અમદાવાદથી રાજકોટ જવાનું મોઘું થશે, 4 ટોલનાકા બનાવાશે
અમદાવાદ: અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડનારો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે હવે લોકોનાં ખિસ્સા ખંખેરનાર સાબિત થઈ શકે છે. કારણ કે અમદાવાદ-રાજકોટ વચ્ચેના 201 કિલોમિટરના નેશનલ હાઈવે પર પસાર થનારા લોકોને હવે ચાર ટોલનાકાં પર ટેક્સ ભરવો પડશે. વર્તમાનમાં જે બે ટોલનાકાં છે તે હવે દૂર થઈ જશે અને તેના જ સ્થાને 4 નવા સ્થળોએ ટોલનાકાં બનશે. જેને સરકારની પણ મંજૂરી મળી ચૂકી છે.
બે ટોલનાકા થશે બંધ
અમદાવાદ અને સૌરાષ્ટ્રને જોડનારા નેશનલ હાઇવેની 3350 કરોડના ખર્ચે ફોરલેનમાંથી સિક્સલેન બનાવવામાં આવી રહ્યો છે અને આ નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લાખો લોકોને હવે ખિસ્સા ખાલી કરવાની તૈયારી રાખવી પડશે. કારણે કે હવે આ હાઈવે પર હાલ બગોદરા અને બામણબોર એમ બે જગ્યાએ ટોલનાકાં છે, જ્યારે હવે તેની જગ્યાએ ચાર નવા સ્થળોએ ટોલનાકા બનાવવામાં આવશે. નવા ચાર ટોલનાકાં પૈકી ત્રણનું કામ તો પૂર્ણતાનાં આરે આવીને ઉભુ છે. આવતા વર્ષેથી મુસાફરો અહી ટોલ ટેક્સ ભરવો પડશે.
આ પણ વાંચો : અમદાવાદમાં રિનોવેશન યા નવું મકાન બનાવતા પૂર્વે જાણી લો નવા નિયમ, ફાયદામાં રહેશો!
ચાર નવા ટોલનાકા બનશે
હાલ અમદાવાદથી રાજકોટ નેશનલ હાઇવે પર બાવળાથી 12 કિમીના અંતરે ભાયલા પાસે એક ટોલનાકું ઉભુ કરવામાં આવ્યું છે. જ્યારે બીજું ટોલનાકું બગોદરા અને લીંબડી વચ્ચે ટોકરાળા ગામ નજીક, ત્રીજું ટોલનાકું સાયલા-ચોટીલા વચ્ચે ઢેઢુંકી ગામ પાસે તેમજ ચોથું ટોલનાકું રાજકોટ ચોટીલા વચ્ચે માલિયાસણ ગામ પાસે બનાવવામાં આવ્યું છે. જો કે આ નવા ચાર ટોલનાકા પૈકી માલિયાસણમાં જ કામગીરી બાકી છે, જ્યારે અન્ય ચારની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
3350 કરોડનો ખર્ચ
આ અંગેની દરખાસ્ત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના નાણાપંચને પણ મોકલી દેવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેનું કામ પણ હવે પૂર્ણ થવાના આર છે. રોડ બનાવનાર એજન્સી પાસે પણ ડિસેમ્બર-2024ની આખરી મુદત છે, આ વિકાસકાર્યો માટે સરકારે 3350 કરોડનો ખર્ચ કર્યો છે.