આપણું ગુજરાતગાંધીનગર

સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષાને લઈ GPSCની મોટી જાહેરાત, ઉમેદવારો જાણો મહત્ત્વની વાત…

ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે હવે સંમતિપત્રક આપવાનું રહેશે

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી સમયમાં લેવામાં આવનારી મહત્ત્વની પ્રાથમિક પરીક્ષાઓમાં ઘણા ફેરફારો કર્યા છે, જેમાં રાજ્ય વેરા નિરીક્ષક (સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર)ની ભરતીનો પણ સમાવેશ થાય છે. આયોગ દ્વારા સરખો અભ્યાસક્રમ ધરાવતી અલગ અલગ પોસ્ટની પરીક્ષાઓ એકસાથે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ક્રાઇમ કેપિટલઃ અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈ ગૃહ મંત્રાલય એક્શનમાં…

STI માટે આપવું પડશે સંમતિપત્રક

GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા આયોગની પરીક્ષા પદ્ધતિને લઈને કરવામાં આવેલા ફેરફારની માહિતી આપવામાં આવી છે. આયોગે નોટિસ જાહેર કરીને કરવામાં આવેલા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. આગામી 22મી ડિસેમ્બરના રોજ લેવાનાર રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની પરીક્ષામાં 2,34,162 ઉમેદવારે અરજી કરી છે. રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે હવે સંમતિપત્રક આપવાનું રહેશે. STI પરીક્ષા માટે સંમતિ અંગેનું ફોર્મ 25 નવેમ્બર સાંજે 5 વાગ્યાથી બીજી ડિસેમ્બર સવારે 10 વાગ્યા સુધીમાં ભરવાનું રહેશે.

પરીક્ષામાં ગેરહાજરની સંખ્યા વધુ

પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. આથી પ્રાથમિક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે આયોગ દ્વારા આયોજન કરવું પડતું હોઇ, તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બિનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેર જનતા ઉપર આવતો હોય છે.

આ પણ વાંચો : અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની ‘પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ’ યોજના બંધઃ કોંગ્રેસ આક્રમક મૂડમાં…

નહીં તો ઓનલાઈન અરજી રદ્દ થશે

આયોગે જણાવ્યું છે કે જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેની ઓનલાઇન અરજી આપોઆપ રદ થશે અને આવા ઉમેદવારો કોલલેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. વળી જો કોઇ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ભરેલ હોવાનું જણાઈ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button