યોગ કરતા હાર્ટ એટેકથી 13 વર્ષના કિશોરનું મોતઃ ખેલૈયાઓ ચેતજો
હૃદયને સ્વસ્થ રાખવા માટે વિવિધ ઉપાયો હોય છે. જેમાંથી લગભગ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવતો હોય તો તે છે નિયમિત કસરત અને ખાસ કરીને યોગાસનો. પણ જો યોગ કરતા કરતા જ કોઈ હૃદયરોગનો શિકાર બને તો…આવું જ થયું છે અને તે પણ યુવાન નહીં પણ માત્ર એક 13 વર્ષના કિશોર સાથે.
મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના માત્ર 13 વર્ષના કિશોરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. કિશોરને યોગા કરતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો, અને પળવારમાં તેનો જીવ ગયો હોવાની માહિતી મળી છે. અગાઉ પણ સુરતમાં એક યુવાન યોગ કરતા સમયે જ આ રીતે મોતને ભેટ્યો હતો.
મુંબઈમાં કાંદીવલીમાં અભ્યાસ કરતા જામનગરના કિશોર ઓમ ગઢેચાનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. મૂળ જામનગરનો કિશોર મુંબઈમાં અભ્યાસ કરતો હતો. ઓમ ગઢેચા યોગા કરી રહ્યો હતો, તે જ સમયે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને પળવારમાં તેનો જીવ ગયો હતો.
આવી જ રીતે રાજકોટના જેતપુરમાં સરદાર પટેલ કેળવણી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. વિદ્યાર્થીનીનું હૃદયરોગના હુમલાથી મોતની આશંકા છે. 18 વર્ષીય કશિશ પીપળીયા હોસ્ટેલમાં જ રહીને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જામકંડોરણા તાલુકાના જામદાર ગામના પરિવારની પીપળીયા પરિવારની દીકરીના મોતથી પરિવાર પર આભ તૂટ્યુ છે. વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીને વાલની બીમારી હતી અને તેની સારવાર પણ ચાલતી હતી, ત્યારે પીએમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
આ રીતે કસરત કરતા જો એટેક આવે તો ગરબા પણ એક કસરત છે. જેમાં શરીર થાકે છે. આથી ખેલૈયાઓએ ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે. મુંબઈ સમાચારે આ માટે ખાસ સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા અભિયાન ચલાવ્યું છે. જેનો પડઘો રાજ્ય સરકાર સુધી પડ્યો છે અને આરોગ્ય વિભાગે પણ નિયમાવલી જાહેર કરી છે.