પિંડ દાન માટે આ સ્થળનું છે ખાસ મહત્વ…
શ્રાદ્ધ વિધિ અને પિંડ દાન માટે દેશભરમાં 55 સ્થાનો મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે, જેમાંથી બિહારમાં ગયાને સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. ગયામાં શ્રાદ્ધ વિધિ, તર્પણ વિધિ અને પિંડ દાન કર્યા પછી કંઈ બચતું નથી અને અહીંથી વ્યક્તિ પોતાના પૂર્વજોના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. ગયાનું મહત્વ કંઇકં એવું છે કે ભગવાન રામ અને માતા સીતાએ રાજા દશરથની આત્માની શાંતિ અને મોક્ષ માટે અહીં ફાલ્ગુ નદીના કિનારે શ્રાદ્ધ અને પિંડ દાન કર્યું હતું. તેમજ મહાભારત કાળ દરમિયાન પાંડવોએ પણ આ સ્થાન પર શ્રાદ્ધ કર્યું હતું.
જો કે ભારતમાં પિંડ દાન, તર્પણ અને શ્રાદ્ધ વિધિ માટે ઘણી જગ્યાઓ છે, પરંતુ ફાલ્ગુ નદીના કિનારે વસેલું ગયા શહેરનું પોતાનું આગવું મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સર્વપિત્રી અમાવસ્યાના દિવસે ગયામાં પિંડ દાન કરવાથી 108 કુળ અને 7 પેઢીઓનો ઉદ્ધાર થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. તેમજ પૂર્વજો મોક્ષ પ્રાપ્ત કરે છે તેથી આ સ્થાનને મોક્ષ સ્થાન કહેવાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ સ્વયં પ્રાચીન ગયા શહેરમાં પિતૃદેવના રૂપમાં નિવાસ કરે છે.
વાયુ પુરાણ, ગરુડ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં પણ ગયા શહેરનો ઉલ્લેખ છે. આ પુરાણોમાં ગયાનું આગવું મહત્વ જણાવવામાં આવ્યું છે. આ તીર્થ પર પૂર્વજો મોક્ષ પ્રાપ્ત કરે છે, તેથી ગયાને મોક્ષ ભૂમિ એટલે કે મોક્ષ સ્થાન કહેવામાં આવે છે. ગયા શહેરમાં દર વર્ષે એકવાર પિતૃ પક્ષ દરમિયાન મેળો ભરાય છે, જેને પિતૃ પક્ષ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગયા શહેર હિન્દુઓની સાથે સાથે બૌદ્ધ ધર્મ માટે પણ પવિત્ર સ્થળ છે. બોધ ગયાને ભગવાન બુદ્ધની ભૂમિ પણ કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ અહીં પોતાની શૈલીમાં ઘણા મંદિરો બનાવ્યા છે.
ગયામાં પહેલા વિવિધ નામોની 360 વેદીઓ હતી પરંતુ હવે માત્ર 48 જ બચી છે. ગયામાં ભગવાન વિષ્ણુ ગદાધરના રૂપમાં બિરાજમાન છે. ગયાસુરના શુદ્ધ શરીરમાં બ્રહ્મા, જનાર્દન, શિવ અને પ્રપિતામહા નિવાસ કરે છે. તેથી, આ સ્થાન પિંડ દાન અને શ્રાદ્ધ વિધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.