આમ આદમી પાર્ટીએ પંજાબમાં નવા અધ્યક્ષની કરી નિમણૂક, ‘હિન્દુ’ ચહેરા પર લગાવ્યો દાવ
ચંદીગઢઃ આમ આદમી પાર્ટીએ પંજાબમાં (AAP Punjab President) સંગઠનને નવી દિશા આપવા મોટો બદલાવ કર્યો છે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને અમન અરોરાને (Aman Arora) પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરી છે. ધારાસભ્ય અમનશેર સિંહ શૈરા કલસીને વર્કિંગ પ્રેસિડેંટ બનાવાયા છે. ભગવંત માને આ જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી અને આ બંને નેતા પાર્ટી તથા સંગઠનને રાજ્યમાં નવી ઊંચાઈએ લઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવેલો આ બદલાવ ભવિષ્ય માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અમન અરોરા પહેલાંથી જ પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી છે. શુક્રવારે સંસદીય મામલાની સમિતિની બેઠક મળી હતી. જેમાં ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી પ્રધાન તથા પાર્ટીના મુખ્ય હિન્દુ ચહેરા અમન અરોડાને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો ફેંસલો કર્યો હતો.
હિન્દુ મતદારોને આકર્ષવા પાર્ટીનું પગલું
તાજેતરમાં જ સીએમ ભગવંત માને મુખ્યમંત્રી તરીકે તેમના કર્તવ્યમાં વ્યસ્ત હોવાનો ઉલ્લેખ કરને પાર્ટી ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પહેલા પાર્ટીએ બુધ રામને ભગવંત માન સાથે મળીને કામ કરવા માટે કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા, પરંતુ આ પ્રયોગ સફળ થયો નહોતો. હિન્દુ ચહેરો હોવાના કારણે અરોરાને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવવાથી હિન્દુ મતદારોને આકર્ષવા માટે પાર્ટીના પગલાં તરીકે જોવામાં આવે છે.
આ પણ વાંચો : આમ આદમી પાર્ટીમાં બળવો! આ નેતાએ પાર્ટી અને પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું
ચાર વિધાનસભા સીટની પેટા ચૂંટણી દરમિયાન ભગવંત માને પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરીને કહ્યું હતું કે, પાર્ટીને દરેક મામલા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે એક પૂર્ણ સમયના નેતાની જરૂર છે.
કોણ છે અમન અરોરા
અમન અરોરા પંજાબના સુનામથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેઓ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભગવાન દાસ અરોરાના પુત્ર છે. તેમણે વર્ષે 2017માં પ્રથમ વખત પંજાબ વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ જીત હાંસલ કરી હતી. અમને 2007 અને 2012માં કોંગ્રેસની ટિકિટ પરથી બે વખત સુનામથી લડ્યા હતા. જાન્યુઆરી 2016માં તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા.