તરોતાઝા

નિવૃત્તિકાળનું રૂટિન કેવું હોવું જોઈએ?

ગૌરવ મશરૂવાળા

એ દિવસે નવીનભાઈ ત્રિવેદી સજોડે ઘરે મોડેથી પાછા ફર્યા. એમની નિવૃત્તિનો એ દિવસ હતો. ઑફિસમાં સેન્ડ ઑફ પાર્ટી હતી. દરેક સહયોગીએ એમનાં કામનાં અને ગુણનાં વખાણ કર્યા. કંપનીના ચૅરમેને એમને ટેબ્લેટ પીસી ભેટમાં આપ્યું.
બીજા દિવસે એ મોડેથી ઊઠ્યા.

પહેલાં તો એમણે ઉતાવળે તૈયાર થવાનું શરૂ કર્યું, પરંતુ પછી યાદ આવ્યું કે આજથી એમણે ઑફિસે જવાનું નથી. આરામથી અખબાર વાંચી લીધા બાદ એ નવરા પડયા, પરંતુ ઘરના બીજા સભ્યો પોતપોતાના રાબેતા મુજબના કામમાં વ્યસ્ત હતા. એકલા નવીનભાઈ જ ‘મુક્ત પંખી’ હતા.

થોડા દિવસ તો એમને એ આઝાદી ઘણી સારી લાગી, પરંતુ પછી કંટાળો આવવા લાગ્યો. એવું લાગવા માંડ્યું કે પોતે હવે કમાતા નહીં હોવાથી પરિવારજનો એમને પૂરતું માન આપતા નથી.
નિવૃત્ત વ્યક્તિઓએ આ જ લાગણીથી ખાસ બચવું જરૂરી છે, કારણ કે મોટાભાગના નિવૃત્ત માણસોને આ વિચાર ઘણી જ તકલીફ આપે છે. એમનામાં અસલામતીની લાગણી ઘર કરી જાય છે.

આપણા પૌરાણિક ગ્રંથોમાં આવી સ્થિતિમાં અપનાવવાની કેટલીક સરળ રીત જણાવવામાં આવી છે. અહીં એટલું કહેવું જરૂરી છે કે બિઝનેસ કે વ્યવસાયમાંથી નિવૃત્ત થયે કામકાજ એકસાથે બંધ કરી દેવું નહીં.
પ્રવૃત્તિઓમાં સામેલગીરી ધીમેધીમે ઘટાડતા જવું. સંપૂર્ણ નિવૃત્તિ માટેનું સમયપત્રક ઘડવું અને એ રોજ નજરની સામે રહે એવી રીતે રાખવું કે એ સમયપત્રક મુજબ નિવૃત્તિની નિશ્ચિત તારીખ આવી જાય એટલે તમે બધી પ્રવૃત્તિઓ સંકેલી લેશો એવું નક્કી કરી લેવું.

જોકે, અગાઉ કહ્યા છે એ મુજબ નિવૃત્તિકાળમાં કરવા માટેની રચનાત્મક કે સર્જનાત્મક પ્રવૃત્તિ પણ નક્કી કરી લેવી. તેમાં કોઈ સ્વૈચ્છિક સંસ્થા માટે કામ કરવું, મંદિરમાં સમય આપવો, મેડિટેશન કરવું, વાંચન કરવું, પૌઢોને કે બાળકોને ભણાવવા, વગેરે પ્રવૃત્તિનો સમાવેશ કરી શકાય છે. એ કામ દિવસમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક કરી શકાય.

આ ઉપરાંત, ટીવી જોવું, ક્લબમાં જવું, ઉદ્યાનમાં જવું, વગેરે કાર્યને પણ પ્રવૃત્તિઓની યાદીમાં ગણી લેવા, પરંતુ એ બધાને મુખ્ય પ્રવૃત્તિ બનાવવા નહીં.

નિવૃત્ત થયા બાદ તમને અંદરથી લાગવું જોઈએ કે તમે સમાજ-સમુદાય માટે કંઈક કરી રહ્યા છો. તેનો ફાયદો એ થશે કે તમારામાં અસલામતી, ચિડિયાપણું, વગેરે જેવી નકારાત્મક ભાવના નહીં જન્મે. વાંચનથી તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને મેડિટેશન કરવાથી ચિત્ત સ્થિર ને શાંત થશે .

મારા એક ક્લાયન્ટના પિતાજી દર અઠવાડિયે બે વાર હૉસ્પિટલના જનરલ વૉર્ડની વિઝિટ કરીને ત્યાંના ગરીબ લોકોને દવા તથા પોષક ખોરાક આપીને મદદરૂપ થાય છે. હું જ્યાં જાઉં છું એ જિમખાનામાં એક વડીલ પણ આવે છે. એ દરરોજ વૃદ્ધાશ્રમમાં લોકોને મળવા જાય છે, એમની સાથે વાતચીત કરીને એમને કંપની આપે છે. કેટલાક નિવૃત લોકો આશ્રમમાં જઈને વિવિધ પ્રવૃત્તિઓમાં સમય વિતાવે છે.

Also Read – ફાઈનાન્સના ફંડા: રોકાણની આવી સામાન્ય ભૂલ કેવી રીતે પડી શકે છે ભારે?

ત્રણથી ચાર કલાકની આવી રચનાત્મક પ્રવૃત્તિ ઉપરાંત સવારે અને સાંજે ૧-૧કલાકનો સમય ચાલવા જવા માટે તથા હળવો વ્યાયામ કરવા માટે અલાયદો રાખવો. બીજા ૨-૩ કલાક સંગીત સાંભળવું, બગીચામાં જવું, જેવી આનંદપ્રદ પ્રવૃત્તિઓ કરવી. ટીવી જોવામાં એક કલાકથી વધારે સમય ગાળવો નહીં. જો ડ્રાઈવિંગ કરી શકતા હો તો ઘરની મહિલાને ખરીદી કે અન્ય કાર્યોમાં મદદરૂપ થવું.

ઘરના સભ્યોને તેનાથી ઘણું સારું લાગશે અને તમે પણ એમને મદ્દદરૂપ થયાનો સંતોષ પ્રાપ્ત કરી શકશો.
ખાણીપીણી અને ઊંઘના સમયની બાબતે શિસ્ત પાળવી પણ મોટી ઉંમરે ઘણી જરૂરી છે. ખોરાક બરોબર નહીં હોય તો ઊંઘ બગડી શકે છે અને તેનું પરિણામ વિચારો પર પણ આવી શકે છે. રાતે સૂવા જવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા ટીવી જોવાનું બંધ કરી દેવું. ટીવી જોઈને સીધા સૂવા જવાથી ઊંઘ બરોબર આવતી નથી.

રોજેરોજ મેડિટેશન કરવાથી મનની સ્થિરતા જળવાશે. શિસ્તબદ્ધ રાબેતા મુજબનું જીવન જીવવાથી નિવૃત્તિકાળ પ્રસન્નતાપૂર્વક ગાળી શકાશે..

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button