હમેેં ભરોસા નહીં હૈ…
મહાયુતિને બરાબર 145 કે 150 બેઠક મળે તો પણ ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર ન બને તેનો કારસો ગોઠવાયો નારાયણ રાણેના શરદ પવાર સંબંધી નિવેદન પાછળનું રહસ્ય ખુલ્યું
વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને પરિણામોની રાહ જોવાઈ રહી છે ત્યારે રાજકીય વર્તુળોમાં એક એવી ચર્ચા ચાલી રહી છે જે જેનાથી ભાજપનું નેતૃત્વ છક્કડ ખાઈ ગયું છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને 145 કે 150 જેટલી બેઠકો મળે તો પણ રાજ્યમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર ન બને તે માટેનો કારસો ઘડવામાં આવી રહ્યો છે અને તેની જાણકારી ભાજપ નેતૃત્વ સુધી પહોંચી છે.
ભાજપના અત્યંત ઉચ્ચ પદસ્થ સૂત્રો પાસેથી શુક્રવારે એવી જાણકારી મળી હતી કે મહાયુતિ સ્પષ્ટ બહુમતી મેળવવા માટે આવશ્યક 145 બેઠક જીતી જાય કે લગભગ 150-152 બેઠક સુધી પણ મેળવે તો પણ ભાજપને સત્તાથી વંચિત રાખવા માટેનો કારસો ગોઠવાઈ ગયો છે. રાજ્યની આગામી સરકારમાં ભાજપના વિધાનસભ્યોનો આંક 100 પાર કરશે તો મુખ્ય પ્રધાન ભાજપનો જ રહેશે એ પૂર્વનિર્ધારિત છે. અત્યારના એક્ઝિટ પોલના તારણોને ધ્યાનમાં લેવામાં આવે તો એકનાથ શિંદેની શિવસેના 32-35 અને અજિત પવારની એનસીપી 10-12 બેઠકો પર વિજય મેળવશે. આવી સ્થિતિમાં મહાયુતિ 145થી 152 સુધીનો આંક સ્પર્શે તો પણ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે રાજ્યના પાંચેય મુખ્ય પક્ષમાં એકમત સધાઈ શકે છે એવા ગુપ્ત અહેવાલો રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યમાં ભાજપના મુખ્ય નેતા દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચી ગયા છે. શુક્રવારની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસની અત્યંત નજીકના વ્યક્તિએ એવી માહિતી આપી હતી કે એકનાથ શિંદે પર તો ફડણવીસને પૂરો વિશ્ર્વાસ છે કે તેઓ દગો આપશે નહીં, પરંતુ તેમની સાથેના વિધાનસભ્યો પર કોઈ ભરોસો નથી.
ભાજપના 100-105 વિધાનસભ્યો હોય તેની સામે શિંદેના 35-40 અને અજિત પવારના 10-12 વિધાનસભ્યો હોય તો ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવા માટે એકનાથ શિંદેના એક-બે છોડીને બધા જ વિધાનસભ્યો યુબીટી સાથે જોડાઈ શકે છે.
આવી સ્થિતિમાં 110ની આસપાસ હોય તો પણ મહાવિકાસ આઘાડી સરકાર બનાવવાની અત્યંત નજીક પહોંચી શકે છે અને પછી અપક્ષો અને નાના પક્ષોને ભેગા કરીને સ્થિર સરકાર બનાવી શકે છે. અત્યારે એવું માનવામાં આવે છે કે પવાર કાકા-ભત્રીજા સાથે ન આવી શકે, પરંતુ પ્રવાહી સ્થિતિમાં કાકા બોલાવે તો ભત્રીજો દોડી જાય એવા સંબંધો તેમની વચ્ચે હજી પણ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : Election Result: મહારાષ્ટ્રમાં વધેલું મતદાન કોનું વધારશે ટેન્શન?
બીજી તરફથી નારાયણ રાણેના અત્યંત નજીકના વ્યક્તિ પાસેથી એવી જાણકારી મળી હતી કે નારાયણ રાણેના કૉંગ્રેસમાં રહેલા કેટલાક નજીકના વ્યક્તિ પાસેથી જ એવી જાણકારી મળી છે કે મહારાષ્ટ્ર ભાજપના બે મોટા નેતાએ દિલ્હી હાઈ કમાન્ડને એવો સંકેત આપ્યો છે કે શરદ પવાર પર તેમને ભરોસો નથી અને પ્રવાહી સ્થિતિ સર્જાય તો શરદ પવાર ભાજપ સાથે જઈ શકે છે. આ જાણકારી મળ્યા બાદ જ નારાયણ રાણેએ શુક્રવારે એવું નિવેદન કર્યું હતું કે શરદ પવાર ક્યારે ક્યો નિર્ણય લેશે તે કોઈ કહી શકે નહીં. તેઓ ભાજપ સાથે જઈ શકે છે એવો સંકેત આપવાનો આ પ્રયાસ હતો. જેથી રાજ્યમાં પ્રવાહી સ્થિતિ સર્જાય તો વાડ પર બેઠેલા એકનાથ શિંદેના વિધાનસભ્યો તેમ જ રાજ્યના નાના પક્ષોના અને અપક્ષ વિધાનસભ્યો મહાવિકાસ આઘાડી સાથે જવા પહેલાં એક વખત ફેરવિચાર કરે.
કૉંગ્રેસને શરદ પવાર પર, ભાજપને એકનાથ શિંદેના વિધાનસભ્યો પર તેમ જ અજિત પવાર પર કોઈ ભરોસો રહ્યો નથી. આવી સ્થિતિમાં રાજ્યના બે મુખ્ય પક્ષો કૉંગ્રેસ અને ભાજપ પૂરા ટેન્શનમાં છે.