મિડલ-ઇસ્ટના લશ્કરી જોખમને કારણે સેન્સેક્સમાં ૫૦૦ પોઇન્ટનું મસમોટું ગાબડું
મુંબઇ: સપ્તાહના પહેલા દિવસે અમેરિકાના મજબૂત જોબ ડેટા અને મધ્યપૂર્વના દેશોમાં યુદ્ધના મંડાણ થવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે વિશ્ર્વભરના શેરબજારના સેન્ટિમેન્ટને ખલેલ પહોંચ્યો હતો. સેન્સેક્સ ભારે અફડાતફડી વચ્ચે અંતે ૪૮૩.૨૪ પોઇનટ અથવા તો ૦.૭૩ ટકાના ઘટાડા સાથે ૬૫,૫૧૨.૩૯ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી ૧૪૧.૧૫ પોઇન્ટ અથવા તો ૦.૭૨ ટકા ગબડીને ૧૯,૫૧૨.૩૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. મધ્ય પૂર્વમાં લશ્કરી સંઘર્ષને લીધે ક્રૂડમાં ઉછાળો આવવા સાથે મજબૂત યુએસ જોબ રિપોર્ટને જોતા ઊંચા વ્યાજ દરની ચિંતાને કારણે એશિયન બજારો ગબડ્યા હતા. ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે રોકાણકારોએ મોટું જોખમ લેવાનું ટાળવું જોઇએ. જો ઈરાન યુદ્ધમાં ખેંચાય તો તે ક્રૂડતેલના પુરવઠાને વિક્ષેપિત કરી શકે છે, જેના કારણે ક્રૂડમાં વધારો થશે અને બજારમાં જોખમ ઊભું થશે. ક્રૂડ તેલના ભાવમાં વધારો ભારત જેવા કોમોડિટીના આયાતકારો માટે નકારાત્મક છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૦૫ ટકાના કડાકા સાથે ટોપ લૂઝર બન્યો હતો. અન્ય ઘટનારા શેરોમાં બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, સ્ટેટ બેન્ક, એશિયન પેઇન્ટસ, કોટક મહિન્દ્રા અને ટાઇટનનો સમાવેશ હતો. જોકે, આઇટી સેકટરના અગ્રણી એચસીએલ ટેકનો અને ટીસીએસે પ્રવાહથી વિરુદ્દ તરીને ૧.૦૨ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. એફએમસીજી મેજર હિંદુસ્તાન યુનિલીવરમાં ૦.૩૨ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
સેન્સેક્સની માત્ર ત્રણ અને નિફ્ટીની માત્ર સાત સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં રહી હતી. રોકાણકારોએ ફાઇનાન્સ, બેન્કિંગ અને એનર્જી સેકટરના શેરોમાં ભારે વેચવાલી કરી હતી.અન્ય પ્રવૃત્તિમાં ફ્યુજીફિલ્મ ઇન્ડિયાએ બ્રોડકાસ્ટ ઇન્ડિયા શો ખાતે ફ્યુજીફિલ્મ જીએફએક્સ ૧૦૦ ટુને ભારતીય બજારમાં મૂકવાની જાહેરાત કરી હતી. ફોટોગ્રાફી ટેકનોલોજીમાં ગ્લોબલ લીડર આ કંપની અનુસાર તેનો જીએફએક્સ સિરિઝનો આ ફ્લેગશિપ કેમેરો પ્રોફેશનલ વિડિયો પ્રોડકશનની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
એ જ રીતે, કેનોન ઇન્ડિયાએ બ્રોડકાસ્ટ ઇન્ડિયા ખાતે સિનેમેટોગ્રાફી અને બ્રોડકાસ્િંટગ ઉદ્યોગ માટે અદ્યતન ટેકનોલોજી રેન્જની રજૂઆત કરી હતી. આ કંપનીએ વિડિયો કેપ્ચરિંગ માટે ફેરકે રિમોટ પેન ટીલ્ટ ઝૂમ કેમેરા, ઇન્ડોર સીઆર એન ૧૦૦ કેમેરા અને આઉટડોર સીઆર એક્સ ૩૦૦ તથા સીઆર એક્સ ૫૦૦ કેમેરા બજારમાં મૂક્યો છે. ભારતની અગ્રણી બ્રાન્ડ લાઇસન્સિ અને માર્કેટ એન્ટ્રી સ્પેશિયાલિસ્ટ કંપની ક્રિએટિવ ન્યુટેકે યુકેની પ્રીમિયમ ઓડિઓ બ્રાન્ડ રૂઆર્ક ઓડિઓ સાથે ભાગીદારી કરી છે. બ્રિટિશ હાઇ કમિશનના ડેપ્યુટી ડિરેકટર, ટ્રેડ એન્ડ યુકે એક્સપોર્ટ હેડ અનુસાર આ યુતિથી યુકેની કંપની ભારતના પ્રીમિયમ ઓડિયો માર્કેટ પ્લેસમાં પ્રવેશ કરશે અને નિકાસ ક્ષેત્રે પણ તેનો લાભ થશે. આ સપ્તાહે માત્ર એક જ આઇપીઓ આવવાનો હોવાથી કોર્પોરેટ હલચલ સહેજ ધીમી રહેશે. આઇટી સોલ્યુશન્સમાં ગ્લોબલ લીડર સિનોલોજીએ મિડિઆ અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને લક્ષ્યમાં રાખીને કમ્પ્લીટ ડેટા સોલ્યશન્સ રેન્જ ભારતીય બજારમાં મૂકી છે. કંપનીના દાવા અનુસાર આ સેગમેન્ટમાં તેનો હિસ્સો પચાસ ટકા છે, જે તે પાંચેક વર્ષમાં એંશી ટકા સુધી લઇ જવા ધારે છે. સિગાચી ઇન્ડસ્ટ્રી, ગુજરાત થેમિસ બાયોસિન અને થેમિસ મેડિકેર સ્ટોક સ્પ્લીટ, જોનુજા ઓવરસીઝ, એડવાન્સ લાઇફ, એમઆરપી એગ્રો અને આરએમસી સ્વીચમાં બોનસ, ઇન્ડિયા ઇન્ફ્રામાં ઇન્વીટ, રેફનોલમાં અમાલગમેશન અને જ્યોતિ સ્ટ્રકચરમાં ઇજીએમ છે. શેરબજારને અસર કરે એવા બે મુખ્ય પરબિળમાં ૧૨મી ઓકટોબરે જાહેર થનાર દેશના સીપીઆઇ ઇન્ફ્લેશન અને ૧૨મી ઓક્ટોબરે જ યુએસ એફઓએમસી મિનિટ્સ તથા યુએસ ઇન્ફ્લેશનને ગણી શકાય. રોકાણકારો આ બંને ઘટના પર ચાંપતી નજર રાખશે. ચીન પણ તેના સપ્ટેમ્બરના ઇન્ફ્લેશન ડેટા જાહેર કરશે. એ જ સાથે દેશના ઓદ્યોગિક ઉત્પાદનના ડેટા પણ ૧૨મી ઓક્ટોબરે જાહેર થશે.