પર હુમલો કરવાનું કારસ્તાનઃ મનોજ જરાંગે પાટીલે કર્યો મોટો દાવો

આપણે એક સાથે મળીને બેમુદત માટે અનશન પર બેસવાનું છે. સરકારની રચના થયા બાદ હું તારીખ નક્કી કરીશ. ભૂખ હડતાળ પર બેસવા પહેલા ખેતીનું કામ પૂરું કરી લો. દરેક મરાઠા કુટુંબના કેટલાક સભ્યો આ આંદોલનમાં જોડાવો.’

કેટલા દિવસ સુધી આંદોલન કરશો એમ પૂછતા તેમણે કહ્યું હતું કે અનામતની અમારી માગણી પૂર્ણ ન થાય અને શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી અમે ભૂખ હડતાળ કરીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button