ભારતીય-અમેરિકન નેતાઓએ ભારતના સમાવેશક વિકાસ માટે PM મોદીની કરી પ્રશંસા
વોશિંગ્ટનઃ વિવિધ ભારતીય-અમેરિકન સમુદાયોના નેતાઓએ ભારતમાં ‘સમાવેશક વિકાસ’ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. ભારતમાં મોદીના શાસનમાં લઘુમતી સમુદાયો સલામત અને સુરક્ષિત છે. શુક્રવારે વોશિંગ્ટન એડવેન્ટિસ્ટ યુનિવર્સિટી ખાતે આયોજિત અર્ધ-દિવસીય ગ્લોબલ ઇક્વિટી એલાયન્સ સમિટમાં નેતાઓએ આ વાત કરી હતી.
ઇન્ડિયન માઇનોરિટીઝ ફાઉન્ડેશન અને ચંદીગઢ યુનિવર્સિટીના સહયોગથી આયોજિત આ સમિટમાં એસોસિએશન ઓફ અમેરિકન ઇન્ડિયન માઇનોરિટીઝની પણ શરૂઆત થઇ હતી. આ પહેલની શરૂઆત આ વર્ષે અમેરિકા અને કેનેડામાં હિંદુ મંદિરો પર કરવામાં આવેલા હુમલાઓની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવી છે.
સમાવેશક વિકાસ અને લઘુમતી કલ્યાણ પ્રત્યેના મોદીના પ્રયાસોના સન્માનમાં વોશિંગ્ટન એડવેન્ટિસ્ટ યુનિવર્સિટી અને એસોસિએશન ઓફ અમેરિકન ઇન્ડિયન માઇનોરિટીઝે વડાપ્રધાનને લઘુમતીના ઉત્થાન માટે ડો. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર સતનામ સિંહ સંધૂએ મોદની ગેરહાજરીમાં તેમના વતી પુરસ્કાર ગ્રહણ કર્યો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત પર PM મોદીએ મહાયુતિને લઈ કહી આ વાત, CM શિંદેને કર્યો ફોન
આયોજકોના જણાવ્યા અનુસાર આ સંગઠનનો ધ્યેય દેશમાં લઘુમતીઓને એક કરવાનો અને ભારતીય અમેરિકન લઘુમતીઓની સુરક્ષા માટે કામ કરવાનો છે.
એસોસિએશન ઓફ અમેરિકન ઇન્ડિયન માઇનોરિટીઝના સ્થાપક અને પ્રમુખ જસદીપ સિંહ જસ્સીએ જણાવ્યું કે અમે બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક મૂલ્યો દ્વારા પ્રેરણા આપવા બદલ મોદીનો આભાર માનીએ છીએ. જે ભારત વિશ્વભરમાં ફેલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેમનો ધ્યેય અમેરિકામાં તમામ લઘુમતીઓને એક કરવા અને તેમની સુરક્ષા માટે કામ કરવાનો છે.