અમે સફળ કૅપ્ટન શ્રેયસને ખરીદ્યો એનો મને બેહદ આનંદ છેઃ પંજાબના હેડ-કોચ રિકી પૉન્ટિંગ
જેદ્દાહ (સાઉદી અરેબિયા): ભારતીય બૅટર અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી અનેક શાનદાર પર્ફોર્મન્સ કરી ચૂકેલા શ્રેયસ ઐયરને રવિવારે અહીં આઇપીએલના મેગા ઑક્શનમાં પંજાબ કિંગ્સના ફ્રૅન્ચાઇઝીએ 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો ત્યાર બાદ આ ટીમના નવા હેડ-કોચ રિકી પૉન્ટિંગે એક મુલાકાતમાં કહ્યું, `મેં હરાજી પહેલાં શ્રેયસ ઐયર સાથે ફોન પર વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના ફોન પર રિંગ જતી હતી એટલે મેં તેની સાથે પછીથી વાત કરવાનું નક્કી કર્યું હતું. હા, એક વાત ચોક્કસ છે કે આઇપીએલનો તે સફળ કૅપ્ટન રહી ચૂક્યો છે એટલે તેને અમારે મેળવવો જ હતો. દિલ્હી કૅપિટલ્સની ટીમમાં ત્રણ-ચાર વર્ષ હું તેની સાથે સંકળાયેલો હતો એટલે તેની ખાસિયતો વિશે સારી રીતે જાણું છું. હવે ફરી તેની સાથે નવી ટીમમાં સંકળાઈ રહ્યો છું એનો મને આનંદ છે.’
આ પણ વાંચો: આઇપીએલ-ઑક્શનના પ્રારંભિક તબક્કામાં કોણે કોને ખરીદ્યો, જાણી લો…
2024ની આઇપીએલનો ચૅમ્પિયન કૅપ્ટન અને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)નો ભૂતપૂર્વ સુકાની શ્રેયસ ઐયર ક્રિકેટ જગતની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટની હરાજીમાં બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને રવિવારે પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં મેળવી લીધો હતો.
આ પહેલાં કોઈ પ્લેયર પચીસ કરોડ રૂપિયામાં પણ નહોતો ખરીદવામાં આવ્યો. ગયા વર્ષે કોલકાતા દ્વારા મિચલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો જે નવો વિક્રમ હતો. જોકે શ્રેયસે તેને પણ ઓળંગીને આઇપીએલના ઇતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે અને ત્યાર પછી લખનઊના ફ્રૅન્ચાઇઝીએ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદીને શ્રેયસના નામે થોડી જ ક્ષણો પહેલાં બનેલો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.
આ પણ વાંચો: અમારે રિષભ પંતને કેમેય કરીને ખરીદવો જ હતો, દિલ્હીને આપવો જ નહોતોઃ ગોયેન્કા
શ્રેયસ હાલમાં ભારતીય ટીમની બહાર છે, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનો ડંકો ખૂબ વાગી રહ્યો છે. શનિવારે તેના અણનમ 130 રનની મદદથી મુંબઈએ હૈદરાબાદમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગોવા સામેની મૅચ જીતી લીધી હતી. શ્રેયસે એ અણનમ 130 રન 57 બૉલમાં 10 સિક્સર અને 11 ફોરની મદદથી બનાવ્યા હતા.
શ્રેયસને ખરીદવા હરાજીમાં જોરદાર હરીફાઈ જામી હતી.
2024ની આઇપીએલના વિજેતા સુકાનીએ પોતાને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં મૂક્યો હતો. પંજાબે તેના નામ પરના બિડિંગમાં ઝૂકાવ્યા બાદ કોલકાતાએ પણ ઝૂકાવ્યું હતું. પંજાબ હટી ગયા બાદ કોલકાતાને કેમેય કરીને શ્રેયસ પાછો ખરીદવો જ હતો. જોકે ડવેઇન બ્રાવો સહિતની કોલકાતાના ડેસ્ક પરની ટીમે શ્રેયસ માટે 7.25 કરોડ રૂપિયાનું બિડ બતાવ્યા બાદ સ્પર્ધામાંથી નીકળી જવાનું પસંદ કર્યું હતું. એ તબક્કે દિલ્હીએ એન્ટ્રી કરી હતી અને પંજાબે રી-એન્ટ્રી કરી લેતાં દિલ્હી-પંજાબ વચ્ચે રસાકસી જામી હતી. આ હરાજીમાં પંજાબના માલિકો ખેલાડીઓને ખરીદવા સૌથી વધુ 110.50 કરોડ રૂપિયા લઈને આવ્યા હોવાથી શ્રેયસને કોઈ પણ કાળે ખરીદી લેવા મક્કમ બન્યા હતા. ધીમે-ધીમે દિલ્હી-પંજાબ વચ્ચેના બિડ-યુદ્ધમાં શ્રેયસનો ભાવ 20 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો હતો. પંજાબે શ્રેયસને 24.25 કરોડ રૂપિયામાં ખરીદવાની તૈયારી બતાવી હતી, પરંતુ દિલ્હીએ 24.50 કરોડના ભાવ સાથે ધડાકો કર્યો અને પંજાબે નવો દાવો કર્યો એટલે શ્રેયસનો ભાવ 25.00 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો અને તે આઇપીએલના ઇતિહાસમાં પચીસ કરોડ રૂપિયાના ભાવે પહોંચનારો પ્રથમ ખેલાડી બન્યો હતો.
છેવટે દિલ્હીએ શ્રેયસને 26.00 કરોડમાં ખરીદવાની તૈયારી દેખાડી હતી, પણ પંજાબે હરીફાઈને વધુ ઉગ્ર બનાવીને છેવટે શ્રેયસને 26.75 કરોડ રૂપિયાના ભાવે મેળવી લીધો હતો.
આઇપીએલના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓ કોણ?
(1) રિષભ પંત, લખનઊ, 2025ની સીઝન, 27 કરોડ રૂપિયા
(2) શ્રેયસ ઐયર, પંજાબ, 2025ની સીઝન, 26.75 કરોડ રૂપિયા
(3) મિચલ સ્ટાર્ક, કોલકાતા, 2024ની સીઝન, 24.75 કરોડ રૂપિયા
(4) પૅટ કમિન્સ, હૈદરાબાદ, 2024ની સીઝન, 20.50 કરોડ રૂપિયા