પંજાબે કેમ શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદ્યો?
જેદ્દાહ: આઇપીએલની 10 ટીમોને રવિવારે ઑકશનના પહેલા દિવસથી નવો ઓપ મળી રહ્યો છે જેમાં ખાસ કરીને મિડલ-ઑર્ડર બૅટર શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદીને આઈપીએલના ઇતિહાસનો બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બનાવ્યો એ સંબંધમાં ચર્ચા થઈ રહી છે.
ઘણાને વિચાર આવ્યો હશે કે શ્રેયસ ઐયર હાલમાં ભારતીય ટીમમાં નથી અને એક વર્ષથી ભારત વતી ટી-20 રમ્યો નથી એમ છતાં તેને વિરાટ, રોહિત, બુમરાહ, સૂર્યકુમાર અને ક્લાસેન કરતાં પણ આટલી મોટી પ્રાઇસ-મની (₹26.75 કરોડ) કેમ મળી? જોકે એના કેટલાક કારણો છે.
શ્રેયસ આઈપીએલનો ચેમ્પિયન કેપ્ટન છે. 2024ની આઈપીએલમાં શ્રેયસના સુકાનમાં જ કોલકાતાએ ત્રીજું ટાઈટલ જીતી લીધું હતું. જોકે ત્યાર બાદ કેકેઆર દ્વારા શ્રેયસને હરાજી માટે છૂટો કરી દેવામાં આવ્યો હતો.
શ્રેયસે પોતાને બે કરોડ રૂપિયાની મૂળ કિંમતના વર્ગમાં રાખ્યો હતો અને તેના નામ પર બોલી બોલાવાની શરૂ થઈ ત્યારે તેને મેળવવા કેટલીક ટીમો વચ્ચે ભારે રસાકસી થઈ હતી. આઈપીએલના ઇતિહાસની હરાજીઓમાં રવિવાર પહેલાં એકેય ખેલાડી 25 કરોડ રૂપિયામાં નહોતો ખરીદવામાં આવ્યો, પરંતુ રવિવારે શ્રેયસ 25 કરોડ રૂપિયાનું વિઘ્ન પાર કરનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.
તેને પંજાબે 26.75 કરોડમાં ખરીદ્યો ત્યાર બાદ થોડી જ વાર પછી રિષભ પંત સૌથી મોંઘો પ્લેયર બન્યો હતો. તેને લખનઊએ 27 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.
શ્રેયસ ઐયર 2019થી 2021 સુધી દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો અને એ ત્રણેય સીઝનમાં દિલ્હીની ટીમ પ્લે-ઓફમાં પહોંચી હતી. 2020ની સીઝનમાં તો આ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ત્યારે દિલ્હી કેપિટલ્સનો કોચ હતો અને હાલમાં તે પંજાબનો હેડ-કોચ બન્યો છે. તે શ્રેયસની ટેલેન્ટ અને અભિગમથી પૂરેપૂરો વાકેફ હતો.
Also Read – IPL 2025 Mega Auction: પહેલા જ દિવસે આ ટીમોએ ‘કેપ્ટન’ ખરીદ્યા, ખર્ચ્યા અઢળક રૂપિયા
વખતે દિલ્હી અને પંજાબ બંને ટીમને કેપ્ટનની જરૂર હતી. કોલકાતાએ પોતાના કેપ્ટનને હરાજીમાં મૂકી દીધો અને રવિવારના ઓકશનમાં તેના નામ પરની રસાકસીમાં પંજાબ મેદાન મારી ગયું હતું.
પંજાબ અને દિલ્હી, બંને પાસે હરાજીમાં ખેલાડીઓને ખરીદવા માટે કરોડો રૂપિયા ઉપલબ્ધ હતા. એમાં પણ પંજાબ પાસે 10 ટીમમાં સૌથી વધુ 110 કરોડ રૂપિયાનું ફંડ હતું. આઈપીએલના ઇતિહાસમાં આઠ કેપ્ટન એવા છે જેઓ આઈપીએલનું ટાઈટલ જીત્યા છે અને શ્રેયસ એમાંનો એક છે.
શ્રેયસે ત્રણ દિવસ પહેલાં મુંબઈને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની મૅચમાં અણનમ 130 રન બનાવીને જીતાડ્યું હતું.