કવર સ્ટોરી ઃ લાડકી બહેનોએ તારી દીધા ‘મહાયુતિ’ના ભાઈઓને..!
-વિજય વ્યાસ
મહારાષ્ટ્રમાં ‘મહાયુતિ’એ ધાર્યો નહોતો એવો એમને મહા-વિજય મળ્યો. લોકસભાની ચૂંટણીમાં જોરદાર પછડાટ ખાધાં પછી જબરી વ્યૂહરચનાને લીધે વિધાનસભામાં સત્તાવાપસી થઈ છે… ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારનાં ભાવિ સામે હવે પ્રશ્ર્નાર્થ છે – સત્તામાં કદાચ શિંદે સાથે રહી શકે, પણ ભાજપને હવે અજિત પવારની જરૂર નથી….!
ઝારખંડમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નથી મળી. ‘જેએમએમ’-કૉંગ્રેસ-આરજેડીના મોરચાને ફરી સ્પષ્ટ બહુમતી મળતાં એમની આબરૂ સચવાઈ ગઈ છે.
મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં. મહારાષ્ટ્રમાં ભાજપે જબરદસ્ત દેખાવ કરીને સપાટો બોલાવી દીધો. ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિએ મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકોમાંથી ૨૦૦ કરતાં વધારે બેઠકો જીતીને ઝળહળતી સત્તાવાપસી કરી છે.
મહાયુતિમાં પણ ભાજપે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં જીતેલી ૧૦૫ બેઠકો કરતાં ૨૮ બેઠકો વધારે જીતીને ૧૩૩ બેઠકો સાથે સૌથી શાનદાર દેખાવ કર્યો છે.
બીજી તરફ, એકનાથ શિંદેની ‘શિવસેના’ અને અજીત પવારની ‘એનસીપી’એ પણ સારો દેખાવ કર્યો છે એ સ્વીકારવું પડે, તો લોકસભાની ચૂંટણીમાં સપાટો બોલાવનારી ‘મહાવિકાસ અઘાડી’ (એમવીએ)નાં સૂપડાં સાફ થઈ ગયાં છે. ‘એમવીએ’ના ત્રણ પક્ષ ભેગા મળીને ૧૦૦નો આંકડો પણ પાર કરી શક્યા નથી.
મહારાષ્ટ્રમાં ભાજપની આ જીત મોટી છે કેમ કે માત્ર છ મહિનામાં જ ભાજપે બાજીને પોતાની તરફ પલટી છે. ભાજપે જોરદાર વ્યૂહરચના સાથે પોતે લડ્યો હતો એવી બેઠકો પર કબજો કરીને મુખ્ય મંત્રીપદ પર પણ કબજો કર્યો છે. શિંદે ‘શિવસેના’ છોડીને આવેલા ત્યારે ભાજપે મજબૂરીને ખાતર એમને મુખ્ય મંત્રી બનાવવા પડેલા.
આ વખતે ભાજપની એવી કોઈ મજબૂરી નથી એ જોતાં મુખ્ય મંત્રીપદ ભાજપને મળશે એ સ્પષ્ટ છે. હા, એકનાથ શિંદે આડા ફાટે તોપણ. ભાજપ અજીત પવારને સાથે રાખીને સરકાર રચી શકે એવી સ્થિતિમાં છે તેથી મહારાષ્ટ્રમાં ભાજપના બેઉ હાથમાં લાડુ છે.
મહારાષ્ટ્રનાં પરિણામોએ કૉંગ્રેસને સ્તબ્ધ કરી દીધો છે કેમ કે કૉંગ્રેસ જીતવાની આશા રાખીને બેઠેલો, પણ શાસક પક્ષની ‘લાડલી બહેના’ અને ઈન્ટર્નશિપ યોજના જેવાં વચનોએ ભાજપને ફાયદો કરાવ્યો છે.
આ બધા વચ્ચે, ઉદ્ધવ ઠાકરેની ‘શિવસેના’એ રાબેતા મુજબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગરબડ કરી હોવાનો આક્ષેપ મૂક્યો છે, પણ તેનો અર્થ નથી. ‘ગૌતમ અદાણીના પૈસાના જોરે ભાજપ જીત્યો છે’ એવા આક્ષેપ પણ થયા છે, જોકે આવા આક્ષેપ સાવ અર્થહીન છે, કારણ કે તેના કોઈ પુરાવા નથી. સંજય રાઉત આ પ્રકારના આક્ષેપો કરવા માટે કુખ્યાત છે તેથી એમની વાતને કોઈ ગંભીરતાથી લેતું નથી.
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કરનારી પાર્ટી ધોવાઈ જાય એવું પહેલાં પણ બન્યું છે. ૧૯૯૯માં લોકસભાની ચૂંટણી વખતે ‘શિવસેના’ અને ભાજપ સાથે મળીને લડેલાં જ્યારે કૉંગ્રેસ અને ‘એનસીપી’ અલગ અલગ લડેલાં, એ વખતે ભાજપને ૧૫ અને શિવસેનાને ૧૩ મળીને કુલ ૨૮ બેઠક જીતી હતી, જ્યારે કૉંગ્રેસે ૧૦ અને ‘એનસીપી’એ ૬ મળીને ૧૬ બેઠક જીતી હતી.
એ વખતે લાગતું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં પણ ‘એનડીએ’ને સ્પષ્ટ બહુમતી મળશે અને શિવસેના-ભાજપ ફરી સત્તામાં આવી જશે, પણ વિધાનસભાની ચૂંટણીમાં બાજી પલટાઈ ગઈ હતી.
કૉંગ્રેસ અને ‘એનસીપી’ વિધાનસભાની ચૂંટણીમાં પણ અલગ અલગ લડ્યાં હતાં, છતાં ભાજપ-‘શિવસેના’ને પછડાટ મળી હતી. કૉંગ્રેસે એકલા હાથે ૭૫ અને એનસીપીએ ૫૮ બેઠક મેળવી હતી. આ પરિણામ પછી કૉંગ્રેસ અને ‘એનસીપી’એ હાથ મિલાવી લીધા અને ૧૫ વર્ષ સુધી રાજ કર્યું હતું.
૨૦૧૪માં નરેન્દ્ર મોદીની લહેર આવી ત્યારે કૉંગ્રેસ-એનસીપીને હાર મળી, બાકી ત્યાં સુધી આ જોડાણ અજેય મનાતું હતું. ભાજપે આ અજેય જોડાણને પછાડીને સત્તા કબજે કરી પછી એક દાયકો ભાજપના વર્ચસ્વનો રહ્યો હતો.
આ વખતે પણ એ જ ઈતિહાસ દોહરાવાયો છે કેમ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ બહુ ખરાબ રીતે ધોવાઈ ગઈ હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર ૯ બેઠકો મળી ને ૧૪ બેઠકો ઘટી હતી. ભાજપના સાથીઓમાં એકનાથ શિંદેની ‘શિવસેના’ની ૭ જ્યારે અજીત પવારની ‘એનસીપી’ને માત્ર ૧ બેઠક મળી હતી.
કુલ મળીને મહારાષ્ટ્રની લોકસભાની ૪૮ બેઠકમાંથી મહાયુતિ ત્રીજા ભાગની એટલે કે ૧૭ બેઠક જીતી શકી હતી. તેની સામે કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની ‘મહાવિકાસ અઘાડી’નો દેખાવ જબરદસ્ત હતો. કૉંગ્રેસે ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં માત્ર ૧ બેઠક જીતી હતી ને ૨૦૨૪માં સીધી ૧૩ પર પહોંચી ગઈ. શરદ પવારની ‘એનસીપી’ પાસે એક પણ સાંસદ નહોતો બચ્યો ને છતાં પોતે લડેલી ૧૦ બેઠકમાંથી ૮ બેઠક એ ખૂંચવી ગઈ હતી, જ્યારે ઉદ્ધવ ઠાકરેની ‘શિવસેના’ને ૯ બેઠક પર જીત મળી હતી.
આમ ‘મહાવિકાસ અઘાડી’ (એમવીએ) કુલ ૩૦ બેઠક જીતીને છવાઈ ગઈ ત્યારે લાગતું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં પણ ‘એમવીએ’ સપાટો બોલાવશે, પણ આજે પરિણામ સાવ અલગ જ આવ્યાં છે.
ભાજપ માટે વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉત્તર પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળ પણ મહત્વનાં હતાં. ઉત્તર પ્રદેશમાં પણ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની જેમ ભાજપનું ભારે ધોવાણ થયું હતું. સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસે ભેગા મળીને ભાજપના ભુક્કા બોલાવી દીધા હતા, પણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર છે. યુપીમાં ૯ બેઠકની પેટાચૂંટણી હતી ને તેમાંથી ભાજપે ૭ બેઠક જીતી છે.
આ પરિણામો સ્પષ્ટ રીતે એક વાતનો સંકેત આપે છે કે યુપીની પ્રજા યોગી આદિત્યનાથને હજુય પસંદ કરે છે, પણ ભાજપના કેન્દ્રીય નેતૃત્વથી નારાજ છે. ભાજપમાં નરેન્દ્ર મોદી પછી અમિત શાહને વડા પ્રધાન પદ પર બેસાડવાની હિલચાલ ચાલી રહી છે જ્યારે ભાજપના કાર્યકરોનો મોટો વર્ગ યોગી આદિત્યનાથને મોદીના સાચા વારસ માને છે.
અમિત શાહને આગળ કરવાના પ્રયાસો સામે યુપીના મતદારોએ લોકસભાની ચૂંટણી વખતે નારાજગી બતાવી હતી, પણ અત્યારે ફરી યુપી યોગી આદિત્યનાથની સાથે થઈ ગયું છે. રાજસ્થાનમાં પણ લોકસભાની ચૂંટણીમાં પીછેહઠ પછી ભાજપ ફરી બેઠી થઈ ગઈ છે અને શાનદાર જીત મેળવી છે.
ભાજપ માટે પશ્ર્ચિમ બંગાળ પણ મહત્ત્વનું છે. બંગાળમાં પણ છ બેઠક માટે મતદાન હતું ને તમામ છ બેઠકો પર મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ જીતી છે. તેનો અર્થ એ થયો કે, ભાજપ પાસે બંગાળમાં મમતાને હરાવવાનો કોઈ તોડ નથી.
ભાજપે કોલાકાતાની આર.જી. કર હૉસ્પિટલમાં ટ્રેની ડૉક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાના મામલાને ચગાવવામાં કોઈ કસર નહોતી છોડી, પણ એ મુદ્દો પણ મમતાને હરાવવામાં કામ આવ્યો નથી. મમતા હજુય બંગાળમાં અજેય છે એ વાત સાબિત થઈ ગઈ છે.
જોકે ગુજરાતમાં ભાજપને જોરદાર સફળતા મળી છે. ગેનીબહેન ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનું ખાતું ખોલાવીને ભાજપને આંચકો આપેલો. ગેનીબહેને ખાલી કરેલી બેઠક કૉંગ્રેસ પાસેથી આંચકીને ભાજપે રંગ રાખ્યો છે.
આ બધા વચ્ચે, ઝારખંડમાં ભાજપ સ્પષ્ટ બહુમતીની આશા રાખતો હતો. સ્પષ્ટ બહુમતી નથી મળી. કૉંગ્રેસ અને ‘ઝારખંડ મુક્તિ મોરચા’ (જેએમએમ) ને સ્પષ્ટ બહુમતી મળતાં એમની આબરૂ સચવાઈ છે.
‘જેએમએમ’ અને કૉંગ્રેસ-આરજેડીના મોરચાને સ્પષ્ટ બહુમતી મળતાં ફરી હેમંત સોરેન મુખ્ય મંત્રી બનશે. હેમંત સોરેનને જેલમાં પૂર્યા કે ચંપઈ સોરેનને ભાજપમાં લઈ અવાયા તેનો ભાજપને બહુ મોટો ફાયદો મળ્યો નથી.
આજે જે બીજાં પરિણામો આવ્યાં છે તેમાં વાયનાડમાંથી પ્રિયંકા વાડરાની જીત અપેક્ષિત છે. બીજી બેઠકોનો બહુ ઉલ્લેખ કરવા જેવો નથી, પણ એકંદરે આ પરિણામોમાં ભાજપ સિકંદર સાબિત થયો છે. ઉદ્ધવ ઠાકરેના ભાવિ સામે પ્રશ્ર્નાર્થ છે ને એ જ હાલત શરદ પવારની છે. ભાજપ કોરાણે મૂકી દે તો અજીત પવાર પણ લટકી શકે છે કેમ કે શિંદે સાથે રહે તો ભાજપને હવે અજીત પવારની જરૂર નથી…!
આમ છતાં, સત્તાના ખરા દાવપેચ તો કાલથી ખેલાવાના શરૂ થઈ જશે.