સરકાર અને પોલીસ ખાતાના આટલા પ્રયત્નો છતાં ડિજિટલ એરેસ્ટના કેસ વધી રહ્યા છેઃ ભુજમાં ફરી છેતરાયા વેપારી
ભુજ: ડિજિટલ એરેસ્ટ’ નામની નવી બલા અંગે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે તેવામાં ઓનલાઇન ઠગો દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો હવાલો આપી, ભુજમાં સોના ચાંદીનો વ્યવસાય કરતા જાણીતા વેપારીને ચોરીનો માલ ખરીદયો હોવાના બહાને ફરિયાદમાં ફીટ કરી દેવાની ધમકી આપીને ૧.૪૦ લાખ રૂપિયા મેળવી લીધા હોવાનો વધુ એક બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી છે.
કેન્દ્ર તેમ જ રાજ્યની સરકાર તેમ જ પોલીસ વિભાગ દ્વારા વારંવાર જાગૃત્તિ ફેલાવવાના પ્રયત્નો થતાં હોવા છતાં લોકો આવા ગઠિયાની જાળમાં ફસાઈ જાય છે.
ગત ૭મી ઓક્ટોબરે બનેલા બનાવ અંગે છેક દોઢ મહિને ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ભુજના કંસારા બજારમાં વેદાંત ટ્રેડિંગ નામની પેઢીથી સોના ચાંદીનો વેપાર કરતા બી.વી. પાટીલ (રહે. મૂળ સાંગલી, મહારાષ્ટ્ર)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને ૭ ઓક્ટોબરની રાત્રે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
Also read: ચોખા પરની નિકાસ પરના પ્રતિબંધો હટાવાતાં કચ્છના કંડલા બંદરે જહાજોની લાગી લાંબી કતાર
ફોનકોલ પરના શખ્સે પોતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર રજાક નામના ચોરને પકડ્યો હોવાનું કહીને રજાકે ચોરેલા ઘરેણાં તમને વેચ્યાં છે તેવું જણાવ્યું હતું. ફરિયાદીને આ પ્રકરણમાંથી નીકળવું હોય તો અત્યારે ઓનલાઈન ૬૦ હજાર રૂપિયા મોકલી આપો તેવું કહ્યું હતું.
પાટીલે ગભરાઈને તેની વાત પર ભરોસો કરીને તેણે મોકલેલાં સ્કેનર મારફતે ૪૦ હજાર રૂપિયા ઓનલાઈન પે કરી દીધાં હતાં. બીજા દિવસે આ જ નંબર પરથી અજાણ્યા શખ્સે ફોન કરીને વધુ એક લાખ રૂપિયાની માંગણી કરતાં તેમણે એક લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા.
૧.૪૦ લાખ રૂપિયા બેઠે-બેઠે મેળવ્યા છતાં વારંવાર ફોન કરીને વધુ ને વધુ રુપિયા માગવા માંડ્યો હતો.
શંકા જતાં પાટીલે પોતાના મિત્રને વાત કરતાં મિત્રે આ શખ્સ ચીટીંગ કરતો હોવાનું જણાવી તેના વિશે ઓનલાઈન સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું.
Also read: Dwarka નજીક નાગેશ્વરમાં 24 યાયાવર પક્ષીઓનો શિકાર, વનવિભાગ એકશનમાં
૧.૪૦ લાખ રૂપિયા હજુ મળ્યાં નથી. ભુજ એ-ડિવિઝન પોલીસે ખોટી ઓળખ ધારણ કરીને ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઠગાઈ કરવા સબબ આઈ.ટી એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.