આ છે થાપણ વૃદ્ધિ ફરી મંદ પડી હોવાના સંકેત
મુંબઈ: બેન્કિંગ ક્ષેત્ર સામેના પડકારનો સમય હજું પૂરો થયો હોય એવું લાગતું નથી. અઢી વર્ષના ગાળા બાદ ૧૮મી ઓકટોબરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ કરતા ઊંચી રહ્યા બાદ થાપણ વૃદ્ધિ પહેલી નવેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિને લગભગ સમાન રહ્યાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. પહેલી નવેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૧૧.૯૦ ટકા રહી હતી, જ્યારે થાપણ વૃદ્ધિનો આંક ૧૧.૮૩ ટકા રહ્યો હતો, એમ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.
જોકે, થાપણ વૃદ્ધિ ફરી મંદ પડયાના સંકેત મળી રહ્યા છે. ઊંચા થાપણ દરને કારણે બેન્કો માટે થાપણ વૃદ્ધિ જાળવવાનું મુશ્કેલ બની શકે છે. પહેલી નવેમ્બરના પખવાડિયાના અંતે બાકી પડેલા ધિરાણનો આંક રૂપિયા ૧૭૪.૩૯ ટ્રિલિયન રહ્યો હતો, જ્યારે થાપણનો આંક રૂપિયા ૨૨૦.૪૩ ટ્રિલિયન હતો.
૧૮મી ઓકટોબરના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્કિંગ વ્યવસ્થામાં થાપણ વૃદ્ધિ ૧૧.૭૪ ટકા રહી હતી અને ધિરાણ વૃદ્ધિ ૧૧.૫૨ ટકા રહી હતી. એક સમયે થાપણ વૃદ્ધિ કરતા ધિરાણ વૃદ્ધિ સાત ટકા જેટલી ઊંચી જોવા મળી હતી. દેશના શેરબજારોમાં રેલીને કારણે ઘરેલું બચતો ઈક્વિટીસ તરફ વળવા લાગતા બેન્કોમાં થાપણ તરફના આકર્ષણમાં ઘટાડો થયો હતો. થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચેનું અંતર ઘટી જવા પાછળનું એક કારણ ધિરાણ ઉપાડમાં મંદ ગતિ જણાવાઈ રહી છે.
રિઝર્વ બેન્ક દ્વારા રિસ્ક વેઈટમાં વધારા ઉપરાંત અનસિકયોર્ડ લોન્સ પર અંકૂશને કારણે પણ ધિરાણ વૃદ્ધિ મંદ પડી હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું. તાજેતરના દિવસોમાં બેન્કો દ્વારા થાપણ પરના વ્યાજ દર વધારાતા થાપણમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું બેન્કિંગ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું.