Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલમાં ભૂતકાળમાં સર્જાયો હતો આ કાંડ, દર્દીનું થયું હતું મોત
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરની ખ્યાતિ હોસ્પિટલે(Khyati Hospital)દર્દીઓને મોતના મુખમાં ધકેલી નાણાં કમાવવાનો ખેલ ખેલ્યો હતો. આ હોસ્પિટલમાં ભૂતકાળમાં સારવાર લેનારા સંખ્યાબંધ દર્દીઓ અત્યારે ચિંતામાં છે. ખ્યાતિ હોસ્પિટલનો એક પછી એક કાંડ બહાર આવી રહ્યા છે ત્યારે આ હોસ્પિટલનો વધુ એક કાંડ બહાર આવ્યો છે. જેમાં ભૂતકાળમાં હાથના દર્દીની હાર્ટની સર્જરી કરી નાખતા મોત થયું હતું.
હાથના દર્દીની હાર્ટની સર્જરી કરી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખ્યાતિ હોસ્પિટલ કાંડમા વધુ એક કાંડ બહાર આવ્યો છે. નવેમ્બર 2023માં બનેલી આ ઘટનામાં તે સમયે સાણંદના નિધરાડ ગામના ભીખાજી ડાભીને છેલ્લા કેટલાક દિવસોથી હાથમા દુખાવો થતો હતો. જેના કારણે તેઓ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. તેઓએ હજુ પોતાની સમસ્યાની જાણ ડોક્ટરને કરી જ ત્યાં તેમની પહેલા એન્જિયોગ્રાફી કરી નાખી હતી. આ પછી તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એટલું જ નહીં એન્જિયોપ્લાસ્ટી કરતાં પહેલા ભીખાજીના પરિવારને જાણ પણ કરવામાં આવી નહોતી.
Also Read – સરકાર અને પોલીસ ખાતાના આટલા પ્રયત્નો છતાં ડિજિટલ એરેસ્ટના કેસ વધી રહ્યા છેઃ ભુજમાં ફરી છેતરાયા વેપારી
દર્દીનું મોત થયું હતું
એન્જિયોપ્લાસ્ટી બાદ દર્દીનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું હતું. અને હૃદયનું પમ્પિંગ ઘટીને 20 ટકા થઈ ગયું હતું. ત્યારબાદ દર્દીને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ તેમનું સ્વાસ્થ્ય એ હદે બગાડી નાખ્યું હતું કે, તેઓ પણ ભીખાજીનો જીવ બચાવી શક્યા નહીં. ખ્યાતિ હોસ્પિટલની આ બેદરકારીના કારણે ભીખાજીના પુત્ર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે.