મુંબઇઃ નાંદેડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. ગણતરીના છેલ્લા કેટલાક તબક્કામાં કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ચવ્હાણના ખાતામાં મતો આવવા માંડ્યા હતા અને તેમણે ભાજપના ઉમેદવાર સંતુકરાવ હંબર્ડેને 1457 મતોના માર્જિનથી હરાવ્યા. સાંજે 4 વાગ્યા સુધી ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર કરતાં 35,000 મતોથી આગળ હતા, પરંતુ છેલ્લા કેટલાક રાઉન્ડમાં બાજી પલટાઈ ગઇ અને સખત હરીફાઈમાં રવિન્દ્ર ચવ્હાણે કોંગ્રેસ માટે નાંદેડ લોકસભા બેઠક જાળવી રાખી હતી.
તેમને 586788 વોટ મળ્યા, જ્યારે બીજેપીના પ્રત્યા હંબર્ડેને 585331 વોટ મળ્યા. તેમના પિતા વસંતરાવ ચવ્હાણે કોંગ્રેસની ટિકિટ પર નાંદેડ સીટ પરથી 2024ની લોકસભા ચૂંટણી જીતી હતી. પરંતુ તેમના અકાળે અવસાનને કારણે પેટાચૂંટણીની જરૂર હતી. વંચિત બહુજન આઘાડી ત્રીજા ક્રમે રહી હતી. તેના ઉમેદવાર અવિનાશ વિશ્વનાથ ભોસીકરને 80179 મત મળ્યા હતા.
Also read: દિલ્હીમાં પ્રદૂષણને નાથવા ડ્રોનની મદદ; ગેરકાયદેસર પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ બોલશે તવાઈ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિના શાનદાર પ્રદર્શન બાદ દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાંદેડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તેમણે ભૂલથી દાવો કર્યો હતો કે નાંદેડમાં જીત સાથે મહારાષ્ટ્રમાં ભાજપની લોકસભા બેઠકોની સંખ્યા 9થી વધીને 10 થઈ ગઈ છે. પીએમ મોદીના ભાષણના થોડા સમય પછી, નાંદેડ પેટાચૂંટણીનું અંતિમ પરિણામ ચૂંટણી પંચની વેબસાઇટ પર દર્શાવવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસને 1457 મતોથી વિજયી જાહેર કરવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, મહાયુતિએ નાંદેડ લોકસભાની બંને વિધાનસભા બેઠકો – નાંદેડ ઉત્તર અને નાંદેડ દક્ષિણ જીતી છે. શિંદે જૂથની શિવસેનાએ બંને વિધાનસભા બેઠકો જીતી હતી.