જે. જે. હૉસ્પિટલમાં કિશોરીનો વિનયભંગ: સફાઇ કર્મચારીની ધરપકડ
મુંબઈ: જે. જે. હોસ્પિટલમાં દાખલ પંદર વર્ષની કિશોરીનો વિનયભંગ કરવા પ્રકરણે જે. જે. માર્ગ પોલીસે સફાઇ કર્મચારીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ રોહિદાસ દયાનંદ સોલંકી (૪૦) તરીકે થઇ હોઇ તે જે. જે. કંપાઉન્ડમાં સિમેન્ટ ચાલમાં રહે છે.
પોલીસના જણાવ્યા અનુસાર કિશોરી તેના માતા-પિતા સાથે અગાઉ માનખુર્દ વિસ્તારમાં રહેતી હતી અને તેના માતા-પિતાએ ૭ ઑક્ટોબરે માનખુર્દ આવવાની ના પાડી હતી. આથી કિશોરીએ રોષે ભરાઇ બપોરે પિતાની ગોળીઓ ખાઇ લીધી હતી. આથી તેને સારવાર માટે જે. જે. હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી.
૮ ઑક્ટોબરે કિશોરીની માતા બેડની ફરતે પડદા લગાવીને કિશોરીનું ડાયપર બદલી રહી હતી. એ સમયે સફાઇ કર્મચારી રોહિદાસ મદદ કરવાને બહાને ત્યાં આવ્યો હતો અને તેણે ડાયપર બાથરૂમમાં ફેંકવા માટે કિશોરીની માતાને મોકલી હતી. કિશોરીની માતા બાથરૂમમાં ગયા બાદ તેણે કિશોરીનો વિનયભંગ કર્યો હતો. દરમિયાન કિશોરીએ તેની માતાને આની જાણ કર્યા બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ રોહિદાસ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.