આપણું ગુજરાત

ગુજરાતમાં મંગળવારના દિવસે અમંગળ, 3 અકસ્માતોની વણઝારમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

અમદાવાદઃ ગુજરાતમાં મંગળવારે 3 અલગ અલગ અકસ્માતોમાં કુલ 13 લોકોના મોત નીપજ્યા છે. દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઝમર ગામના પાટિયા નજીક આઈશર અને કાર વચ્ચે અકસ્માતમાં 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ત્રીજા અકસ્માતમાં જામનગરમાં 2 કાર વચ્ચે ટક્કર થઇ હતી જેના પગલે એક દંપતીનું મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દાહોદના અકસ્માતમાં ટ્રક અને રિક્ષા વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, રીક્ષામાં સવાર છ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ તમામ લોકો એક જ પરિવારના હતા. તેઓ રાજકોટથી મજુરીએથી પાટીયાઝોલ ગામે પરત આવી રહ્યા હતા, તે સમયે સવારના સુમારે અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં એક મહિલા, એક બાળક તેમજ ચાર પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં રીક્ષા ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થતાં તેને પણ સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે તમામ મૃતદેહો પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

બીજા બનાવમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઝમર ગામના પાટિયા પાસે આઈશર અને કાર વચ્ચેના અકસ્માતમાં 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માતમાં બે મહિલા અને એક પુરુષ સહિત પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને પૂર્વવત કરવાનાં પ્રયાસો હાથ ધર્યા હતો.

જ્યારે ત્રીજી ઘટનામાં જામનગરમાં બે કાર વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જામનગર નજીક ચંગાના પાટિયા પાસે હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વ્યક્તિને જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં પતિ પત્નીનું મોત નિપજ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button