કેન્વાસ: ડિવોર્સ – આપણા સમાજની ‘નવી’ પરંપરા?
-અભિમન્યુ મોદી
ટ્રેજેડી એ છે કે આપણે કોઈ ડિવોર્સી સ્ત્રી કે ડિવોર્સી પુરુષને જોઈએ એટલે આપણી આંખના કેટેરેક્ટની આગળ ‘કેરેક્ટર એસસેસિનેશન’ (ચારિત્ર્યહનન)ના લેન્સ લાગી જાય. કોઈના તલાક-છૂટાછેડાને ચરિત્ર સાથે સાંકળવા લાગીએ…
છેલ્લાં દસેક વર્ષમાં આપણા ઘરે જેટલી લગ્નની કંકોત્રી આવી હશે લગભગ એટલી જ સંખ્યામાં આપણે આપણી આજુબાજુ ડિવોર્સનું સાંભળ્યું હશે. લગ્નના છ મહિના થયા હોય કે છ વર્ષ-છૂટાછેડાના સમાચાર અણધાર્યા કપલ પાસેથી પણ આવતા હોય છે.
પહેલાં કોઈ કોઈ તો બ્રેક-અપ પાર્ટી આપતા હવે ડિવોર્સ સેલિબ્રેટ કરતાં થઈ ગયા છે. દુનિયામાં ચિત્રવિચિત્ર કિસ્સા બનતા રહે છે. બોસ્નિયાના એક કપલના છૂટાછેડા થયા. કારણ શું? પત્નીને ખબર પડી કે એનો પતિ થોડા સમય પહેલાં ફેક અકાઉન્ટ બનાવીને કોઈ સ્ત્રી સાથે ચેટિંગ કરતો હતો. પતિએ પણ છૂટાછેડા આપવાની અરજ કરી, કારણ કે પતિ જે સ્ત્રી સાથે ચેટિંગ કરતો હતો એ અકાઉન્ટ એની પત્નીએ જ બનાવેલું હતું… બંને એકબીજા સાથે જ ચેટિંગ કરતા હોવા છતાં, બંનેનાં નામ જુદાં હતાં અને ડિવોર્સ થઈ ગયા.
આ સાચૂકલો કિસ્સો છે, જૉક ભલે લાગે. અમેરિકામાં દર કલાકે એકસો જેટલા ડિવોર્સ ફાઈલ થાય છે. અને એ બધા ફાઈલિંગમાં ઈન્સ્ટાગ્રામ/ફેસબુક શબ્દો અચૂક હોય છે. અત્યાર સુધી સૌથી ઓછો ડિવોર્સ રેટ ધરાવતું ભારત પણ હવે છૂટાછેડાના ગુણોત્તર પ્રમાણમાં કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે.
Also read: સ્પોટ લાઈટ : જુગલ જુગારી’ સદાબહાર મરાઠી નાટકની પ્રેરણા?
૨૦૩૬માં ઑલિમ્પિક અમદાવાદમાં થાય કે નહિ, ડિવોર્સ રેટમાં ભારત અમેરિકા કરતાં આગળ વધી જવાનું છે, કેમ કે જે દેશમાં છૂટાછેડાનું પ્રમાણ વધારે તે દેશમાં સુખાકારીનું પ્રમાણ વધુ…(એવું કહેવાય છે-મનાય છે!) ભારતમાં પણ આવું થશે?
આ વાત સમજવી અઘરી લાગી શકે. છૂટાછેડા કુદરતી પ્રક્રિયા છે, લગ્ન એ અકુદરતી પ્રોસેસ છે, કારણ કે નવ મહિના ગર્ભમાં રહ્યા પછી રડતા રડતા એ બંધનમાંથી છૂટા થવાની જીદ નવજાત શિશુની હોય- એવી તાસીર આ માનવજાતની છે.
માનવી આમ તો ટોળાનું સામાજિક પ્રાણી. સમૂહચારી, પણ એ ફક્ત ખાવા-પીવામાં, પ્રજનનમાં. બાકી પોતાની રીતે રહેવું હોય અને બીજાને પણ પોતાની રીતે રાખવા હોય. આ સ્વભાવ-ગુણ દરેક મનુષ્યના ડીએનએના તાંતણામાં લખાયેલો છે. જોહુકમી તો જ શક્ય બને જો સામે કોઈ આજ્ઞાકારી હોય. માણસો જ બધા મરજીના માલિક હોય તો કઈ રીતે શક્ય બને? માટે લગ્નને અકુદરતી કહીએ તો ખોટું નથી.
કુદરત માણસને લગ્ન કરવાનું નથી કહેતી. લગ્ન માણસનું સંશોધન છે. પોતાની શોધ હોય એટલે ઈગો પણ વધુ હોય માટે તો રંગેચંગે, મરણમૂડી પણ વાપરીને ધામધૂમથી લગ્ન થાય છે. જોકે, આંકડા કહે છે કે જેણે લગ્નમાં વધુ ખર્ચો કર્યો, એના છૂટાછેડા થવાની શક્યતા વધુ.
(અમુક અપવાદ છે આમાં!) વાત વિરોધાભાસી લાગે છે? વિરોધાભાસ નથી, સાદો તર્ક છે, સરળ વિજ્ઞાન છે. સાદો તર્ક લગાવીએ તોપણ સમજી શકાય. બીજી તરફ, ‘એ પાછી આવી છે.’, ‘ક્યાંય ટકતી જ નથી. કુંવારાય એનાં લક્ષણ ક્યાં સારાં હતાં.’, ‘એ માણસમાં જ નથી આવતો.’, ‘એ માવડિયો હતો.’-ડિવોર્સ થાય પછી આવાં કેટલાંય કારણ સાંભળવા મળે. ટ્રેજેડી એ છે કે આપણે કોઈ ડિવોર્સી સ્ત્રી કે ડિવોર્સી પુરુષને જોઈએ એટલે આપણી આંખના કેટેરેક્ટની આગળ ‘કેરેક્ટર એસેસિનેશન’ (ચારિત્ર્યહનન)ના લેન્સ લાગી જાય.
કોઈના તલાક-છૂટાછેડાને ચરિત્ર સાથે સાંકળવા લાગીએ. કા તો લગ્ન પહેલાં લફરેબાજ હશે અને કાં તો છૂટાછેડા પછી ‘અવેલેબલ’ હશે.સત્ય એ છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર લગ્નવિચ્છેદનું નંબર વન કારણ નથી. નંબર વન કારણ છે એકબીજા સાથે થતો ઝઘડો-કંકાશ, જે પૈસો, ઘરકામ કે કુટુંબમાં મળતી છૂટછાટને લઈને થતો હોય છે. કેટલીક વાર મનભેદના પરિણામે પતિ અને પત્ની વચ્ચે ‘વો’ પ્રવેશીને એ બન્ને વચ્ચેના સંબંધમાં ગાબડું પાડી દે છે.
ઘણી પ્રાચીન સંસ્કૃતિઓ કે પુરાતન નગરોમાં છૂટાછેડાનો ક્ધસેપ્ટ-ખ્યાલ હતો જ નહિ. બહુ તો પુરુષ એની સ્ત્રીને છોડી શકે, એથી ઊંધું શક્ય નહોતું. હજારો વર્ષો જૂના ભારતીય ઈતિહાસમાં પણ સ્ત્રીએ છૂટાછેડા લેવા માટે સામેથી પહેલ કરી હોય એવા દાખલા શૂન્યવત્ છે.
લગ્ન તો નિભાવવાનાં જ. ભારતીયોના લોહીમાં આ વાત ઊતરી છે કે છૂટાછેડા થાય તો વધુ ગોસીપ-ચર્ચા સ્ત્રી માટે થાય. પત્ની અકાળે ગુજરી જાય તો એને સ્મશાન સુધી મૂકવા માટે પણ વિધુર નથી જતો, ઈવન, આજની તારીખે. કેમ? કારણ કે બીજાં લગ્ન કરવા હોય છે. બીજાં લગ્ન ભલે કર, પણ પત્નીના મૃતશરીરને છેક સુધી સાથ તો આપ…
ભારતીય સંસ્કૃતિની લગભગ દરેક વાત ભલે ગૌરવ લેવા જેવી લાગે, પણ ડિવોર્સની વાત કરીએ તો આપણો ઈતિહાસ કંઇ ગૌરવવંતો નથી એટલે જ પતિનું જીન્સ-ટીશર્ટ પહેરીને મંદિરા બેદી પતિની નનામીને કાંધ આપે તો ટ્રોલ થવું પડે છે, કારણ કે મોટા ભાગનાં ભારતીય બાળકોએ એનાં મમ્મી-પપ્પાને લડતાં-ઝઘડતાં-માથાકૂટ કરતાં-એકબીજાંનાં કુટુંબીજનો વિશે એલફેલ બોલતાં પણ ક્યારેય છૂટાં ન પડતાં જોયાં છે. પોતાની મમ્મીને જ બધું સહન કરતી અને પરંપરા જાળવતી જોઈ છે
એટલે કોઈ પારકી સ્ત્રી પોતાની મૌલિકતા આચરણમાં મૂકે તો ટિપિકલ મેલ ઈગો હર્ટ થઈ જાય છે. એવું જ આમિર ખાન – કિરણ રાવના કિસ્સામાં બનેલું. ડિવોર્સ પછી એ બંને એકબીજાનો હાથ પકડીને વીડિયો બનાવે તો ઘણાને સાપ સૂંઘી ગયો હોય એવું લાગે છે. કેમ? કારણ કે ડિવોર્સ પછી તો આપણે કડવાશ જ જોઈ છે. બંને પક્ષ એકબીજા ઉપર ગાલીગલોચ કરે એ જ પરંપરા રહી છે.
Also read: આજે આટલું જ: જાણતું નથી કોઈ એવી સમજમાં, સો ઉંદરો મારી બિલ્લી હજમાં…
બાળકો પેદા કરવા માટે લગ્નની જરૂર નથી. ઘણા દેશોના કાયદા આ પદ્ધતિને માન્ય રાખે છે. હજારો લગ્ન એવાં થાય છે જેમાં મા-બાપનાં લગ્નમાં એનાં બાળકો હાજર હોય. એ સારી કે ઉત્તમ વ્યવસ્થા છે એવું કહેવાનો મતલબ નથી.
મુદ્દો એ છે કે માણસ સારો છે ને? જો હા, તો બીજી બધી જ બાબત ગૌણ બની જાય છે. એનાં લગ્ન ન થયાં હોય કે પાંચ વખત થયાં હોય, એ કોઈને નડતો નથી એ મહત્ત્વનું છે. બાકી ડિવોર્સમાં સ્ત્રીએ સહન કરવું પડતું હોય એટલું જ કે એનાથી પણ ક્યારેક વધુ પુરુષે સહન કરવાનું આવે. ટૂંકમાં લગ્ન જેવું કંઈ હોતું નથી. હોય છે તો છૂટાછેડા ન લેવાનો નિર્ણય.
ખોટું કહ્યું? જરા વિચારી જોજો.