દેવેન્દ્ર ફડણવીસ ફરી બનશે મુખ્ય પ્રધાન?
જ્વલંત વિજય બાદ મહાયુતિમાં ટોચના પદ માટે ખેંચતાણની શક્યતા: ત્રણ ત્રણ મુખ્ય પ્રધાનપદના દાવેદાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરી દીધું છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે સીધો મુકાબલો હતો. મહારાષ્ટ્રમાં શું થશે તેની વિવિધ આગાહીઓ કરવામાં આવી હતી અને એક્ઝિટ પોલમાં પણ મહાયુતિ જીતશે તેવી આગાહી કરવામાં આવી હતી. પરંતુ એક્ઝિટ પોલમાં વધુમાં વધુ 160 બેઠકોની આગાહી કરવામાં આવી હતી. કેટલાક એક્ઝિટ પોલ્સે એમ પણ કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી સત્તામાં આવશે, પરંતુ વાસ્તવમાં મહાયુતિને અભૂતપૂર્વ સફળતા મળી છે. મહાયુતિએ 236 સીટો જીતી છે. હવે સવાલ એ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે?
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભાજપની જીત પાછળ સંઘે કેવી રીતે નીભાવ્યો મહત્ત્વનો રોલ?
288 બેઠકોમાંથી મહાયુતિએ 239 બેઠકો પર જીત મેળવી છે. આ પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે મહાયુતિનો મુખ્ય પ્રધાન ભાજપનો જ રહેશે. પરંતુ નામ હજુ પણ ગુપ્ત રાખવામાં આવ્યું છે. એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્ય પ્રધાનપદ માટે કોઈ ફોર્મ્યુલા ઘડવામાં આવી નથી.
મુખ્ય પ્રધાનપદને લઈને અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં સીધું કહ્યું છે કે આ પદને માટે કોઈ માપદંડ નિર્ધારિત કરવામાં આવ્યા નથી અને તેની પસંદગી એવા કોઈ માપદંડને આધારે કરવામાં આવશે નહીં. આ પદ કોને આપવામાં આવે તે ત્રણેય પક્ષોના નેતાઓ નક્કી કરશે. એકનાથ શિંદે, અજિત પવાર અને અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મળીને નિર્ણય કરશે. અમારી વચ્ચે કોઈ વિવાદ નથી, એમ દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું છે કે નિર્ણય દરેકને સ્વીકાર્ય હશે.
આ પણ વાંચો: ચૂંટણી પરિણામોનું ચોંકાવનારું ગણિતઃ 57 બેઠકવાળી શિંદેસેના કરતા 16 બેઠકવાળી કૉંગ્રેસનો વૉટશેર વધુ
મહાયુતિમાં કઈ પાર્ટીની તાકાત કેટલી?
ભાજપ-132 વિધાનસભ્ય
શિવસેના (એકનાથ શિંદે)- 57 વિધાનસભ્ય
એનસીપી (અજિત પવાર) 41 વિધાનસભ્ય
અન્ય 9
કુલ 239
રાજકારણમાં કયું સૂત્ર શક્ય છે?
રાજકારણમાં ગઠબંધનની સ્થિતિ હોય ત્યારે જે પક્ષ પાસે સૌથી વધુ બેઠકો હોય તેનો મુખ્ય પ્રધાનની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે છે, પરંતુ હાલમાં આવી કોઈ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી નથી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તેથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે કે નહીં? તે પ્રશ્ર્ન હજુ પણ ઉભો છે, કારણ કે ભાજપ અથવા મહાયુતિ દ્વારા હજુ સુધી કોઈના નામની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ 132 ભાજપના વિધાનસભ્ય હોવાથી જો આપણે મહાયુતિમાં સંખ્યાત્મક તાકાતને ધ્યાનમાં લઈએ, તો ભાજપનો પહેલો દાવો હોઈ શકે છે.
શું શક્યતાઓ હોઈ શકે?
1) મહારાષ્ટ્રમાં ભાજપ સતત ત્રીજી વખત સૌથી મોટી પાર્ટી બની છે, તેથી મુખ્ય પ્રધાન પદ ભાજપ પાસે જઈ શકે છે. જો તેમ થશે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે. આમાં એકનાથ શિંદે અને અજિત પવારને મહત્ત્વના પ્રધાનપદાં આપીને મનાવી લેવાશે.
2) એકનાથ શિંદેએ જ્યારે ભાજપ વિપક્ષમાં હતો ત્યારે બળવો કર્યો હતો અને ભાજપને સરકારમાં લાવીને બેસાડ્યા હતા, આ બાબત ધ્યાનમાં રાખીને તેમને ફરી એકવાર મુખ્ય પ્રધાન બનાવી શકાય.
3) એકનાથ શિંદે અને અજિત પવાર બંનેને અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન પદ આપવામાં આવી શકે છે. કારણ કે ભાવિ મુખ્ય પ્રધાન તરીકે અજિત પવારના બેનરો મુંબઈ સહિત અનેક જગ્યાએ લગાવવામાં આવ્યા છે. આવી જ રીતે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ અઢી-અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન બને અને અજિત પવાર પૂરા પાંચ વર્ષ માટે નાયબ મુખ્ય પ્રધાન બને.
4) હજી એક શક્યતા એવી છે કે દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાનપદ અને એકનાથ શિંદે અને અજિત પવારને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવશે.
આ ચાર શક્યતાઓ ઓછામાં ઓછી અત્યારે તો સામે છે. પરંતુ ભાજપ શું નિર્ણય લેશે? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? આ જોવાનું મહત્વનું બની રહેશે.
સંખ્યાબળને માન આપવું કે શિંદેનું સન્માન કરવું?
ભાજપ મુખ્યપ્રધાન પદ પર દાવેદારી કરી રહી હોવા છતાં પ્રથમ અઢી વર્ષ સુધી મુખ્ય પ્રધાનપદ એકનાથ શિંદેને આપવું એવી માગણી થઈ છે. દિલ્હીમાં ભાજપના નેતાઓ શું નિર્ણય લે છે તેના પર બધુ નિર્ભર છે.
મહાયુતિની સફળતામાં ભાજપની મુખ્ય ભૂમિકા રહી હોવાથી તેમનો મુખ્ય પ્રધાન બનશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જો કે, એક વિશ્ર્વાસપાત્ર સૂત્ર પાસેથી એવી માહિતી મળી છે કે એકનાથ શિંદેની શિવસેનાએ આગ્રહ રાખ્યો છે કે મુખ્ય પ્રધાનપદ અઢી વર્ષ માટે વહેંચાયેલું હોવું જોઈએ અને શિંદે પ્રથમ અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન હોવા જોઈએ. આ ચૂંટણીઓ શિંદેના નેતૃત્વમાં લડવામાં આવી હતી. તેથી ભાજપ પાસે મોટી બહુમતી હોવા છતાં અઢી વર્ષ રાહ જોવી પડે તેવી સ્થિતિ પક્ષની આગળ મૂકવામાં આવી હોવાનું સમજાય છે.
શિવસેનામાં વિભાજન બાદ 105 વિધાનસભ્ય હોવા છતાં ભાજપે શિંદેને મુખ્ય પ્રધાન પદ સોંપ્યું હતું. ભાજપનું કાવતરું ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાને નબળી પાડવાનું હતું. તે વિધાનસભાના પરિણામથી સફળ સાબિત થયું છે. પરિણામે શિંદેને ફરીથી મુખ્ય પ્રધાનપદ આપવાની જરૂર નથી એવી રજૂઆત થઈ રહી છે.
બીજી તરફ જાતિ આધારિત બાબતોને ધ્યાનમાં રાખતાં એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન પદે જાળવી રાખવા જોઈએ એવો પ્રસ્તાવ મુકવામાં આવી શકે છે. લોકસભાની ચૂંટણી જેમ મરાઠા સમુદાયની નારાજીની અસર વિધાનસભા ચૂંટણીમાં પડી નથી. આ તમામ મુદ્દાઓ પર વિચાર કરી શકાય છે. દિલ્હીમાં ભાજપનું નેતૃત્વ કેવું અને શું વિચારે છે તેના પર બધું નિર્ભર છે.