વિશેષ: આકર્ષક લેઝર શો કેવા છે જોખમી…
લેઝર શો દેખાવમાં ભલે આકર્ષક લાગે પરંતુ, આંખો માટે તેની લાઇટ જોખમી છે. લેઝર લાઇટમાંથી નીકળતાં કિરણો સામાન્ય પ્રકાશની જેમ ફેલાતા નથી. તે એક જ દિશામાં ફેલાય છે. એમાં એક સમાન ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો હોય છે. એને કારણે એ કિરણોથી આંખોની સુરક્ષા કરવું થોડું અઘરું છે. પલ્સની ગતી જેટલી ધીમી એટલી જ લેઝર લાઇટ નુકસાનકારક છે.
લેઝર લાઇટ આંખોને કેવી રીતે નુકસાન કરે છે
તમામ લેઝર લાઇટ બીમ ઊર્જા અને ઉષ્ણતાનું વહન કરે છે. આનાં કિરણો જેટલા વધુ શક્તિશાળી હોય એની ઉષ્ણતા પણ એટલી જ ફેલાય છે.
લેઝર શોથી આંખોને શું હાનિ થાય છે
લેઝર લાઇટની આંખો પર માઠી અસર પડે છે, જે લેઝરનાં કિરણોની તીવ્રતા એનાં તરંગોની શ્રેણી અને એના સંપર્કમાં કેટલો સમય રહીએ છીએ એના પર આધાર રાખે છે.
આંખના પરદાને નુકસાન થઈ શકે છે
- પ્રકાશના નાના, અત્યંત કેન્દ્રિત કિરણો આપણાં કોર્નિયા અને લેન્સના માધ્યમથી આંખમાં જાય છે. આપણે જ્યારે પ્રકાશ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આંખના નાજુક પરદા પર એની અસર થાય છે. એને કારણે આપણી આંખોના પલકારાની ગતિ વધી જાય છે કાં તો જોવામાં તકલીફ થાય છે.
- હાઇ સ્પેક્ટ્રમ શક્તિશાળી લેઝર આપણી આંખોના પરદાને ગરમ કરે છે. ઉચ્ચ તીવ્રતાવાળા આ લેઝર લાઇટ્સને કારણે આંખોના પરદા પર જખમ થાય છે. એમાંથી રક્તસ્ત્રાવ થતાં કાયમી દ્રષ્ટિદોષ કાં તો થોડા સમય માટે અંધાપો આવી શકે છે.
- હાઇ સ્પેક્ટ્રમ લેઝરથી કોર્નિયાને ઈજા થાય છે. આપણાં કોર્નિયા ૩૦૦ નેનોમીટરથી ઓછા તરંગોવાળા લેઝર બીમ અને ઉચ્ચ તીવ્રતાવાળા બીમ શોધી લે છે. એને કારણે આંખોમાં બળતરા શરૂ થાય છે, જેને ફોટોકેરાયટિસ કહેવાય છે.
- આપણી આંખોની લેન્સ ૪૦૦ નેનોમીટરથી ઓછા તરંગોવાળા લેઝર બીમ શોધી લે છે. એને કારણે મોતિયાબિંદુનું જોખમ વધે છે. એને કારણે આપણી દ્રષ્ટિ ઘટી જાય છે.
- ઓછી તીવ્રતાવાળા લેઝરનાં કિરણો થોડા સમય માટે દ્રષ્ટિદોષ નિર્માણ કરે છે. એને કારણે થોડા સમય માટે દેખાવાનું બંધ થઈ જાય છે.
આંખોની કાળજી કેવી રીતે રાખવી?
યોગ્ય સ્થિતિ અને શિલ્ડિંગ: લેઝર શો દરમ્યાન એની લાઇટ્સ દર્શકોની આંખો પર સીધી ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. એટલે કે એનાં કિરણો લોકોની આંખોની ઉપરથી નીકળી જાય અને આંખો પર કોઈ પ્રકારનું પ્રેશર ન આવે. લેઝર બીમને જમીન પર ફેરવવું નહીં. એના બીમ્સ આંખોમાં ન જાય એનું ધ્યાન રાખવું.
આંખોની સલામતી માટે સાધનો: લેઝર શોમાં કામ કરતા કર્મચારીઓને એના તરંગોથી સુરક્ષા આપી શકે એવા ચશ્માં પહેરવા જોઈએ, જે આંખોને આવાં કિરણોથી સુરક્ષા આપે.
જનજાગૃતિ અને સૂચનાનું પાલન: શો શરૂ થાય એ પહેલા લોકોને લેઝર લાઇટ્સના જોખમ અને એની સાવધાની વિશે માહિતી આપવામાં આવે. એની સ્પષ્ટરૂપે સૂચના આપવી જરૂરી છે. લેઝર લાઇટ્સ લોકોની આંખોમાં ન જાય એની તકેદારી રાખવાનું કહેવામાં આવે.