બુમરાહે ઐતિહાસિક વિજય મેળવ્યા પછી કહ્યું, `મારો દીકરો મોટો થશે ત્યારે….’
પર્થઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની પ્રથમ મૅચમાં ટીમ ઈન્ડિયાએ સોમવારે ઑસ્ટ્રેલિયા સામે 295 રનના તોતિંગ માર્જિનથી ઐતિહાસિક જીત મેળવી ત્યાર બાદ ખુશખુશાલ કાર્યવાહક કૅપ્ટન જસપ્રીત બુમરાહ પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન ખૂબ ભાવુક પણ હતો, કારણકે તેનો પરિવાર પર્થમાં છે અને તેમની સાક્ષીમાં તેના સુકાનમાં ભારત આ ટેસ્ટ જીત્યું છે.
આ પણ વાંચો : IND vs AUS 1st Test: ટીમ ઇન્ડિયાએ પર્થમાં ઓસ્ટ્રેલીયાને ધૂળ ચટાડી, ઐતિહાસિક જીત મેળવી
બુમરાહે પત્રકારોને કહ્યું, આ વિજય સ્પેશિયલ છે. કૅપ્ટન તરીકેનો મારો આ પ્રથમ વિજય છે. મારા આનંદનો પાર નથી. મારો દીકરો અહીં પર્થમાં જ છે. હું મારા પરિવારજનો અને દીકરા સાથે આ જીત સેલિબ્રેટ કરીશ. મારો પુત્ર હજી ઘણો નાનો છે, પણ તે મોટો થશે ત્યારે હું આ જીત સાથે સંકળાયેલી અનેક સ્ટોરી તેને કહીશ.’ ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની રનના માર્જિનની ગણતરીએ આ સૌથી મોટો વિજય છે. એ સાથે, ઑસ્ટ્રેલિયામાં સૌથી મોટા વિજય હાંસલ કરનારા દેશોમાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે.
ભારત આ વિજય સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં 61.11 પર્સન્ટેજ પૉઇન્ટ સાથે ફરી નંબર-વન થઈ ગયું છે. બુમરાહે આ મૅચમાં કુલ 72 રનમાં આઠ વિકેટ લીધી અને આ વિશિષ્ટ દેખાવ બદલ તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. બુમરાહની પત્ની સંજના ગણેશન ક્રિકેટજગતની જાણીતી ઍન્કર છે. બુમરાહ અને સંજના સૌથી પહેલી વાર 2013ની આઇપીએલ દરમ્યાન એકમેકને મળ્યા હતા. તેમની વચ્ચે દોસ્તી થઈ હતી અને બે વર્ષના ડૅટિંગ બાદ તેમણે 2021માં લગ્ન કર્યા હતા. તેમનો પુત્ર અંગદ હજી માંડ એક વર્ષનો છે. બુમરાહે પર્થ ખાતેની જીત બદલ વધુ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મારો દીકરો અહીં પર્થમાં જ છે અને એ ઘડીએ હું મારા સુકાનમાં ઑસ્ટ્રેલિયામાં ભારતને ઐતિહાસિક વિજય અપાવી શક્યો એનો મને બેહદ આનંદ છે. તાજેતરના ટી-20 વર્લ્ડ કપ વખતે તે પરિવાર સાથે અમેરિકા/વેસ્ટ ઇન્ડિઝમાં હતો. તે હજી ખૂબ નાનો છે એટલે ક્રિકેટ વિશે તેમ જ ટીમ ઇન્ડિયાની અને મારી સિદ્ધિઓ વિશે હજી અજાણ છે. જોકે તે મોટો થશે ત્યારે હું આ શાનદાર વિજયની વિગતો તેની સાથે શૅર કરીશ.’
પર્થનું ઑપ્ટસ સ્ટેડિયમ છ વર્ષ જૂનું જ છે અને એના પર ઑસ્ટ્રેલિયા પહેલી ચારેય ટેસ્ટ જીત્યું હતું. જોકે આ મેદાન પરની પાંચમી ટેસ્ટમાં કાંગારુઓએ પરાજય જોવો પડ્યો છે. ભારતે યજમાન ટીમને પર્થના આ મેદાન પર પહેલો પરાજય જોવાની ફરજ પાડી છે.
આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ઑસ્ટ્રેલિયામાં અગાઉ ભારતનો સૌથી મોટો વિજય 1978ની સાલમાં હતો જ્યારે મેલબર્નમાં ભારતે 222 રનથી વિજય મેળવ્યો હતો. ત્યારે ઑસ્ટ્રેલિયાની સેક્નડ-ગે્રડ જેવી ટીમ હતી, કારણકે એના મોટા ભાગના ખેલાડીઓ ત્યારે કેરી પૅકર વર્લ્ડ સિરીઝમાં રમવા માટે ઑસ્ટ્રેલિયન ટીમ છોડી ગયા હતા.
રવિવારે ટીમ ઈન્ડિયાએ ઑસ્ટ્રેલિયાને 534 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેની સામે પૅટ કમિન્સની ટીમ 238 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયા તરફથી રન ચેઝમાં ટ્રેવિસ હેડ 89 રનની સૌથી મોટી ઇનિંગ્સ રમ્યો હતો. તે 153 મિનિટ સુધી ક્રીઝમાં રહ્યો હતો અને 101 બૉલનો સામનો કરીને આઠ ફોર ફટકારી હતી.
ભારતના બધા બોલરને વિકેટ મળી હતી. એમાં ખાસ કરીને બુમરાહે 42 રનમાં ત્રણ વિકેટ અને મોહમ્મદ સિરાજે 51 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. સ્પિનર વૉશિંગ્ટન સુંદરે 48 રનમાં બે વિકેટ લેવામાં સફળતા મેળવી હતી, જ્યારે આ મૅચથી ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર હર્ષિત રાણાને 69 રનમાં એક વિકેટ અને નીતિશ કુમાર રેડ્ડીને 21 રનમાં એક વિકેટ મળી હતી.
ઑસ્ટ્રેલિયાની 59મી ઓવર હર્ષિત રાણાએ કરી હતી જેના ચોથા બૉલમાં તેણે ઍલેક્સ કૅરી (36 રન, 58 બૉલ, 103 મિનિટ, બે ફોર)ને ક્લીન બોલ્ડ કરીને ટીમની જીત પર મહોર મારી હતી. આ વિજય ભારતીય ટીમ માટે ઘણો મહત્ત્વનો હતો, કારણકે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતનો 0-3થી વાઇટ-વૉશ થયો હતો જેને કારણે ટીમના ખેલાડીઓ હતાશ થઈ ગયા હતા. જોકે હવે પર્થની જીત સાથે પ્લેયર્સમાં ફરી જોમ અને જુસ્સો આવી ગયા છે.
આ પણ વાંચો : આ ટીમ માત્ર 7 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ, T20Iમાં સૌથી ઓછા રનનો વર્લ્ડ રેકોર્ડ
હવે છઠ્ઠી ડિસેમ્બરથી ઍડિલેઇડમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ડે/નાઇટ તરીકે બીજી ટેસ્ટ રમાશે. આ ટેસ્ટ પિન્ક બૉલથી રમાશે. રોહિત શર્મા તાજેતરમાં જ બીજી વાર પિતા બન્યો હતો અને હવે તે ઑસ્ટ્રેલિયા પહોંચી ગયો છે.