મોરબી બ્રિજ દુર્ઘટનામાં SITનો રિપોર્ટ રજૂ, જયસુખ પટેલ સહિત ઓરેવા કંપનીનો સ્ટાફ જવાબદાર
30 ઓક્ટોબર 2022નો એ ગોઝારો દિવસ ગુજરાતના ઇતિહાસમાં કલંક સમાન છે. મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો પૂલ તૂટી પડતા 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાને એક વર્ષ થયા બાદ આ મામલે સરકારે રચેલી SIT-સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ અહેવાલ ગુજરાત હાઇકોર્ટ સામે રજૂ કરવામાં આવ્યો છે. 5000 પાનાના આ રિપોર્ટમાં દુર્ઘટના માટે ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ સહિત આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા કંપનીના કેટલાક કર્મચારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ અકસ્માત નહી હત્યા છે. એટલે આરોપીઓ સામેની કાર્યવાહીમાં 302ની કલમ ઉમેરાવી જોઇએ તેમ રિપોર્ટમાં જણાવાયું છે.
રિપોર્ટમાં સામે આવ્યું છે કે બ્રિજ પર જવા માટે લોકોની નિર્ધારિત સંખ્યા બાબતે કોઇ ધારાધોરણો ન હતા. ઝુલતા બ્રિજના રિનોવેશન બાદ કોઇ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં નહોતો આવ્યો. ઓરેવા કંપનીએ મોરબી નગરપાલિકાને જાણ કર્યા વગર બારોબાર બ્રિજ ખુલ્લો મુકી દીધો હતો. ટિકિટના વેચાણ પર કોઇ નિયંત્રણ ન હતું. તેમજ બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષાકર્મીઓનો અભાવ હતો. આ તમામ વિગતોનો ઉલ્લેખ રિપોર્ટમાં કરાયો છે. હવે આ રિપોર્ટનો હાઇકોર્ટમાં અભ્યાસ હાથ ધરવામાં આવશે અને તે બાદ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.