સિરક્રીક પાસેના મુકુનાળા વિસ્તારમાંથી વધુ બે પાકિસ્તાની બોટ ઝડપાઇ
ભુજ: થોડા દિવસો અગાઉ સિરક્રીક પાસેના મુકુનાકા વિસ્તારમાંથી એન્જિનવાળી બોટ પર સવાર થયેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે મુકુનાળાની નજીક આવેલા અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા જી-પિલર વિસ્તારમાંથી સરહદી સલામતી દળના જવાનોને બે નધણિયાતી પાકિસ્તાની બોટ મળી આવી હોવાનું સામે આવી રહ્યું છે.
આ અંગે સરહદી સલામતી દળના પ્રવક્તાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત બુધવારે બીએસએફે મુકુનાળા ખાતેથી સાત જેટલા મોબાઈલ ફોન તેમજ વિવિધ ઓળખપત્રો સાથે એક પાકિસ્તાની બોટ પર સવાર ઘૂસણખોરને ઝડપી લીધા બાદ વધારી દેવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમ્યાન જી પિલર પાસે ગત ગુરુવારની મોડી રાત્રે જવાનોને અન્ય બે પાકિસ્તાની બોટ મળી આવી હતી.
જપ્ત કરેલી બોટની તલાસી લેતા તેમાંથી માછીમારીની સામગ્રી ઉપરાંત બે એક્ટિવ સીમકાર્ડ વાળા કીપેડ વાળા સાદા મોબાઈલ ફોન અને ત્રણ પાકિસ્તાની નાગરિકોના ઓળખપત્રો મળી આવતાં તમામ ચીજવસ્તુઓને વધુ તપાસ માટે નારાયણ સરોવર પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા છે.
મોડી રાત્રે જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે આ બોટ્સને કિનારે મૂકી, ઘૂસણખોરો પાકિસ્તાન તરફ નાસી છૂટતાં સલામતી દળોએ કચ્છની આંતરરાષ્ટ્રીય સીમાની અંદર હજુ પણ મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ છુપાયા હોવાની પ્રબળ સંભાવનાને જોતાં સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી, સર્ચ ઓપરેશનને જારી રાખ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશનાં કેટલાંક મહત્ત્વના સ્થળોએ આતંકવાદી હુમલા કરવાના ગુપ્તચર એજન્સીઓને મળેલા ઇનપુટ વચ્ચે કચ્છની સંવેદનશીલ સીમાએથી બિનવારસુ પાકિસ્તાની બોટનું સતત મળ્યા કરવું તે બાબત ગંભીર હોવાનું સુરક્ષા જાણકારો જણાવી રહ્યા છે. હાલ આ બોટ્સ અહીં કેવી રીતે પહોંચી અને તેમાં કેટલા લોકો સવાર હતા તે જાણવા હાલ સલામતી દળ તપાસ ચલાવી રહ્યાનું જાણવા મળ્યું છે.