લોકો ફેમસ થવા માટે પવિત્ર સ્થળોને પણ નથી છોડતા…
સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકોને ગમે તેમ કરીને ફેમસ થવું છે પછી એ કંઇ જ વિચારતા નથી કે સ્થળ કયું છે કે પવિત્ર સ્થળોની એક આગવી ઓળખ અને મર્યાદા હોય છે. પરંતુ લોકોને ફક્ત રીલ બનાવીને ફેમસ થવું છે બસ, અયોધ્યામાં હર કી પૌડીના એક વીડિયોએ એવી ચર્ચાને વેગ આપ્યો છે કે લોકોને કંઇ પડી જ નથી. અયોધ્યાનો જે વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે તેમાં એક મહિલા બોલિવૂડના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. મહિલાઓની આ સ્ટાઇલ લોકોને બિલકુલ પસંદ નથી આવી રહી. વીડિયોમાં મહિલાને કામુક ડાન્સ મૂવ્સ કરતી જોઈ શકાય છે. તે રામ કી પૈડી ઘાટ પર ડાન્સ કરતી જોવા મળે છે.
સામાન્ય રીતે લોકો પવિત્ર ઘાટ પર આવીને સ્નાન કરે છે અને પ્રાર્થના કરે છે. પરંતુ આ મહિલાએ અહીં આવીને રીલ બનાવી હતી અને બાદમાં તેનો વીડિયો વાઇરલ થયો હતો.
આ મહિલા બોલિવૂડ એક્ટર બોબી દેઓલ અને રાની મુખર્જીના ગીત ‘જીવન મેં જાને જાના’ પર ડાન્સ કરતી જોવા મળે છે. લોકો તેની રીલને સોશિયલ મીડિયા પર પણ ખૂબ શેર કરી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં મહિલા તેના વાળને પાણીમાં નાખીને હવામાં ફંગોળી રહી છે. ત્યાર બાદ તે બોલિવૂડ ગીતો પર કામુક ડાન્સ સ્ટેપ્સ કરવાનું શરૂ કરે છે. અયોધ્યા પોલીસે ટ્વિટર પર વાઇરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલાની તપાસ કરવામાં આવશે.
નોંધનીય છે કે અયોધ્યામાં આ પહેલા પણ લોકો અહીં આવી જ રીતે રીલ બનાવતા જોવા મળ્યા છે. જૂન મહિનામાં અયોધ્યાના સરયુ નદી ઘાટ પર આવી જ એક ઘટના બની હતી. જેના માટે લોકોએ ભારે હોબાળો કર્યો હતો. મહિલાની ખૂબ ટીકા થઈ હતી. પોલીસે આ બાબતની નોંધ લીધી હતી અને પવિત્ર સ્થળો પર આવા બિભત્સ ડાન્સ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.