14 રાજ્યો 48 બેઠકો, 2 લોકસભા બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર; જાણો કોને લાભ કોને આંચકો!
નવી દિલ્હી: આજે રાજ્યમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત 14 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીના પરિણામો આજે 23 નવેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. આ 48 બેઠકો પર 20 નવેમ્બર 2024ના રોજ મતદાન થયું હતું. આ સાથે લોકસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થયા છે. ચાલો જાણીએ પેટાચૂંટણીમાં કયા પક્ષને જીત મળી અને કયા પક્ષને આંચકો લાગ્યો.
આ પણ વાંચો : Maharashtra Assembly Election Result 2024: મહિલાલક્ષી યોજનાઓ બની ‘જીત’નું કારણ?
ઉત્તર પ્રદેશમાં યોગીનો જાદુ
ઉત્તર પ્રદેશ વિધાનસભાની 9 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. લોકસભામાં ભારે ફટકો ખાધેલી ભારતીય જનતા પાર્ટીએ આ છ મહિનાની અંદર જ યોજયેલી ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો. યુપી પેટાચૂંટણીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને ગઢ સમાન ગણાતી બેઠકો ખોવાનો વારો આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર સીએમ યોગીનો જાદુ જોવા મળી રહ્યો છે.
બંગાળમાં TMCની જીતના પતાસા
પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીમાં રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને કારમો પરાજય આપ્યો છે. રાજ્યમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ટીએમસીએ તમામ છ બેઠકો જીતી લીધી છે. આ ચૂંટણીમાં ભાજપને કારમી હાર આપીને ટીએમસીએ વિજય હાંસલ કર્યો છે.
રાજસ્થાનમાં ભાજપનો વિજય
રાજસ્થાનમાં પણ સાત વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે પાંચ બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસ અને ભારત આદિવાસી પાર્ટીને એક-એક બેઠક મળી છે. ઝુંઝુનુ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ભામ્બુ, રામગઢ સીટ પર સુખવંત સિંહ, દેવલી-ઉનિયારા વિધાનસભા બેઠક પર રાજેન્દ્ર ગુર્જર, ખિંવસર વિધાનસભા બેઠક પર રેવંતરામ ડાંગા, સલુંબર બેઠક પરથી શાંતા અમૃત લાલ મીણા, ચૌરાસી વિધાનસભા બેઠક પરથી ભારત આદિવાસી પાર્ટીના અનિલ કુમાર કટારા અને દૌસા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર દીન દયાલની જીત થઈ છે.
મધ્યપ્રદેશમાં બે બેઠકો પર ભાજપની જીત
મધ્યપ્રદેશની બે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં એક બેઠક પર ભાજપ અને બીજી બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. બુધની બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રમાકાંત ભાર્ગવે કોંગ્રેસના રાજકુમાર પટેલને હરાવ્યા હતા. વિજયપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના મુકેશ મલ્હોત્રાનો વિજય થયો છે. આ બેઠક પરથી ભાજપના રામનિવાસ રાવત 7,364 મતોથી હારી ગયા છે.
આ પણ વાંચો : ભારતીય-અમેરિકન નેતાઓએ ભારતના સમાવેશક વિકાસ માટે PM મોદીની કરી પ્રશંસા
પંજાબમાં આપની જીત
પંજાબમાં ચાર બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચારમાંથી ત્રણ બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી છે. કોંગ્રેસ પાર્ટી એક બેઠક જીતવામાં સફળ રહી હતી. પંજાબની પેટાચૂંટણીમાં ભાજપનું ખાતું પણ ખૂલ્યું ન હતું. ડેરા બાબા નાનક બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગુરદીપ સિંહ રંધાવા, ચબ્બેવાલ વિધાનસભા બેઠક પરથી આપના ઉમેદવાર ઉમેદવાર ડૉ. ઈશાંક કુમાર, ગિદ્દરબાહા બેઠક પરથી હરદીપ સિંહ ડિમ્પી ધિલ્લો, બરનાલા બેઠક પરથી કોંગ્રેસના કુલદીપ સિંહ ધિલ્લોને જીત મળી છે.