ભારત ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ફરી મોખરે, ફાઇનલથી ત્રણ ડગલાં દૂર
પર્થઃ ભારત અહીં ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના ટેબલમાં એને જ હટાવીને ફરી નંબર-વન થઈ ગયું છે. ભારતના પર્સન્ટેજ પૉઇન્ટ 58.33થી સુધરીને 61.11 થઈ ગયા છે. ભારતે ડબ્લ્યૂટીસીની 2023-2025ની સીઝનમાં 15માંથી નવ ટેસ્ટમાં વિજય મેળવ્યો છે, પાંચમાં હાર સહન કરી છે અને એક ટેસ્ટ ડ્રૉમાં ગઈ છે. ભારતના નામે 110 પૉઇન્ટ છે.
ઑસ્ટ્રેલિયા હવે ભારત પછી 57.69 પર્સન્ટેજ સાથે બીજા સ્થાને થઈ ગયું છે. બે વર્ષની સીઝનમાં 13માંથી આઠ ટેસ્ટ જીતનાર અને ચાર મૅચમાં પરાજય જોનાર ઑસ્ટ્રેલિયાના નામે 90 પૉઇન્ટ છે. 13માંથી એની એક ટેસ્ટ ડ્રૉમાં ગઈ છે.
શ્રીલંકા 55.56 પર્સન્ટેજ સાથે ત્રીજા નંબરે, ન્યૂ ઝીલૅન્ડ (54.55) ચોથા નંબરે અને સાઉથ આફ્રિકા (54.17) પાંચમા નંબરે છે.
પર્થમાં ભારતે યજમાન ઑસ્ટ્રેલિયાને 295 રનથી હરાવી દીધું છે. આ વિજય મેળવીને ભારતે સતત ત્રીજી સીઝનમાં ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. ભારત વર્તમાન બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં 1-0થી આગળ છે અને 4-0થી જીતે તો ફાઇનલ માટેનો દાવો મજબૂત કરી શકે.
આપણ વાંચો: ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ રમી રહેલા આ ભારતીય ખેલાડીને કોઈએ ન ખરીદ્યો, જુઓ અનસૉલ્ડ લિસ્ટ…
ભારતે પર્થ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને જીતવા 534 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો અને ઑસ્ટ્રેલિયાની ટીમ 238 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. શુક્રવારે ભારતે ટૉસ જીતીને 150 રન બનાવ્યા હતા, જ્યારે ઑસ્ટ્રેલિયાની ટીમ 104 રનમાં આઉટ થઈ ગઈ હતી.
બીજા દાવમાં યશસ્વી જયસ્વાલના 161 રન તથા વિરાટ કોહલીના અણનમ 100 રનની મદદથી ભારતે છ વિકેટે 487 રન બનાવ્યા હતા અને એ સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. કાર્યવાહક કૅપ્ટન જસપ્રીત બુમરાહે આખી ટેસ્ટમાં કુલ 72 રનમાં આઠ વિકેટ લીધી અને તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
આપણ વાંચો: પ્રથમ ટેસ્ટ માટે ભારતની યંગ-ઇલેવન, રેડ્ડી-રાણાનું ડેબ્યૂ
ભારતે આ ટેસ્ટ રોહિત શર્મા, રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શુભમન ગિલ અને મોહમ્મદ શમી જેવા ટેસ્ટ ખેલાડીઓ વગર જીતી લીધી છે.