‘ફેંગલ’ ચક્રવાતનો ખતરોઃ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાશે
નવી દિલ્હીઃ દક્ષિણ ભારત પર તોફાન ‘ફેંગલ’નો ખતરો મંડરાઇ રહ્યો છે. વાવાઝોડાના કારણે દેશના કેટલાક રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે અને ઝડપી પવન ફૂંકાશે. બંગાળની ખાડીની દક્ષિણ પૂર્વમાં 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાયા બાદ 25 નવેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશન અથવા ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે તેવી આગાહી કરવામાં આવી છે.
22-23 નવેમ્બરની વચ્ચે લો-પ્રેશર સિસ્ટમ બની હોવાની આગાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, નવેમ્બરમાં બંગાળની ખાડીમાં આવેલા તોફાનો સામાન્ય રીતે આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા તરફ આગળ વધે છે. જોકે, ચક્રવાત ‘ફેંગલ’ 26 અને 27 નવેમ્બરની વચ્ચે શ્રીલંકાના ઉત્તરીય ક્ષેત્રમાં પહોંચવાની ધારણા છે.
આ પણ વાંચો : Weather Update : દેશમાં કયારથી શરૂ થશે ઠંડીની શરૂઆત ? હવામાન વિભાગે કરી આ આગાહી
હવામાન વિભાગના મતે આ સિસ્ટમ 24 નવેમ્બરે ડિપ્રેશનમાં ફેરવાશે અને 26 નવેમ્બરે તમિલનાડુના દરિયાકાંઠેથી પસાર થઈને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. દક્ષિણ ભારતના વિસ્તારોમાં ખાસ કરીને તમિલનાડુમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
એક્યૂ વેધરના આંતરરાષ્ટ્રીય ફોરકાસ્ટર મેનેજર અને વરિષ્ઠ હવામાનશાસ્ત્રી જેસન નિકોલ્સે એક ‘એક્સ’ પોસ્ટમાં કહ્યું હતું કે “આ સપ્તાહના અંતમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે અને તે પછી આવતા સપ્તાહના અંતમાં દક્ષિણ આંધ્રપ્રદેશ, તમિલનાડુ અથવા શ્રીલંકામાં ત્રાટકે તે પહેલા ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે.