તો હવે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી!
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. રાજ્યમાં મહાયુતિને બહુમતી મળી છે અને મહા વિકાસ આઘાડીનો કારમો પરાજય થયો છે. મહાયુતિએ 230 સીટો જીતી લીધી છે. મહાવિકાસ આઘાડીએ માત્ર 46 બેઠકો જીતીને જ સંતોષ માનવો પડ્યો છે. આને કારણે રાજ્યમાં મહાયુતિની સરકાર આવે તો 100 ટકા નક્કી જ થઇ ગયું છે અને માત્ર મુખ્ય પ્રધાન કોમ બનશે એની જાહેરાત કરવાની બાકી છે. હવે એવી આગાહી કરવામાં આવી રહી છે કે દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મુખ્ય પ્રધાન બનશે.
આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રાજ્યના મુખ્ય પ્રધાન પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી કરવામાં આવ્યું છે. મહાયુતિમાં ભાજપને સૌથી વધુ 132 બેઠકો મળી છે. તેથી ઘણા કાર્યકરો એવો આગ્રહ કરી રહ્યા છે કે આગામી પાંચ વર્ષ માટે ભાજપનો જ મુખ્ય પ્રધાન રહે અને દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્ય પ્રધાન પદ મળવું જોઈએ. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપે રાજ્યમાં મોટી સફળતા હાંસલ કરી હોવાની લાગણી પણ કાર્યકરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહાયુતિના પક્ષ એનસીપીના અધ્યક્ષ અજિત પવાર પણ દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવાના પક્ષમાં છે. તેથી આજે સાંજ સુધીમાં મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર લાગી જાય તેવી શક્યતા છે.
બીજી તરફ આજે નવી દિલ્હીમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કોણ છે? આ સંદર્ભે મહત્વની બેઠકની અપેક્ષા છે. એમ જણાવવામાં આવી રહ્યું છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે બપોરે દિલ્હી જવા રવાના થશે. ત્રણેય નેતાઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલાના પારિવારિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી જાય તેવી શક્યતા છે. જે બાદ સાંજે મહાગઠબંધનની નવી સરકારની રૂપરેખા નક્કી થવાની આશા છે.
શું છે મુખ્ય પ્રધાન પદની ફોર્મ્યુલા?
મહાયુતિની બેઠકમાં મુખ્ય પ્રધાન પદની બીજી ફોર્મ્યુલા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં એવું જોણવા મળ્યું છે કે શિંદે જૂથ મુખ્ય પ્રધાન પદ માટે અઢી વર્ષની ફોર્મ્યુલા પર આગ્રહ કરી રહ્યું છે. આ ફોર્મ્યુલામાં પહેલા અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન પદ ભાજપ પાસે રહેશે. ત્યારબાદ આગામી અઢી વર્ષ સુધી મુખ્ય પ્રધાન પદ શિંદે જૂથ પાસે રહેશે. તેમજ મુખ્ય પ્રધાન પદ માટે 2-2-1 ફોર્મ્યુલાની પણ ચર્ચા થઈ રહી છે. આ ફોર્મ્યુલા મુજબ ભાજપને બે વર્ષ માટે, શિંદે જૂથને બે વર્ષ માટે અને અજિત પવારને એક વર્ષ માટે મુખ્ય પ્રધાન પદ આપવામાં આવશે. અજિત પવાર જૂથ આ ફોર્મ્યુલા માટે ખૂબ ઉત્સુક છે.
આ પણ વાંચો…પંજાબે કેમ શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદ્યો?
નોંધનીય છે કે આ વર્ષની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ 230 બેઠકો જીતી હતી. જેમાં ભાજપને 132, શિવસેના શિંદે જૂથને 57 અને NCP અજિત પવાર જૂથને 41 બેઠકો મળી હતી. જ્યારે મહાવિકાસ આઘાડી (MVA)ને માત્ર 46 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. MVAની 46 બેઠકોમાં કોંગ્રેસને 16, ઠાકરે જૂથને 20 અને શરદ પવાર જૂથને 10 બેઠકો મળી છે, તેમજ અપક્ષ-અન્યને 12 બેઠકો મળી છે. તેથી હવે રાજ્યમાં મહાયુતિ સરકાર સત્તા પર આવશે તે નિશ્ચિત છે. હાલમાં મહાયુતિમાં સત્તા રચવાની હિલચાલે વેગ પકડ્યો છે.