વાવની જીત બાદ વિધાનસભા ભાજપથી ‘ભરપૂર’: વિપક્ષનાં માત્ર 20 ધારાસભ્યો!
ગાંધીનગર: બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. વાવ બેઠક પર કોંગ્રેસને હારનો સ્વાદ ચખાડીને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત હાંસલ કરી છે. મતગણતરીના કુલ 23 રાઉન્ડ દરમિયાન ભારે ખેંચતાણ બાદ અંતે ભાજપની જીત થઇ ચૂકી છે. વાવ વિધાનસભાની જીત બાદ ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 162 બેઠકો સુધી પહોંચી ગયું છે. જે પણ એક રેકોર્ડ છે.
આ પણ વાંચો : Gujarat ની વાવ બેઠકની પેટાચૂંટણીના પરિણામના ટ્રેન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ
162 બેઠકોએ ભાજપનું સંખ્યાબળ
વાવ બેઠક પર ત્રિપાંખિયા રાજકીય જંગ વચ્ચે સ્વરૂપજી ઠાકોરે જીતના પતાસાનો સ્વાદ ચાખ્યો છે. 2442ની લીડથી ભાજપે જીત મેળવી છે. 7 વર્ષ સુધી આ બેઠક પર સત્તાનો સ્વાદ નહિ પામેલા ભાજપે વાવ બેઠકને કબ્જે કરી છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની સામે કોંગ્રસના ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ તરીકે માવજી પટેલ ચૂંટણી મેદાનના હતા. આ જીત બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને ઐતિહાસિક 162 બેઠકોએ પહોંચી ગયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપને ઐતિહાસિક બહુમતી મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 17 ઉમેદવારો ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યા હતા. જેમાંથી અમુક વિપક્ષના ધારાસભ્યોએ ભાજપની સાથે હાથી મિલાવી લીધો હતો. જે પૈકીની પાંચ બેઠકોમાં પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યોજાઇ હતી. જે પૈકી પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા, માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી, ખંભાત બેઠક પર ચિરાગ પટેલ, વિજાપુર બેઠક પર સી.જે. ચાવડા અને વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી.
15માં રાઉન્ડ સુધી અલગ જ ચિત્ર હતું
લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનના વિજય બાદ ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીની સાથે પેટા ચૂંટણી યોજાઇ હતી. વાવ બેઠક પરના રાજકીય જંગના પરિણામ સામે આવી ગયા છે. સતત ખેંચતાણ ભરેલા આ જંગમાં ભાજપે 2442 મતોની સરસાઇથી વિજય મેળવ્યો છે. મતગણતરી શરૂઆતથી લઈને 15માં રાઉન્ડ સુધી કોંગ્રેસનો પંજો જીત તરફ આગળ વધી રહ્યો હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું હતું. પરતું 16માં રાઉન્ડથી શરૂ થયેલી પડતીએ ગુલાબને કરમાવી નાખ્યું હતું અને ભાજપનું કમળ ખીલ્યું હતું.
આ પણ વાંચો : GST વિભાગની ટીમ અમદાવાદ, ડાંગ અને નડીયાદના 7 વેપારી પર ત્રાટકી: 3.53 કરોડની કરચોરી ઝડપી…
16માં રાઉન્ડથી આગળ વધેલી મતગણતરીએ વાવ બેઠકના ચૂંટણી પરિણામોની ચિત્ર બદલી નાખ્યું. ભાજપ માટે ભાભર વિસ્તાર ગેમચેન્જર સાબિત થયું અને આખરે ભાજપને જીત મળી છે. 14000 જેટલા મતોની લીડ સાથે કોંગ્રેસ આગળ વધી રહી હતી પરંતુ જ્યારે ભાભર વિસ્તારનું EVM ખૂલ્યું કે કોંગ્રેસની લીડ ઘટતી ગઈ અને ભાજપે જીત તરફ પ્રયાણ કર્યું હતું.