લો શરૂ થઈ ગયુંઃ હજુ તો પરિણામો સ્પષ્ટ થયા નથી ત્યાં મુખ્યપ્રધાનપદના દાવા શરૂ થઈ ગયા
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યની તમામ 288 બેઠકોના વલણો સામે આવ્યા છે અને એવું જોવામાં આવ્યું છે કે મહાગઠબંધન સત્તા માટેના જાદુઈ આંકડા સુધી પહોંચી ગયું છે. મહાયુતિ 151 સીટો પર અને મહાવિકાસ અઘાડી 125 સીટો પર આગળ ચાલી રહી છે. જો આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ગઠબંધન સરકારની શક્યતા છે. એક મોટા સમાચાર આવી રહ્યા છે કે શિંદે જૂથે મુખ્ય પ્રધાન પદનો દાવો કર્યો છે.
શિવસેના શિંદે જૂથના પ્રવક્તા રાજુ વાઘમારેએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શિંદે જૂથ મુખ્ય પ્રધાન પદનો દાવો કરશે. તેમણે જણાવ્યું હતું કે “રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ ચૂંટણી માટે સખત મહેનત કરી છે. એવું જાણવા મળ્યું છે કે પ્રારંભિક વલણોમાં મહાયુતિને બહુમતી મળશે. મહાયુતિએ વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડી હતી, જેને મતદારોએ જોરદાર પ્રતિસાદ આપ્યો અને મહાયુતિએ ચૂંટણી જીતી લીધી છે.
મુખ્ય પ્રધાન શિંદેની લોકપ્રિયતાથી આ શક્ય થયું છે. મહાયુતિનું લક્ષ્ય સત્તામાં આવવાનું હતું. મુખ્ય પ્રધાન શિંદે સામાન્ય માણસના નેતા છે અને તેઓ સવારે પાંચ વાગ્યા સુધી કામ કરે છે. હજી તો મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીના પ્રારંભિક વલણ જાણવા મળી રહ્યા છે, ત્યાં જ મુખ્યપ્રધાનપદના દાવા શરૂ થઈ ગયા છે. હવે જોઇએ કે આગળ શું થાય છે…