નેશનલ

સંસદ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક; અદાણી મામલે વિપક્ષ સરકારને ઘેરશે

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર આવતી કાલે શરુ થવાનું છે, આ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં વકફ સુધારા બિલ સહિત 16 બિલ ગૃહમાં (Parliament winter session) રજુ થવાના છે. આ સત્ર દરમિયાન વિપક્ષે સરકારને ઘેરવાની યોજના બનાવી છે, સત્ર દરમિયાન અદાણી સામેના આરોપો મુખ્ય મુદ્દો બની શકે છે. સત્રની શરૂઆત પહેલા આજે રવિવારે સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી.

આ મામલે વિપક્ષ સરકારને ઘેરશે:

સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે અદાણી ગ્રુપ પર અમેરિકાએ લગાવેલા લાંચના આરોપો પર ચર્ચાની માંગ કરી હતી. આ ઉપરાંત વિપક્ષી પાર્ટીઓએ મણિપુર હિંસા, ઉત્તર ભારતમાં વધી રહેલા પ્રદૂષણ અને રેલ અકસ્માતો પર ચર્ચાની પણ માંગ કરી હતી.

કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ સરકારને અદાણી જૂથ સામેના લાંચના આરોપો પર સંસદમાં ચર્ચા કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે સોમવારે સંસદની બેઠકમાં આ મુદ્દો સૌથી પહેલા ઉઠાવવામાં આવે. આ દેશના આર્થિક હિત સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. કંપનીએ તેના સોલાર પાવર પ્રોજેક્ટ્સ માટે ડીલ મેળવવા માટે રાજકારણીઓ અને અધિકારીઓને રૂ. 2,300 કરોડ ચૂકવ્યા હોવાના આરોપ છે.

પ્રમોદ તિવારીએ કહ્યું કે કોંગ્રેસ ઉત્તર ભારતમાં ગંભીર વાયુ પ્રદૂષણ, નિયંત્રણ બહાર થઇ ગયેલી મણિપુરની સ્થિતિ અને રેલ અકસ્માતો જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવા માંગે છે.

આપણ વાંચો: 25 નવેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, આ કારણે 75 વર્ષ જૂની યાદ થશે તાજી…

બેઠકમાં આ નેતાઓ હાજર:

આ બેઠક સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજિજુએ બોલાવી હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને ગૌરવ ગોગોઈ, ટી શિવા, હરસિમરત કૌર બાદલ અને અનુપ્રિયા પટેલે હાજરી આપી હતી.

વકફ બીલ રજુ કરાશે:

વક્ફ (સુધારા) બિલને વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. જેના માટે રચાયેલી JPCને શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે તેનો અહેવાલ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. સમિતિના વિપક્ષી સભ્યો સમિતિનો અહેવાલ રજૂ કરવાની સમયમર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલ સમિતિની બેઠકોમાં વિક્ષેપ પાડી રહ્યા છે.

આપણ વાંચો: સંસદનું શિયાળુ સત્રઃ સાંસદોએ તાળીઓ પાડીને પીએમ મોદીનું સ્વાગત કર્યું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button