‘ઈતિહાસ ડી વાય ચંદ્રચુડને ક્યારેય માફ નહીં કરે’, સંજય રાઉતે હારનું ઠીકરું પૂર્વ CJI પર ફોડ્યું

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર (Maharashtra Election Result) થઇ ગયા છે. લોકોમાં રાજ્ય સરકાર પ્રત્યે નારાજગીના અહેવાલો છતાં મહાયુતિ ગઠબંધન (Mahayuti Alliance)ને મોટી જીત મેળવી છે, જ્યારે મહાવિકાસ અઘાડી(MVA)ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષો હારના કરાણો શોધી રહી છે, એવામાં શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે (Sanjay Raut) ચૂંટણી પરિણામો અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે મહાવિકાસ અઘાડીની હાર માટે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને જવાબદાર ઠેરવ્યા હતાં.
પરિણામ ચોંકાવનારા:
મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, “મહારાષ્ટ્ર ચુંટણીના પરિણામો ખૂબ જ ચોંકાવનારા છે. કોઈની લહેર નહોતી, કોઈને આવા પરિણામની અપેક્ષા નહોતી. મહારાષ્ટ્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહને કેમ મત આપે? મહારાષ્ટ્રમાં સમગ્ર ચૂંટણી પ્રચાર નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ ચાલ્યો કારણ કે તેઓએ અહીંનો ઉદ્યોગોને ગુજરાતમાં શિફ્ટ કર્યા હતાં.”
પૂર્વ CJI ડી વાય ચંદ્રચુડ પર આરોપ:
સંજય રાઉતે કહ્યું, “જે પરિણામો આવ્યા તેના માટે પૂર્વ CJI ડી વાય ચંદ્રચુડ જ જવાબદાર છે. તેણે સમયસર પોતાનો ચુકાદો ન આપ્યો, 40 લોકોએ બેઈમાની કરી હતી. તેઓ જે પક્ષમાંથી ચૂંટાઈને આવ્યા હતાં, તેઓ બીજા પક્ષ સાથે સત્તામાં ચાલ્યા ગયા હતા. તમારી જવાબદારી બંધારણની રક્ષા કરવાની છે. જો તમે ચુકાદો આપ્યો હોત તો કોઈએ આગળ વધવાની હિંમત ન કરી હોત. તમે બારી અને દરવાજા ખુલ્લા રાખીને નિવૃત્ત થઇ ચાલ્યા ગયા. હવે કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે પાર્ટી બદલી શકે છે અથવા પોતાની પાર્ટી છોડીને સરકાર બનાવી શકે છે. ઈતિહાસ ચંદ્રચુડ સાહેબને ક્યારેય માફ નહીં કરે.”
આ પણ વાંચો વકફ બિલ પાસ કરાવવા સરકાર કરી રહી છે તૈયારી? વડાપ્રધાને ભાષણમાં આપ્યા સંકેત….
ચૂંટણી પરિણામ:
મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનને 234 સીટો પર જીત મળી છે જ્યારે મહાવિકાસ અઘાડીમાત્ર 50 સીટો પર જીત મેળવી શકી. મહાગઠબંધનમાં સામેલ ભાજપે 132 બેઠકો, શિવસેનાએ 57 બેઠકો અને એનસીપીએ 41 બેઠકો જીતી છે.