સ્પોર્ટસ

અમારે રિષભ પંતને કેમેય કરીને ખરીદવો જ હતો, દિલ્હીને આપવો જ નહોતોઃ ગોયેન્કા

જેદ્દાહ (સાઉદી અરેબિયા): ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના અહીં આયોજિત મેગા ઑક્શનમાં રવિવારે વિકેટકીપર-બૅટર રિષભ પંત 27 કરોડ રૂપિયાના ભાવે આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો ત્યાર બાદ લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના ફ્રૅન્ચાઇઝીની છાવણીમાંથી એવી વાત મળી હતી કે તેઓ પંતને કેમેય કરીને ખરીદવા માગતા હતા અને દિલ્હી કૅપિટલ્સ પંતને પાછો મેળવી લે એ નહોતા ઇચ્છતા.

લખનઊના ફ્રૅન્ચાઇઝીએ તેને રવિવારે તીવ્ર રસાકસીમાં છેવટે 27 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. પંતને લખનઊએ મેળવી લીધો ત્યાર બાદ લખનઊની ટીમના માલિક સંજીવ ગોયેન્કાના પુત્ર અને આરપીએસજી ગ્રૂપના ડિરેકટર શાશ્વત ગોયેન્કાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે `તમે ગમે એ પ્લાન કરી રાખો, પણ તમે નક્કી કર્યું હોય એ રીતે બધુ બનતું નથી હોતું.

અમે આ પ્લાન (પંતને 27 કરોડ રૂપિયા જેટલા ઊંચા ભાવે પણ ખરીદી લેવાની યોજના) ઘડી જ રાખ્યો હતો. અમે કોઈ પણ નંબરને જાદુઈ નહોતા માનતા. અમે પંતને કોઈ પણ રીતે ખરીદી જ લેવા માગતા હતા. ખાસ કરીને અમે તેનો ભાવ એટલો બધો ઊંચો લઈ જવા માગતા હતા કે તેને ખરીદવા માટે રાઇટ-ટુ-મૅચ (આરટીએમ)નો ઉપયોગ થઈ જ ન શકે.

આપણ વાંચો: લલિત મોદીએ ઇંગ્લૅન્ડની જાણીતી લીગ વિશે ચોંકાવનારું નિવેદન આપી દીધું!

પંતનું નામ હરાજીમાં બોલાયું ત્યારે મોટી ચીસો પાડીને તેના નામને વધાવી લેવામાં આવ્યું હતું. લખનઊએ દિલ્હી કૅપિટલ્સના આ ભૂતપૂર્વ સુકાનીને મેળવવા શરૂઆત કરી હતી. બેન્ગલૂરુ, હૈદરાબાદ અને દિલ્હીના માલિકોની હરીફાઈ વચ્ચે લખનઊનું ફ્રૅન્ચાઇઝી પંતને ખરીદવામાં મેદાન મારી ગયું હતું.

દિલ્હીને પંતને પાછો મેળવવા રાઇટ-ટુ-મૅચ (આરટીએમ)નો વિકલ્પ ઉપયોગમાં લેવો હતો, પણ લખનઊના માલિકો પંતનો ભાવ 27 કરોડ રૂપિયા સુધી ઊંચે લઈ જતાં દિલ્હીએ બૅક-આઉટ કર્યું હતું અને લખનઊએ પંતને મેળવી લેતાં આ ટીમના માલિક ગોયેન્કાએ વિજયી સેલિબે્રશન કર્યું હતું. તેમના ફ્રૅન્ચાઇઝીએ પંતને 27 કરોડ રૂપિયાના રેકૉર્ડ-બે્રક ભાવે ખરીદી લીધો હતો.

લખનઊએ કેએલ રાહુલને હરાજીમાં મૂકી દીધો હોવાથી હવે પંતને સુકાની બનાવાશે એવી પાકી સંભાવના છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button