અમદાવાદમાં રિનોવેશન યા નવું મકાન બનાવતા પૂર્વે જાણી લો નવા નિયમ, ફાયદામાં રહેશો!
અમદાવાદઃ શહેરમાં મકાન રિપેરિંગ અથવા તોડીને નવા બનાવતી વખતે નીકળતા ડિમોલિશન વેસ્ટના નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ અમલ કરાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના જાહેર રસ્તા કે ફૂટપાથ તેમ જ અન્ય જગ્યાએ નિકાલ કરનારા પાસેથી રૂ. 25 હજારથી એક લાખ સુધીની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. આ માટે સાત ઝોનમાં પાલિકાના 25 પ્લોટ નકકી કરવામાં આવ્યા છે. નવા નિયમો જાણી લેશો ફાયદામાં રહી શકો છો નહીં તો દંડ થઈ શકે છે.
આ પણ વાંચો: યુરોપિયન કમિશને Apple ને આપ્યો ફટકો, આ નિયમોનું પાલન કરવા નિર્દેશ આપ્યા
સાત ઝોનમાં પ્લોટ નકકી કરાયા
મનપા હદ વિસ્તારમાં મકાનના રિપેરિંગ કે નવા બાંધકામ જેવા કારણોથી ઉત્પન્ન થતા માટી, જૂની, બિલ્ડિંગ ડેબરીઝ વગેરે નાંખવા સાત ઝોનમાં મનપાના 25 પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. પૂર્વ ઝોનમાં ચાર પ્લોટ, પશ્ચિમ ઝોનમાં એક પ્લોટ, ઉત્તર ઝોનમાં ત્રણ પ્લોટ, દક્ષિણ ઝોનમાં ત્રણ પ્લોટ, મધ્ય ઝોનમાં ત્રણ પ્લોટ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં સાત પ્લોટ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચાર પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. આ પ્લોટમાં નાગરિકોએ તેમના સ્વખર્ચે ડિમોલિશન વેસ્ટનો નિકાલ કરાવવાનો રહેશે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.
ફરિયાદ માટે જાહેર કર્યા નંબર
મનપાના કમિશનરએ શહેરમાં નિકળતા ડિમોલિશન વેસ્ટના યોગ્ય નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો ચુસ્ત અમલ કરાવવા તંત્રને તાકીદ કરી છે. કોઈ કારણસર નાગરિકો તેમના મકાનના ડિમોલિશન વેસ્ટનો નિકાલ કરી શકે એમ ના હોય તે સી. સી. આર. એસ. ઉપર 155303 નંબર ઉપર ફરિયાદ નોંધાવી નિયત દર ચૂકવી ડિમોલિશન વેસ્ટનો નિકાલ કરાવી શકશે.
ડિમોલિશન વેસ્ટ ઉપાડવા ચાર્જ
નવી એસ. ઓ. પી. મુજબ નાગરિકોના રહેણાંક -ફરિયાદના સ્થળેથી ડિમોલિશન વેસ્ટ ઉપાડવા અંગે એક ટનથી ઓછો ડિમોલિશન વેસ્ટ હોય તો પ્રતિ વાહન ટ્રીપદીઠ રૂ. 500, પાંચ ટન સુધીના વેસ્ટના નિકાલ માટે પ્રતિ વાહન ટ્રીપદીઠ 2,000 તથા પાંચ ટનથી વધુ ડિમોલિશન વેસ્ટ માટે પ્રતિ વાહન ટ્રીપદીઠ રૂ. 3500 વસૂલ કરવામાં આવશે.