બુમરાહે કપિલ દેવના ક્યા મોટા રેકોર્ડની બરાબરી કરી?
કાર્યવાહક કેપ્ટને 17 વર્ષ પહેલાંની અનિલ કુંબલેની સિદ્ધિ પણ યાદ કરાવી દીધી!
પર્થ: ભારતની ટેસ્ટ ટીમના કાર્યવાહક કેપ્ટન અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (30 રનમાં પાંચ વિકેટ) આજે અહીં ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પહેલા દાવમાં પાંચ વિકેટની જે સિદ્ધિ મેળવી એ મહત્વના વિક્રમના રૂપમાં રેકોર્ડ બુકમાં નોંધાઈ ગઈ છે. તેણે ભારતના મહાન કેપ્ટન અને ઑલરાઉન્ડર કપિલ દેવની બરાબરી કરી છે.
એશિયાની બહાર ટેસ્ટના એક દાવમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ બુમરાહે નવમી વખત મેળવી છે. કપિલ દેવે 1979થી 1994 સુધીની કારકિર્દી દરમિયાન એશિયા બહારના મેદાનો પર ટેસ્ટની એક ઈનિંગ્સમાં પાંચ વિકેટ મેળવવાની સિદ્ધિ કુલ નવ વખત હાંસલ કરી હતી. બુમરાહ માત્ર છ વર્ષની કારકિર્દીમાં કપિલ દેવની હરોળમાં આવી ગયો છે.
કપિલ દેવે વિદેશમાં 77 ઇનિંગ્સમાં કુલ નવ વખત પાંચ વિકેટ લીધી હતી. બુમરાહે 55 ઇનિંગ્સમાં આ ઉપલબ્ધિ મેળવી છે.
મહાન સ્પિનર ભાગવત ચંદ્રશેખર કુલ આઠ વખત એશિયાની બહારના મેદાનો પર ટેસ્ટના એક દાવમાં પાંચ કે વધુ વિકેટ લેવામાં સફળ થયા હતા.
ઑસ્ટ્રેલિયામાં બુમરાહ બીજી વાર દાવમાં પાંચ વિકેટ લઈ શક્યો છે. તે સાઉથ આફ્રિકાની ધરતી પર ત્રણ વખત તેમ જ ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝમાં બે-બે વાર દાવમાં પાંચ કે વધુ વિકેટ લઈ ચૂક્યો છે.
આ પણ વાંચો…..52 કરોડ રૂપિયામાં વેચાયું એક કેળું, જાણી લો શું છે ખાસિયત….
પર્થના મેદાન પર બુમરાહનો પર્ફોર્મન્સ (30 રનમાં પાંચ વિકેટ) ભારતીય કેપ્ટનોમાં કપિલ દેવ પછીનો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે. કપિલે 1985માં એડિલેઇડમાં ટેસ્ટના એક દાવમાં 106 રનમાં આઠ વિકેટ લીધી હતી.
ટેસ્ટ-ક્રિકેટ રમી ચૂકેલા ભારતીય સુકાનીઓમાં બુમરાહની પાંચ વિકેટની સિદ્ધિ 2007ની સાલ પછીના ભારતીય કેપ્ટનોમાં પ્રથમ છે. 2007માં કેપ્ટન અનિલ કુંબલેએ મેલબર્ન ટેસ્ટના એક દાવમાં પાંચ વિકેટ લીધી હતી.