હાર્દિક પંડ્યાએ બરોડાને ગુજરાત સામે વિજય અપાવ્યો
મુંબઈનો ગોવા સામે વિજય, સૌરાષ્ટ્રએ સિક્કિમને હરાવ્યું
ઇન્દોરઃ અહીં શનિવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 સ્પર્ધામાં બરોડાને હાર્દિક પંડ્યા (74 અણનમ, 35 બૉલ, પાંચ સિક્સર, છ ફોર)એ ગુજરાત સામે વિજય અપાવ્યો હતો. તેણે આ મૅચમાં એક વિકેટ પણ લીધી હતી.
હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યાના નેતૃત્વમાં રમનાર બરોડાની ટીમ સામે ગુજરાતે આર્ય દેસાઈના 78 રન તથા કૅપ્ટન અક્ષર પટેલના અણનમ 43 રનની મદદથી પાંચ વિકેટે 184 રન બનાવ્યા હતા.
બરોડાએ 19.3 ઓવરમાં પાંચ વિકેટે 188 રન બનાવી લીધા હતા જેમાં શિવાલિક શર્માના 64 રનનો પણ સમાવેશ હતો.
હૈદરાબાદમાં કૅપ્ટન શ્રેયસ ઐયર (130 અણનમ, 57 બૉલ, 10 સિક્સર, 11 ફોર)ની મદદથી મુંબઈએ ચાર વિકેટે 250 રન બનાવ્યા હતા. ગોવા વતી રમનાર અર્જુન તેન્ડુલકરને 48 રનમાં એક પણ વિકેટ નહોતી મળી. ગોવાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 224 રન બનાવી શક્તા મુંબઈનો 26 રનથી વિજય થયો હતો.
ઇન્દોરમાં સૌરાષ્ટ્ર (157/9)નો સિક્કિમ (103/6) સામે 54 રનથી વિજય થયો હતો. વિશ્વરાજ જાડેજા (60 રન) આ મૅચમાં સૌરાષ્ટ્રનો મૅચવિનર હતો.