સ્પોર્ટસ

કોહલીની 30મી સેન્ચુરીઃ બ્રેડમૅનથી આગળ અને હેડન-ચંદરપૉલની બરાબરીમાં

પર્થઃ વિરાટ કોહલીએ અહીં રવિવારે ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે કરીઅરની 30મી ટેસ્ટ-સદી (100 અણનમ) ફટકારીને બહુમૂલ્ય સિદ્ધિ મેળવી હતી. ઘણા દિવસથી ખરાબ ફોર્મને લીધે ટીકાકારોનું નિશાન બનેલા કોહલીએ સૌથી વધુ સદી ફટકારનારા બૅટર્સની યાદીમાં ઑસ્ટ્રેલિયાના ડૉનલ્ડ બ્રેડમૅનને ઓળંગી લીધા હતા. બ્રેડમૅને 1928થી 1948 સુધીની કરીઅર દરમ્યાન 29 સેન્ચુરી ફટકારી હતી. કોહલી તેમનાથી એક ડગલું આગળ થઈ ગયો છે.

દરમ્યાન, કોહલીએ 30મી સદી સાથે વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ બૅટર શિવનારાયણ ચંદરપૉલ (30 સદી) અને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મૅથ્યૂ હેડન (30 સદી)ની બરાબરી કરી લીધી હતી.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, પર્થમાં સદી ફટકારતાં જ તોડ્યો ડૉન બ્રેડમેનનો રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 51 ટેસ્ટ સેન્ચુરી સચિન તેન્ડુલકરના નામે છે. જૅક કૅલિસ (45 સદી) બીજા નંબરે અને રિકી પૉન્ટિંગ (41 સદી) ત્રીજા નંબરે છે.

વન-ડેમાં કોહલીની વિક્રમજનક 50 સેન્ચુરી છે.
ભારતે પર્થની બીજી ટેસ્ટમાં મજબૂત પકડ મેળવી છે.

આ પણ વાંચો: પર્થમાં બુમરાહ-સિરાજનો હાહાકાર, 12 રનમાં ઑસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પાડી દીધી

પ્રથમ દાવમાં ભારતના 150 રનના જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમ 104 રનમાં ઑલઆઉટ થતાં ભારતે 46 રનની લીડ લીધી હતી. બીજા દાવમાં ભારતે યશસ્વી જયસ્વાલ (161 રન) અને કોહલી (100 રન)ના તેમ જ કેએલ રાહુલ (77 રન)ના સૌથી વધુ યોગદાનની મદદથી છ વિકેટે 487 રન બનાવ્યા હતા. કોહલીએ યશસ્વી સાથે 38 રનની, વૉશિંગ્ટન સુંદર (29 રન) સાથે 89 રનની અને નીતિશ કુમાર રેડ્ડી (38 અણનમ) સાથે 77 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

ભારતને વધારાના પંચાવન રન મળ્યા હતા. સ્પિનર નૅથન લાયને સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
ત્રીજા દિવસની રમતને અંતે ઑસ્ટ્રેલિયાના ત્રણ વિકેટે માત્ર 12 રન હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button