સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયા 104 રનમાં ઑલઆઉટ, બુમરાહની પાંચ વિકેટ

ભારતે 46 રનની સરસાઈ લીધી, નવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ લીધી ત્રણ વિકેટ

પર્થ: અહીં ભારત સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફી (બીજીટી)ની પ્રથમ ટેસ્ટ (સવારે 7.50 વાગ્યાથી લાઈવ)માં ઑસ્ટ્રેલિયા પહેલા દાવમાં આજે બીજા દિવસે લંચના બ્રેક પહેલાં 104 રન પર ઑલઆઉટ થઈ ગયું હતું અને ટીમ ઇન્ડિયાએ 46 રનની સરસાઈ લીધી હતી. હવે ભારતીય ટીમ બીજા દાવમાં કેટલા રન બનાવશે એના પર મૅચના પરિણામનો આધાર રહેશે.

કાર્યવાહક કેપ્ટન જસપ્રીત બુમરાહ (18-6-30-5) યજમાન ટીમને સૌથી વધુ ભારે પડ્યો હતો. નવા ફાસ્ટ બોલર હર્ષિત રાણા (15.2-3-48-3)એ પણ ભારતને સરસાઈ અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સ્ટાર્ક (26 રન) અને હેઝલવૂડ (7 અણનમ) વચ્ચે 18 ઓવરમાં પચીસ રનની ભાગીદારી થઈ હતી. ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં 52મી ઓવર હર્ષિતે કરી હતી જેના પહેલા બૉલ બાદ વિરાટ કોહલીએ રન-અપ પર હર્ષિતને એક સલાહ આપી હતી અને બીજા જ બૉલમાં હર્ષિતે સ્ટાર્કને રિષભ પંતના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.


Also read: રિષભ પંતે ઍલન નૉટનો 47 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો…


ભારતે પ્રથમ દાવમાં ગઈ કાલે 150 રન બનાવ્યા હતા, પરંતુ ઑસ્ટ્રેલિયાની ટીમે ભારત કરતાં પણ વધુ ખરાબ પર્ફોર્મ કર્યું.
આ સિરીઝ કૂકાબૂરા બૉલથી રમાઈ રહી છે. શુક્રવારે ભારતીય ટીમે 150 રન 49.4 ઓવરમાં બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 51.2 ઓવરમાં સમેટાઇ ગયો હતો.

વિકેટકીપર ઍલેક્સ કૅરી ગઈ કાલે 19 રન પર નૉટઆઉટ હતો. આજે તેણે બીજા ફક્ત બે રન બનાવ્યા અને 21 રન પર હતો ત્યારે બુમરાહે તેને વિકેટકીપર રિષભ પંતના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. પંતે કુલ ત્રણ કૅચ ઝીલ્યા હતા.
ઑસ્ટ્રેલિયાની ટીમમાં ઍલેક્સ કૅરીના 21 રન હાઈએસ્ટ હતા. આજે નેથન લાયન (પાંચ રન)ની નવમી વિકેટ હર્ષિત રાણાએ લીધી હતી. રાણાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ બીજી વિકેટ હતી. શુક્રવારે તેણે ડૅન્જરસ બૅટર ટ્રેવિસ હેડ (11 રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો.


Also read: 44 વર્ષમાં બીજી વાર 40 રનમાં ઑસ્ટ્રેલિયાની અડધી ટીમ તંબૂ ભેગી!


મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી. નવા પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને સ્પિનર વૉશિંગ્ટન સુંદરને આજે પહેલી વાર બોલિંગ અપાઈ હતી જેમાં તેમને વિકેટ નહોતી મળી પરંતુ તેમણે બૅટર્સને અંકુશમાં રાખ્યા હતા.
ભારતે શુક્રવારે જે ફક્ત 150 રન બનાવ્યા હતા એમાં નીતિશના 41 રન હાઈએસ્ટ હતા. તેની અને 37 રન બનાવનાર રિષભ પંત વચ્ચેની સાતમી વિકેટ માટેની 48 રનની ભાગીદારીએ ભારતીય ટીમની આબરૂ સાચવી લીધી હતી, કારણકે ભારતે પહેલી છ વિકેટ ફક્ત 73 રનમાં ગુમાવી દીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button